આત્મપરિચય/પરિશિષ્ટ/ બે પત્રો

બે પત્રો

૮મો રસ્તો ખાર, મુંબઈ ૨૧
૨૨-૧૧-૧૯૪૫

પત્ર નથી. છૂટા પડ્યાને કેટલા બધા દિવસ થયા! સ્થળનું અંતર વધુ છે એટલે સમયનું અંતર પણ વધારે જ લાગે છે. છતાંય પત્ર નથી. સ્મરણના મુદ્રાલેખ નથી. કારણ? કલ્પના કરવાનો ઇજારો તમારો છે. વાતાવરણની વિષમતાએ ઊમિર્ને-કલ્પનાને રુક્ષ બનાવી દીધી છે. કદીક એ કઠોરતા હૃદયના ભાવોને દબાવી આત્મીય જન પાસે વર્તનમાં પણ આવી જાય છે. જગતમાં કશુંય પારદર્શક નહીં હોય? આજે આશ્રમમાં પ્રભુ પાસે બોલી જવાયું : પ્રભુ બધીય અસ્થિરતામાં તમે તો સ્થિર રહેશો ને! પરમ દિવસે શાસ્ત્રી આવ્યા હતા. તમારી નોટ લેવા. અત્યારે મારી પાસે નથી. અનિલ એકબે દિવસમાં સુરતથી આવશે. એની પાસે હશે તો લઈને શાસ્ત્રીને આપી દઈશ. ક્ષમા કરજો. કુશળ હશો. કીર્તિની વિજયપતાકા ઉન્નત શૃંગે ફરકતી હશે. પ્રભુનાં હાસ્ય વેરાયાં હશે. સિન્ધુ સભર ભરી નદી છે. મરુપ્રદેશ કેમ કહેવાય? આનંદની છોળોય ઊડતી હશે… કવિની ભાષા નથી આવડતી. હૃદયની ભાષા મૂક છે, શાંત છે. પણ એનું પ્રયોજન પણ શું છે? સરનામું ખબર નથી. ક્યાંથી જાણું? તોય સાહસ કર્યું છે. પછી તો પ્રભુઇચ્છા. ડિસેમ્બરમાં હૈદ્રાબાદ (સિંધ) આવવાનું નક્કી થાય છે. ત્યાંથી કરાંચી વગેરે જવાનું છે. ઘરમાંથી નાશિક અને પછી કલકત્તા જવાનો વિચાર થાય છે. જલદી પત્ર નહીં આવે તો પછી કલકત્તા જવાનો નિશ્ચય કરીશ. કારણ કે કોન્ફરન્સ ગૌણ છે અને મહત્ત્વના કાર્યને સ્થાન જ ન હોય તો પછી મૂર્ખાઈ નથી કરવી. કઠોરતા કે સહૃદયતાનો અભાવ કે અસ્પષ્ટતા લાગે તો મારી નિર્બળતા માટે ક્ષમા યાચું છું. ઊંડાણથી જોવાની કંઈ જરૂર નથી. બસ ત્યારે… પ્રણામ.

ઓમ ૯-૧૨-૧૯૪૮ ખાર

સત્યમંગલ પ્રેમમય તુમિ ધ્રુવજ્યોતિ તુમિ અંધકારે.

વરેણ્ય, મૌન માટે ક્ષમા યાચી શકું? તેં મુંબઈ આવવાની ના લખી. મન ખૂબ વિહ્વળ બની ગયું. તેથી જ ઇચ્છા થઈ એકાદ દિવસ મુંબઈ જાઉં. રસિકબેનને મળું, જરા વાતો કરીએ. મન સહેજ સ્વસ્થ થાય. કશાથી દૂર ભાગવાની રીત જ ખોટી છે ખરું! પણ દૂર નહોતું જવું. રસિકબેન સાથે વાતો થાય. એ રીતે તારું નૈકટ્ય પ્રબળપણે અનુભવાય અને તેથી ચિત્ત સ્વસ્થ થાય એ જ અભિલાષા હતી. પરંતુ ત્યાંય તને પત્ર લખવાની ઉત્કટ ઇચ્છાએ વિલંબને અસહ્ય બનાવી દીધો હતો. તારા જેટલી સહનશીલતા નિર્મમતા હજી કેળવાતી નથી. અને તેથી વિલંબની અસહ્યતાએ અંતે બહુ ઉગ્ર સ્વરૂપ લીધું, અને તો જ ખાર આવીને તને પત્ર લખી શકી. મારો પત્ર હવે તો તને મળ્યો હશે. સુરેશ, ચિત્તને આટલું બધું વિહ્વળ થવા દેવાય! તેમાં તું દૂર ત્યાં એકલો રહે ત્યારે! મોહનભાઈ કે વ્યાસ સાહેબને અન્યાય નથી કરતી. જાણું છું તું જ્યાં હોય ત્યાં તને આત્મીયજનોની ખોટ ન જ પોડે. પણ તું ત્યાં દૂર દૂર છે. અનેક મુશ્કેલી, અગવડો ત્યાં ઘેરી રહી છે. ત્યાં શાન્તિનું, આનન્દનું નાનું શું અમીબિન્દુય નથી મોકલી શકતી. ક્યાં તારી ને ક્યાં મારી શક્તિ? માનસિક સંઘર્ષ, શારીરિક અસ્વસ્થતાથી પર જઈ વૃત્તિઓનો ઉત્કર્ષ નથી કરી શકાતો. એ જ્ઞાન જે તીવ્રતા જગાવે છે તેનાથી તને દૂર રાખવા મથું છું. કારણ એ રીતે જ હું પણ મુક્ત રહી શકીશ. તારી ઉન્નતિના માર્ગનાં દર્શન કરી શકીશ. તારી દૂરતા, પ્રભુની દૂરતા ચિત્તના તારોને ઝંકૃત કરી દે છે. પરંતુ તેમાંથી સંગીત નથી ઉદ્ભવતું. સૂરોમાં એકતાનતા, એક લય નથી આવતા. સુરેશ, કદી તને સંગીત સંભળાવી શકીશ ને? સુરેશ, તારા સમારોહનું નિમંત્રણ લઈને જ આ જીવન સ્વીકાર્યું છે. દીપનો પ્રકાશ આત્મા પ્રત્યેક ક્ષણે અનુભવે છે. એ ધૂપની સુગંધ અહનિર્શ ઘેરી રહી છે. ફૂલોની પ્રેમલિપિએ જ જીવનમાં પ્રાણ પૂર્યો છે. પ્રાણ એ સમારોહથી ધન્ય થતા ચિરઉદ્યત છે. સંકોચ માત્ર એટલો છે એની યોગ્યતા પ્રાપ્ત કરી છે? પણ ના…ના એ વિચારથી સત્યમંગલપ્રેમને લજવવું નથી. એ સમારોહની છાયામાં આત્મા નિ:શંકે જ વિહરશે. નિર્ભય બની આનંદશે. એ દૃઢ શ્રદ્ધાનું પાથેય આપીને જ પ્રભુએ મોકલી છે. સુરેશ, તારી પાસે અન્ધકાર! તેને તું અન્ધકાર તરીકે ઓળખાવે તો ભલે, મારે એ જ ઇષ્ટ છે, એ જ વરેણ્ય છે, આધેયનો આધાર છે. એથી વિશેષ કોઈ પ્રાપ્તિની અપેક્ષા નથી. એ પ્રતીક્ષાને સત્કારવાને કયા ફૂલનો હાર લાવું? સુરેશ, ચિત્તને પ્રસન્ન રાખજે. બધા વચ્ચે ખૂબ આનન્દ કરજે. મને કોલેજડેના ફોટા મોકલાવીશ? તબિયત સારી છે ને? મને હમણાં શરદી રહે છે. પણ તું આવશે એટલે મટી જશે. મારે ખાતર નહીં તો તારી તબિયત ખાતર પણ આવ ને! ડિસેમ્બરની રજામાં તો આવીશ ને? હજી બા મુંબઈ નથી આવ્યાં? આજે આનન્દથી ખૂબ ખાઈશ ને? બોલ શું ખાવું છે? હાંડવો કે ખાણવી! અત્યારે વધુ નથી લખાતું. ચિત્ત આનન્દ અને શોકની મૂર્છા અનુભવે છે. કઈ લાગણી ચિત્તને આવરી રહી છે તે નથી જાણતી. પણ ઉતાવળથી કશું વ્યક્ત થતું નથી. જૂઈ ચમેલી, અને બધાંય વૃક્ષો કુંપળોએ તને સ્નેહભર્યાં સ્મરણ કહ્યાં છે. બકુલ રોજ તારે માટે દૂરસુદૂરનાં આનન્દભર્યા સંદેશ લાવે છે. તું ઝીલવા આવીશ કે એ આપવા આવે? ઉષાનાં…