આત્માની માતૃભાષા/25

Revision as of 09:35, 16 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બારેસોળે તો ખીલ્યાં આવડાં|હરિકૃષ્ણ પાઠક}} <poem> સખી, ગણું ગણુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બારેસોળે તો ખીલ્યાં આવડાં

હરિકૃષ્ણ પાઠક

સખી, ગણું ગણું તે કઈ મંજરી,
ગણતાં કંઈ કંઈ રહી જાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, સેંથે ચડતાં આંખડી
અંજાતી ને અટવાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ઊતરે કેશલટે નજર
પાની લગ લપટી જાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, નેહછલકતાં નેણને
ભમ્મરની આડી પાળ રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, પાંપણ ઢોળે વીંજણા,
કીકીમાં પ્રજળે નેહ રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, અણબોટ્યા બે હોઠની
એ જડે ન કહીં ગુલજોડ રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, આંખે વણબોલ્યાં રહ્યાં
એ બોલે ગૌર કપોલ રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ગાલે ખાડા શા પડે,
મહીં હૈયાં ઘૂમરી ખાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ઊંચેરી ડોલર-ડોકના
રત રત શા નિત્ય મરોડ રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ધરા ઘૂમે ઉર ઊંચેનીચે
ત્યમ હૈયાં ઊછળી જાય રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, શિખરો વીંધે વ્યોમને,
છાતી વીંધે બ્રહ્માંડ રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, પર્વતથી નદીએ ઢળ્યાં
કમ્મર લે નદીવળાંક રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, ગણું ગણું તે કઈ મંજરી
ગણતાં કંઈ ના'વે પાર રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, નમણાં ચાલો ત્યાં દીસો
રમતેરી મેઘકમાન રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, પગલાં પડતાં પોયણાં
પગલે ધરતી ધનભાગ્ય રે
સહિયરના મ્હોર્યા માંડવા.
સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં,
વળી ખીલશો અદકે રૂપ રે
સહિયરના મ્હોર્યા માંડવા.

મુંબઈ, ૧-૧૨-૧૯૩૪