અહો બત કિમ્ આશ્ચર્યમ્/શૂન્યનો ભાર


શૂન્યનો ભાર

સુરેશ જોષી

બધી ક્ષણો એક પ્રકારના શૂન્યના ભારથી વજનદાર બની ગઈ છે. સમય સરતો નથી. આખો દિવસ જાણે માથા પર તોળાઈ રહે છે. ઘાસમાં ઊગી નીકળેલું નાનું સરખું ફૂલ હું જોઉં છું ને મને અચરજ થાય છે : આટલું નાજુક ફૂલ માથે તોળાઈ રહેલા આકાશનું વજન શી રીતે ઝીલતું હશે? એની પાસે આ ભારને હળવો કરવાનો કશોક કીમિયો હશે. પણ એ જાણવું શી રીતે?

હું તો અત્યારે પુસ્તક ખોલવાની પણ હિંમત કરી શકતો નથી. અક્ષરોનો એ સમૂહ મને ભયભીત કરી મૂકે છે. અક્ષરો વચ્ચેની જે ખાલી જગ્યા છે એ જ મારે મન મોટું આશ્વાસન. નિશાળિયાઓનાં પુસ્તકોથી તસતસતાં દફતર જોઈને મને આ જ વિચાર આવે છે : આટલો બધો ભાર એ શી રીતે ઉપાડતા હશે? પણ એમ તો પતંગિયાં ઊડાઊડ કરે જ છે ને? જે છે તેને નહિવત્ કરી નાખવાની કળા જો આવડે તો જ કદાચ આ અસ્તિત્વનો ભાર હળવો બને.

અત્યારે તો સહેજ સરખા સ્વાભાવિક કુતૂહલનો પણ ભાર સહન થતો નથી. પવનનો સ્પર્શ પણ જાણે કશાક ભારથી કચડી નાખે છે. માત્ર એક નરી સ્થાવરતા જ અત્યારે તો ગમે છે. આ લીમડા કે શિરીષની જેમ કેવળ ઊભા રહી જવું, શાખાપર્ણોનાં આન્દોલનને પણ નિ:સ્પૃહભાવે જોઈ રહેવું! મારી આજુબાજુની નિ:શબ્દતા પણ કોઈ ઘટાદાર વૃક્ષની જેમ ફાલી છે. એ વૃક્ષ પરનાં પંખીનો ટહુકો પણ નરી નિ:શબ્દતા જ છે. મારી વેદના પણ મને કોઈ નિ:શબ્દ જન્તુની જેમ કોરી ખાય છે. આથી જ તો નરી નિ:શબ્દતામાં એ એવી તો એકરૂપ થઈ જાય છે કે એને ‘વેદના’ની જુદી સંજ્ઞાથી ઓળખાવવાનો પ્રયત્ન પણ વ્યર્થ લાગે છે.

સામેની નિશાળનાં બધાં નળિયાં પહેલો વરસાદ આવ્યો હતો ત્યારે એક્કી અવાજે નિશાળનાં બાળકોની જેમ સામૂહિક પ્રાર્થના કરી ઊઠ્યાં હતાં. હમણાં જોઉં છું તો એ બધાં જ મૂંગાં બની ગયાં છે. અવાજો ક્યાંક શોષાઈ જાય છે.

વરસાદ ઝરમર રૂપે જ આવે છે ત્યારે જાણે મૌનવ્રત ધારણ કરીને આવે છે. ત્યારે વૃન્દગાન ગવાતું નથી. જ્યારે મોટું ઝાપટું આવે છે ત્યારે ઘરનાં છાપરાં નેવાંરૂપે બોલે છે, વૃક્ષો બોલે છે, અને પછી બધાંનો લય બરાબર જામે છે. આખા વિશ્વને આવરી લેતો એક અશ્રુત ધ્વનિ બધે વિસ્તરી જાય છે, અત્યારે કદાચ એ ધ્વનિની અપેક્ષામાં જ બધે નરી નિ:સ્તબ્ધતા વ્યાપી ગઈ છે. હું જોઉં છું તો સૂર્યની આજુબાજુ પણ એ નિ:સ્તબ્ધતાનું આવરણ છે. ભગવાન પોતે પણ આ નિ:સ્તબ્ધતા ઓઢીને પોઢી ગયા છે.

આમ છતાં સંસારની બધી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. નિશાળોના ને દેવળોના ઘણ્ટ વાગે છે, બગીચામાં થોડાં ગુલાબ નિયમિતપણે ખીલે છે. લોકોની અને વાહનોની અવરજવર પણ રાબેતા મુજબ ચાલ્યા કરે છે પણ આ બધા વ્યવહારની પાછળ એક અપરિચિત એવી આબોહવા છે. પશુપંખી પણ એને અકળ રીતે અનુભવે છે. રાત્રે તારા જોઈને ઘુવડ પણ વિચારમાં પડી જાય છે. ખેતરમાં ઊભા કરેલા ચાડિયા પણ ઘણા દિવસથી સ્નાન કર્યા વિનાના પોતાની અપવિત્રતાથી અકળાઈ રહ્યા છે.

જે કામ કેવળ કામ હોવાનો આભાસ માત્ર છે તે કામમાં હું પણ આમ તો રોકાયેલો રહું છું તેમ છતાં કશું ન બનવાનું એક પોલાણ જ ચારે બાજુ અનુભવું છું. વર્તમાનપત્રો હાથમાં લઈને જોવાનું મન સુધ્ધાં થતું નથી. અરે ન છૂટકે બોલવો પડેલો મારો જ શબ્દ કેવો ઉચ્ચારાયો તે સાંભળવાની પણ ઇચ્છા થતી નથી. આવી સ્થિતિ કોઈ ભવિષ્યની આધ્યાત્મિક અનુભૂતિની પૂર્વભૂમિકા હશે કેમ તે હું જાણતો નથી પણ આ નૈષ્કર્મ્યની અવસ્થામાં હું જાણે ધીમે ધીમે ઓગળતો જાઉં છું.

આ સ્થિતિ જો વધારે લાંબો વખત ચાલે તો કદાચ અસહ્ય બની રહે એવું લાગે છે. પણ આશ્વાસન એ જ વાતનું છે કે કોઈ સ્થિતિ ઝાઝો વખત ટકતી નથી. આમ નવી સ્થિતિ જોડે મેળ બેસાડવાનો ઉદ્યમ જ જાણે જીવનનો મુખ્ય પુરુષાર્થ બની રહે છે.

આમ છતાં આ બધી પરિસ્થિતિની સાક્ષીભૂત અભિજ્ઞતાનો એક અવિચ્છિન્ન તન્તુ મારી ચેતનામાં અનુસ્યૂત થઈને રહેલો હું અનુભવું છું. એ તન્તુ કોઈ વાર અસહ્ય વેદના બનીને વીંધે છે તો કોઈ વાર એ તન્તુ ટકી રહેવાનો આધાર પણ બની રહે છે. કોઈક વાર એને છેદી નાખવાના મરણિયા પ્રયત્નો પણ કરી છૂટું છું પણ એવી સંજ્ઞાહીનતા હજુ તો સિદ્ધ થઈ નથી.

11-8-74