અહો બત કિમ્ આશ્ચર્યમ્/વિદ્રોહ


વિદ્રોહ

સુરેશ જોષી

ફાટેલા ખિસ્સામાં ક્રોધથી વાળેલી મૂઠી સંતાડીને જેમ એક દિવસ ફ્રેન્ચ કવિ રેંબો ચાલી નીકળ્યો હતો તેમ ચાલી નીકળવાનું મન થાય છે. એકાએક જાણે કારાગારમાં પુરાઈ ગયા જેવું લાગે છે. જીવનનાં વીતેલાં વર્ષો જ દીવાલ બનીને ઘેરી વળ્યાં છે. બાળપણમાં જોયેલું, કશી દોઢડાહી ફિલસૂફીથી રંગાયા વિનાનું આકાશ હવે દેખાતું નથી. હવે બધી વસ્તુ પર એને વાપર્યાના ડાઘ પડી ગયા છે. બાળપણની તાજગી સાથે એક પ્રકારની અવ્યવહૃત શુભ્રતા સંકળાયેલી હતી. એને માટે હવે મન ઝૂરે છે. વૃદ્ધના કરચલીવાળા ચહેરા જેવો ચોળાયેલો સમય – એને ખંખેરીને દૂર ફેંકી દેવાનું મન થાય છે. કોઈ વાસી ઉબાઈ ઊઠેલા બંધિયાર સમયમાં શ્વાસ શી રીતે લઈ શકે?

વિચારો, સ્મૃતિઓ, અધ્યાસો, સંસ્કારો – આ બધાંનો ભાર મારા પર તોળાઈ રહ્યો છે. બધા જ ઇન્દ્રિયપ્રત્યક્ષોના પરિમાણોને અસ્તવ્યસ્ત કરી નાખીને આ જડવ્યવસ્થાના પર બને તેટલો આસુરી જુલમ ગુજારવાનું મન થાય છે. માટીના દટાયેલા બીજના કાનમાં આ વિદ્રોહનો મન્ત્ર ફૂંકી આવવાનું મન થાય છે. આકાશને વિદ્રોહના ધ્વજની જેમ ફરકાવવાની ઇચ્છા થાય છે. નીચી નજરે વહી જતા જળને ઉશ્કેરીને એના ઉન્નત મસ્તકને આકાશનો સ્પર્શ કરાવવાની ઇચ્છા થાય છે. મૃત્યુના ગુપ્તચરોની જેમ મારામાં સંચરતા શ્વાસને સળગાવી મૂકવાનું મન થાય છે. ઓગણપચાસ મરુતોના અશ્વને પલાણીને દિશાઓને ઉલ્લંઘી જવાની આ મુહૂર્ત હોય એવું લાગે છે.

પરિચિત આકારોની ભૂમિતિથી ટેવાઈ ગયેલી આંખોને નવાં રૂપ જોવાની દીક્ષા આપવાનું પણ આ મુહૂર્ત છે. સ્પર્શબધિર આ ત્વચાને શેનાથી ફરી રોમાંચિત કરવી તેનો વિચાર કરું છું. ધ્વનિના પુનરાવર્તનભર્યા આંદોલનોને ફરીથી એક વાર શૂન્યમાં સ્તમ્ભિત કરી દેવાનું મન થાય છે. ઈશ્વરને ઘડીભર શીર્ષાસન કરાવવાની પણ ઇચ્છા થાય છે.

ટેવના માળખાને ઊંચકી ઊંચકીને ફરવાનો હવે થાક લાગે છે. આ શિરાઓના જાળાઓમાં ફસાઈને રહેવાનો હવે સખત અણગમો થયો છે. હોવું અને નહોવુંના દ્વન્દ્વને ભેદીને પલાયન કરી જવાને હું ઉશ્કેરાઈ ગયો છું. ઘરના ખૂણામાં જાપ જપતી શાન્તિનો ચોટલો પકડીને બહાર કાઢી મૂકવાને હું અધીરો થયો છું. મારા પડછાયાની વફાદારીથી હું અકળાયો છું. મેં પુસ્તકમાં પૂરેલા બારાખડીનાં પંખીઓને હું ફૂંક મારીને ઉરાડી મૂકવા ચાહું છું.

હું આ પ્રલાપ કરું છું તે મારી સામેનું દીવાલ પરનું ઘડિયાળ કાન દઈને ઠાવકું બનીને સાંભળે છે. દર્પણ ખંધું હસે છે ને એનો પડઘો બીજા ઓરડાના દર્પણમાં પડે છે. ખુરશી આ સાંભળીને ફરી વનમાં કોઈ શાખાવાળું વૃક્ષ બનીને મહાલવાનું સપનું જોવા લાગી છે. ઘરમાં કાતરિયાના જરઠ ઉંદરને પાંખો ઉઘાડીને ઊડી જવાનું મન થાય છે. પણ રસ્તાઓ હજી વફાદારીથી દોડી રહ્યા છે, રસોડામાં ટપકતા નળને મોઢે વફાદારીનું રટણ છે. સૂર્ય ચન્દ્ર વફાદારીનો બિલ્લો લટકાવીને ફરે છે. પવન વફાદારીની છડી પોકારે છે. જળ વફાદારીનો જ રેલો છે. ભાષા શબ્દોની વફાદારીની જ કવાયત છે. દરેક મકાનમાં ભૂમિતિની વફાદારી બુલંદ બની છે. આ વફાદારીના વન વચ્ચે હું મારા વિરોધનું અરણ્યરુદન કરી રહ્યો છું. મારા હૃદયમાંની કસક વફાદારીથી નિયમિત ધબક્યા કરે છે.

તો શું કરીશું? કારાગારને મહેલ માનીશું? આ દીવાલોને ફિરસ્તાની શ્વેત પાંખો માનીશું? આ ઘરના છાપરાને આશીર્વાદ આપવા ઝૂકેલી ઈશ્વરની હથેળી માનીશું? આ દર્પણને બુદ્ધના ખૂલેલા અનુકમ્પામય ચક્ષુ માનીશું? આકાશને શાશ્વતતાનો અમરપટ્ટો માનીશું? ઘરની બારસાખને વિજયતોરણ માનીશું? પવનને ભગવાનનું લહેરાતું પીતામ્બર માનીને એના સ્પર્શથી ધન્યતા અનુભવીશું?

કોઈ વાર કાન માંડીને સાંભળું છું તો દૂરના નગરના અવાજો છેદાયેલી પાંખવાળા પંખીના ચિત્કાર જેવા સંભળાય છે. મનુષ્યોના પદધ્વનિઓમાં આદિકાળના કોઈ સરિસૃપના સર્યે જવાનો સ્પન્દ સંભળાય છે. જીર્ણકાળનું આવરણ આ પૃથ્વી પરથી સરી ગયું હોય એવું લાગે છે. જળને મુખે સૃષ્ટિના શૈશવકાળની કાલી કાલી વાણી ફરી ફૂટે છે. વનરાજના પર્ણમર્મરમાં એ આદિકાળનો છન્દ સંભળાય છે.

તો વળી કોઈ વાર ચારે બાજુ કેવળ ભગ્નાવશેષ જ દેખાય છે. ઘુમ્મટ કે કળશ વગરના બોખલાં મન્દિરોમાં ખોખલા પવનનો ફાટી ગયેલો અવાજ સંભળાય છે. મહાલયોના અવશેષરૂપ રહી ગયેલા સ્તમ્ભ હવે આકાશનો ભાર ઝીલી રહ્યા છે. માનવીનાં ચરણચિહ્નોને વનસ્પતિએ હાથ લંબાવીને ભૂંસી નાંખ્યા છે. મહાનગરોને સ્થાને રિક્ત અવકાશ અશ્રુત હાહાકારથી છલકાઈ ઊઠ્યો છે.

આપણે એક સાથે ચારેચાર યુગોમાં જીવતા હોઈએ છીએ. હમણાં જ તો હજી જાણે મત્સ્યની જેમ જળમાં સરતા હતા, પછીથી કચ્છપગતિએ ચાલતા થયા, વરાહની જેમ દન્તૂશળ સાથે દોડતા થયા, પછી પશુમાંથી અર્ધમાનવ થઈને નૃસંહિ બન્યા, વામન બનીને ધૂર્તતાનાં પ્રથમ પગલાં ભર્યાં, રામ થઈને બે સંસ્કૃતિ વચ્ચેનો સેતુબન્ધ બાંધ્યો, કૃષ્ણ થઈને મહાભારતના યુદ્ધના સાક્ષી બન્યા અને આખરે બુદ્ધની કરુણા અને મુદાભરી આંખો ખોલી અને હજી કલ્કિનો શ્વેત અશ્વ પલાણીને સંહારયાત્રા કરવાની બાકી છે. સંસ્કૃતિના સીમાડાના પથ્થરોનો ભાર ઊંચકીને ફરતા યુગપુરુષોને હાંફતા સાંભળું છું. ગાંધીના પડછાયાને ગામને પાદરે રઝળતો જોઉં છું ને નગરના ચોકમાં એના પૂતળાની પૂજા થતી જોઉં છું.

વાસ્તવિકતાને ખોદીને એની નીચેનાં ઊંડાં ભોંયરામાં ચાલ્યો જાઉં છું. ત્યાં ખેતરના ચાડિયાઓ ખોળિયું બદલવા ભેગા થયેલા દેખાય છે. મન્દિરના દેવો પણ ઘડીક ગપસપ કરવા ગુપચુપ મન્દિરમાંથી અહીં ચાલી આવ્યા છે. રાજકુંવરનો ઊડતો ઘોડો એની પાંખ ઉતારીને અહીં મૂકી ગયો છે. જગતભરનું સોનું અહીં માનવીના હાથના સ્પર્શનો મેલ ઉતારવા ફરીથી ઊંડે ઊતરી ગયું છે. સૂર્ય અહીં આગિયો બનીને વેશ બદલીને આવે છે.

પણ સવારે જોઉં છું તો નરી વાસ્તવિકતા મને ઘેરી વળી છે. મારા ટેબલ પર બોદલેર અને રિલ્કે, અભિનવગુપ્ત અને મધુ રાય સાથે બેઠા છે, ‘સ્પોર્ટસ વીકલી’ના પૂઠા પરનો ખેલાડી જાણે હમણાં છલાંગ મારીને બહાર કૂદી આવશે એવી અદાથી ઊભો છે. ‘રીડર્સ ડાયજેસ્ટ’માંની જાહેરખબરમાંની સુંદરી હમણાં જ નાહીને નીકળી છે. એના મુખ પર પાણીનાં ટીપાં બાઝ્યાં છે ને જાણે એ સુગંધી સાબુની સુવાસ મારા ઓરડામાં પ્રસરી જાય છે.

હું દર્પણમાં જોઈને ખાતરી કરી લઉં છું કે મારું ખોળિયું તો બદલાયું નથી ને? પહેલો શબ્દ ઉચ્ચારતાં સંકોચ અનુભવું છું. મારા હાથની આંગળીઓ એકબીજાની ઓળખ ફરીથી તાજી કરી લે છે.

અર્ધાં રહી ગયેલાં સ્વપ્નોની માયા હજી મારો આંખોમાં અંજાયેલી છે, એટલે મને બધું ધૂંધળું દેખાય છે. ત્યાં સૂર્ય ઊગે છે ને મારી આજના પાઠની વેશભૂષા પહેરવાની હું તૈયારી કરું છું. આજનો આખો દિવસ પાર કરાવી જાય એવી એકાદ કવિતાની પંક્તિ શોધું છું. પણ મારું મન તો ફિનોમિનોલોજીની સીડી પર ચઢઊતર કરે છે.

1-10-74