આત્મનેપદી/સમ્પાદકીય


સમ્પાદકીય

સુરેશ જોષી

આ જોવા સુરેશભાઈ ન રહ્યા એનું મને દુઃખ છે.

ચિન્તનાત્મક નિબન્ધોના સંગ્રહ ‘ઇતિ મે મતિ’ની સાથે જ મુલાકાતોના આ સંચયની સમ્મતિ સુરેશભાઈએ એમની હયાતિમાં જ આપેલી. ‘આત્મનેપદી’ શીર્ષક પણ એમણે જ સૂચવેલું.

મુલાકાત લેનારાં સૌએ ઉમળકાભેર આ સમ્પાદનમાં અને પાર્શ્વના માલિક બાબુભાઈ શાહે આ પ્રકાશનમાં પોતાનો સહકાર નોંધાવ્યો એ આનન્દની વાત છે.

આ મુલાકાતોમાં સ્વાભાવિકપણે જ કેટલાક પ્રશ્નો ફરી ફરીને પુછાયા છે. અને એટલે સુરેશભાઈના ઉત્તરોમાં પણ સહજ પુનરાવર્તનો છે. મારી અને એમની ઇચ્છા એવી હતી કે એવા ભાગોને સાથે બેસીને ગાળી નાખીશું. પણ એમની અનુપસ્થિતિમાં મેં એને દુઃસાહસ લેખ્યું છે. એ જ પ્રમાણે આ મુલાકાતોની એક સર્વાંગ સમીક્ષાને પણ મુલતવી રાખી છે, કહો કે અધિકારીઓ માટે મુલતવી રાખી છે. જોકે ‘સમ્પ્રજ્ઞ સમકાલીન: સુરેશ જોષી’ લેખને પૂરક ગણીને સામેલ પણ કર્યો છે.

કારકિર્દીના ઊગમથી આજ દિન સુધી સુરેશ જોષી આપમે ત્યાં વિવાદાસ્પદ રહ્યા છે. કેટલાક પ્રશ્નો એ વિવાદોની પેદાશ છે, તો કેટલાક ઉત્તરો નવા વિવાદો જગવનારા છે. આશા છે એમના કોઈપણ અધ્યયનમાં આ સંચય ઉપકારક નીવડશે. સવિશેષ તો સાહિત્યના તત્ત્વાન્વેષણમાં હમેશાં માર્ગદર્શક બની રહેશે.

31 માર્ગ, 1987
— સુમન શાહ