અહો બત કિમ્ આશ્ચર્યમ્/માનવદ્રોહનું પાપ


માનવદ્રોહનું પાપ

સુરેશ જોષી

લખવા ધારેલાં પણ નહીં લખી શકાયેલાં વીસેક પુસ્તકોનો ભાર છાતી પર લઈને હું સવારે ઊઠું છું. દોષિત હોવાનો ભાવ મનને પીડ્યા કરે છે. પ્રમાદને કારણે નથી લખતો એવું નથી. આપણો પોતાનો કહી શકાય એવો સમય જ બહુ થોડો રહે છે. બાલ્ઝાક પેરિસ શહેરમાં ઊંચે એક કાતરિયામાં બેસીને વહેલી સવાર સુધી જાગીને લખતો. આપણા ધર્મની કર્મસંન્યાસની ફિલસૂફીના આશ્રય લઈને બચી જઈ શકાય તે જાણું છું. પણ એ તો એક પ્રકારની અપ્રામાણિકતા જ કહેવાય. હું જે નથી લખી શકતો તેથી દુનિયાને મોટી ખોટ જશે એવી કોઈ બાલિશ લાગણી મારામાં નથી. જે નથી લખતો તેથી હું પોતે જ મારી આગળ તેટલે અંશે અવ્યક્ત રહું છું. ઈશ્વરને પોતાને પણ વ્યક્ત થવાની લીલા ગમે છે, એમાં અચરજ શું?

સમાજમાં ચાલતી જુદી જુદી સર્જનાત્મક પ્રવૃત્તિઓ એકબીજાથી અળગી થઈ ગઈ છે. સમાજ પોતે આવી પ્રવૃત્તિનાં ઇષ્ટ પરિણામોથી અસ્પૃષ્ટ થઈને રહે છે. હું આને આપણી સંસ્કૃતિનું એક સંકટ ગણું છું. કોઈ પણ કારણે આવતું આવું વેગળાપણું એ અમાનુષી અનિષ્ટ છે. મારું એકાન્ત માનવી જોડે વધુ સૂક્ષ્મ ભૂમિકાએ ઘનિષ્ઠતા સ્થાપિત કરવા માટેનું હોય છે. મારા મનમાં હું માનવીઓ માટે કશી નફરત સંઘરીને એકાન્ત ભોગવવા ઇચ્છતો હોઉં તો તે માનવદ્રોહનું પાપ જ લેખાવું જોઈએ. માનવસમ્પર્ક તે રાજકીય નેતા કેવળ ચૂંટણીને સમયે જનસમ્પર્ક સાધે છે તે સ્વરૂપનો હોતો નથી. એની અનેકવિધ ભૂમિકાઓ છે, અનેકવિધ શક્યતાઓ છે. પ્રેમની શક્તિ વિના એ બધાંની ઝાંખી નહીં થઈ શકે.

આથી જ તો એકાકીપણું એ સદા ભયાનક લાગ્યું છે. સમ્બન્ધની, સંપર્કની કડીઓ સંધાતી નહીં હોય, સૌ એકબીજાને કેવળ આ કે તે સ્વાર્થ સિદ્ધ કરવામાં સાધનરૂપે વાપરતાં હોય ત્યારે આ ભયાનકની અનુભૂતિ સંવેદનશીલ સહૃદયને થાય છે. આ બધાંની અવેજીમાં બીજું કશું ચાલી શકતું નથી. માસ મીડિયાના આ દિવસોમાં તમારા મોઢામાં બધું બહારથી મૂકવામાં આવે છે. તમારા મનમાં બહારથી વિચારો અને લાગણીઓને ઠાંસવામાં આવી છે, તમારી આગવી રુચિ જેવું કશું રહેવા દેવામાં નથી આવતું. આને કારણે તમારું આગવાપણું, તમે છો એનું ભાન, ભૂંસી નાખવામાં આવે છે. આમ આપણે કેવળ ચિહ્નરૂપ બની જઈએ છીએ. આ જ કારણે વ્યક્તિગત સમ્બન્ધની ભૂમિકા નષ્ટ થઈ જાય છે. રોજ-બ-રોજનાં નૈમિત્તિક કાર્યોની યાંત્રિક ઘટમાળમાં આપણે અટવાયા કરીએ છીએ. પણ ધીમે ધીમે એક પ્રકારનું ઠાલાપણું આપણને પીડ્યા કરે છે.

આવી ઠાલાપણાની લાગણીથી બચવા માનવીઓ અનેક આશ્વાસનો શોધી કાઢે છે. ધર્મને જાણ્યા વિના એ ધામિર્ક બન્યાનો સન્તોષ લેતો જાય છે. સમાજને ઓળખ્યા વિના એ સમાજકલ્યાણની પ્રવૃત્તિ આચરી રહ્યો છે, એવું માનતો થઈ જાય છે. સાચું સર્જન કોને કહેવાય તે સમજ્યા વિના એ સર્જક બન્યાનું ગૌરવ લેતો થઈ જાય છે. આમ ધીમે ધીમે એ સો ટકા સાચી વસ્તુથી દૂર ને દૂર થતો જાય છે.

આ આપણી દુનિયા જ આખી જાણે સાચી દુનિયાની અવેજીમાં મૂકેલી કોઈ નકલી દુનિયા છે. આથી જ તો એ સાચી છે એવી ભ્રાન્તિ ટકાવી રાખવાનો પ્રયત્ન આપણે મરણિયા બનીને કરીએ છીએ. સત્ય આપણને હચમચાવી નાખે, આથી ભ્રાન્તિ જ આપણો પરમ આધાર. આથી જ ધર્મમાં પણ સ્વરૂપાનુસન્ધાનને બદલે એકાદ બે ચમત્કારથી આપણું કામ ચાલી જાય. આથી આપણે સન્તપુરુષ અને જાદુગર વચ્ચે કશો ભેદ નહીં જોઈએ. રમણ મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસ આપણને ખપમાં નહીં આવે.

આપણા જમાનામાં સર્જકને પણ માસમીડિયાના ભોગ થવાનું આવ્યું. આથી બહુજનનું આરાધન એ કરતો થઈ ગયો. મારી કૃતિથી હું મારો જ આવિષ્કાર કરું છું એવું નથી, એથી કોઈ પણ સહૃદય ભાવકને પણ પોતાનો સાક્ષાત્કાર થાય છે. પણ બહુજનની રુચિની ખુશામત કરતો લેખક આવા સાક્ષાત્કારથી બહુ દૂર રહે. આથી છાપામાં આવતી ચાલુ નવલકથા, બે ઘડી મન બહેલાવવા વાંચીને ફેંકી દઈ શકાય એવાં ફરફરિયાં આ બધાંથી કામ ચાલી જાય છે. સાચા સાહિત્યની અવેજીમાં આ બધું આવી ગયું છે. એવી જરૂરિયાતને વરતી જઈને એનું જથ્થાબંધ ઉત્પાદન કરનારા પણ મળી રહ્યા છે. આપણી જીવનની સમસ્યાઓ વિશેની અભિજ્ઞતા પણ અપરોક્ષ સ્વરૂપની નથી. આપણા પ્રશ્નો પણ ઉછીના લીધેલા છે, આથી એને વિશેનાં ઊંડા કે મૌલિક ચેતનનો અભાવ હોય એમાં નવાઈ નથી. કોઈ વાર એકાદ રડ્યોખડ્યો વિદ્યાર્થી ભારે ગમ્ભીરતાથી જિજ્ઞાસાવૃત્તિ ધારણ કરીને ચર્ચા કરવા આવે છે, ત્યારે જોઉં છું તો એના પ્રશ્નો, એની ભાષા બધું જ બીબાંઢાળ અને ઉછીનું હોય છે. ન જાણી શક્યાની વેદના એમાં હોતી નથી. એક પાઠ ભજવી નાખ્યાનો સન્તોષ જ એમાં હોય છે.

મને લાગે છે કે સમ્બન્ધની કડી છેદાઈ ગયાનો, અળગા પડી ગયાનો સાચો અનુભવ હજી થયો નથી. એવી અપરોક્ષ અનુભૂતિ થાય પછી જ એ વિશે વિચાર કરવાની અનિવાર્યતા વરતાય. એ અનિવાર્યતા ઊભી નહીં થાય ત્યાં સુધી કેટલાંક સુફિયાણાં સૂત્રોનો શુકપાઠ કરીને આધુનિકમાં ખપવાની વૃત્તિ જોર કરે ત્યાં સુધી આપણે ક્રિયાપ્રતિક્રિયાના આવર્તનમાં ફસાયેલા રહીએ.

કેટલાક આશુતોષ જીવ જે કાંઈ છે તેનાથી તરત જ સન્તોષ માની લેવાનું શીખી જાય છે. અજંપો, અસન્તોષ, બેકરારી એઓ કદી અનુભવતા નથી. આત્મતુષ્ટિની લાગણી એ આત્મસંરક્ષણ માટેનું એમનું મુખ્ય શસ્ત્ર હોય છે. એમની પાસે પોતાનું કશું માપ હોતું નથી, એવી પરિસ્થિતિને અનુકૂળ એવું માપ એઓ સદા વેતરતા રહે છે. સન્માન કે અપમાન જેવા શબ્દો એમને અજાણ્યા હોય છે. જડતા એ એમનું રક્ષાકવચ હોય છે.

થોડો આઘાત સહેવો, વેદના અનુભવવી, એ પણ આપણો માનવી તરીકેનો એક વિશિષ્ટાધિકાર છે. સાધનાનો પાયો વેદના જ હોય છે. પૂર્ણત્વને માટેની અપૂર્ણની ઝંખના તે આ વેદનાનું ઉદ્ભવસ્થાન હોય છે. પણ જે છે તે ઠીક જ છે એવી તત્સમ વૃત્તિ કેળવનારને આ વેદના અજાણી જ હોય છે. આથી જ તો ક્યિર્કેગાર્દે કહેલું કે જેણે આ વેદના જાણી નથી, સંવેદનાની આ અતિમાત્રા જેણે અનુભવી નથી તે એ જ સૌથી મોટું દુ:ખ છે તે પણ જાણતો હોતો નથી.

7-12-73