ઇતિ મે મતિ/એકાન્ત – એક આત્મવિલોપન


એકાન્ત – એક આત્મવિલોપન

સુરેશ જોષી

એકાએક ભૂતકાળના કોઈ અણબોટ્યા એકાન્તનો ઉચ્છ્વાસ મને સ્પર્શી જાય છે. એકાન્ત એક પ્રકારનું આત્મવિલોપન છે. કેટલાય પ્રકારની ગ્રન્થિઓથી ગંઠાયેલો, સ્મૃતિવિસ્મૃતિની છેદરેખાઓથી ઉઝરડાયેલો, વીતેલા અને અનાગતકાળથી ભારે, આકાંક્ષા અને ભયથી ત્રસ્ત એવા આપણા અહંકારને બરફની જેમ પીગળીને વહી જતો અનુભવવો કે કપૂરની જેમ કેવળ સુગન્ધ રૂપે વિસ્તરીને લય પામતો જોવો એ એક વિરલ અનુભવ છે. આ જગત સાથે ગૂંથાયેલા તાણાવાણા અળગા થાય, મમત્વની પકડ છૂટી જાય ત્યારે કેવળ હોવું એ પણ આછો આભાસ બની રહે. આવી ક્ષણ આવે ત્યારે એને ઓળખવાનો, એને સાચવી રાખવાનો લોભ પણ હોતો નથી. એ તો એ પછીથી ઉદ્ભવે છે. છતાં એ અનુભવની સ્મૃતિ સાથે મન ચેડાં કરવાં શરૂ કરી દે છે, એમાંથી કશુંક ઉપજાવી કાઢવાના ઉધામા શરૂ થઈ જાય છે, અને એ ઉધામા સાથે એ એકાન્તનો પૂરેપૂરો અન્ત આવી જાય છે.

હું આ અનુભવને આધ્યાત્મિક અનુભવને મોટે નામે નહીં ઓળખાવું, છતાં એટલું તો કહીશ કે એથી આપણી ચેતના પુષ્ટ થાય છે, આ એકાન્ત તે શૂન્ય નથી, એમાં બધું જ સારવી લીધેલું હોય છે. બાકી તો બધી પ્રવૃત્તિઓ દરમિયાન આપણું મન એનાં લેખાંજોખાંની આળપંપાળમાં ફસાયેલું હોય છે. ‘આટલું મળ્યું, આટલું ખોયું’નો ગોકીરો એ મચાવ્યા કરતું હોય છે. આથી જ તો આપણે એકાન્તના અનુભવ સાથે શાન્તિને જોડીએ છીએ. પણ બીજી બાજુ શાન્તિ અને વિષાદને પણ સમ્બન્ધ છે. શાન્તિ ઠરે પછી એને તળિયે વિષાદનો પોપડો બાઝ્યો હોય એવો અનુભવ થાય છે. એકાન્તમાં કશાનો નિષેધ નથી, પણ નિગરણ છે, નિમજ્જન છે. ઊલટાની એમાં તો સ્વીકૃતિની માત્રા એટલી તો તીવ્ર બની રહે છે કે કદાચ તેથી જ એકાન્તને જીરવનારા બહુ થોડા હોય છે. કોઈ વાર એવી વ્યક્તિને જોઈએ છીએ જે એકાન્તથી ઘેરાયેલી હોય એમ લાગે છે. એની આંખોમાં એકાન્ત ઘુંટાયેલું દેખાય છે. એ શબ્દો બોલે તોય એકાન્તમાં થતા પરપોટા જેવા લાગે છે. એનું કારણ કદાચ એ હશે કે એઓ ક્યાંય સ્થગિત થઈને થંભી જતા નથી. રસળતી ગતિએ બધું સમથળ બનીને વહ્યા કરે છે. કશી આસક્તિનો આંકડો એમને ભેરવાતો નથી. ઘણા શ્રી અરવિન્દના કે શ્રી રમણ મહષિર્ના પ્રભાવની વાત કરે છે ત્યારે હું એને આવી રીતે જ ઘટાવું છું.

હું જાણું છું કે આની સામેની પણ એક સ્થિતિ છે, એમાં ઉત્પાત છે, જ્વાળામુખી છે. વિક્ષોભ છે પણ આવા ચક્રવાતોના પર જ શાન્તિની દૃષ્ટિધારાનો આધાર કદાચ રહ્યો હોય છે. આપણે જે હતા તેમાંથી પૂરેપૂરા મુક્ત થવું અને આપણે જે થવાના છીએ તે તરફ ગતિ કરવી, આ દરમિયાન આપણે આપણાથી જ છૂટીને ડગલું ભરવું પડે છે. પશુઓને તો એકાન્ત હોતું નથી. માનવી જ એકાન્ત શોધે છે, અને એકાન્તથી ભયભીત થઈને સમૂહનો આશ્રય લે છે. આખરે માનવીની પ્રબળ આસક્તિ પોતાને પોતાનામાં શોધવાની નહીં, પણ ઇતરમાં પૂરેપૂરો સંક્રાન્ત થયેલો જોવાની છે. આ ઇતર એ વાસ્તવમાં ઇતર નથી એમ કહી શકાય એટલે અંશે એને પોતાનાથી ભરી દેવાની છે. આમ માનવી ઝૂરે છે. સહચાર દ્વારા અદ્વૈતને ઝંખે છે. પણ આ અદ્વૈત તો એક આદર્શ છે, તેથી જ તો જે અપૂર્ણ રહી જાય છે તેની વેદના સદા રણઝણતી રહે છે. આ વેદના તે પૂર્ણતાને માટે ઝૂરવાની વેદના છે. એ પોતાને પૂરી રીતે પામવા માટે જ ઇતર માટે ઝૂરે છે અને એ ઇતર ઇતર મટીને પોતાનામાં ભળી જાય ત્યારે જ પૂર્ણતા સિદ્ધ થાય છે. પણ આપણે માનવી છીએ માટે જ એ શક્ય નથી. માટે જ ઝૂરવાની વેદના, માટે જ એકાન્તની, પ્રશાન્તિની આવી જતી ક્ષણોનું આટલું બધું મહત્ત્વ.

એકાન્તમાં આપણું આપણાપણું ઓગળી જવાની સ્થિતિએ પહોંચે છે, પણ પૂરું ઓગળી જતું નથી. જે રહી જાય છે તે છે ઇતરને માટેની આસક્તિનું બીજ. ફરી એ અંકુરિત થાય છે અને ફરી આપણે બીજા અન્તિમ તરફ દોટ મૂકીએ છીએ. માનવ-નિયતિની આ સ્થિતિને જ કેમ્યૂએ સિસિફસના શાપ જોડે સરખાવી છે. આ બે અન્તિમો વચ્ચે ફંગોળાયા કરતા માનવીની સ્થિતિ તે જ પાયાની અસંગતિ. આ બે અન્તિમોને અનેક નામે ઓળખાવીએ તેથી પરિસ્થિતિ બદલાતી નથી. આ બે અન્તિમો પૈકીના એકમાં આખરી આશ્રય લેવાનું શક્ય નથી. આથી જ માનવી નિરાશ્રય છે, અનિકેત છે. એ સંસ્થાઓ ઘડે છે, ‘સંસ્થા’ સંજ્ઞા સૂચવે છે તેમ એ માનવીનો સ્થિર થવાનો પ્રયત્ન છે. પણ સંસ્થાઓ માનવીના વ્યક્તિત્વને ભાંગે છે. માનવીનું કાઠું એમાં સમાય એ માપનું કરી શકાતું નથી. આ ઘડવાભાંગવાની પ્રવૃત્તિ જ ધીમે ધીમે વિષાદ ઉપજાવતી જાય છે, એમાંથી વિરતિ જન્મે છે. આ વિરતિને પરિણામે વિદ્રોહની ભૂમિકા તૈયાર થાય છે. જે વિદ્રોહની ભૂમિકા સુધી પહોંચવાની લાચારીને સ્વીકારવા તૈયાર નથી તે સ્વેચ્છાએ આત્મઘાત સ્વીકારી લે છે. પ્રેમમાત્રમાં આત્મસમર્પણને નામે, અભિન્નતાને નામે, અદ્વૈતને નામે આ આત્મઘાત અનિવાર્ય બની રહે છે.

આથી જ તો પૂરેપૂરો આત્મવિકાસ એટલે શૂન્ય. પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરો તો પૂર્ણ રહે, કારણ કે પૂર્ણ અવિકારી. શૂન્યને કશી ઉપાધિ નડે નહીં. એ સૌથી નિલિર્પ્ત, પણ આ સ્થિતિ આત્યન્તિક અવસ્થા છે. એ માનવીના ભાગ્યમાં નથી, છતાં માનવી શેનાથી પ્રેરાઈને એ તરફ દોટ મૂકે છે?

આ દોટ, આ પ્રગતિ, આ વિક્ષોભની સામે વિદ્રોહ પોકારીને નિશ્ચલતાની સ્થિતિને સ્વીકારવાનો આગ્રહ પણ અર્વાચીન સાહિત્યમાં દેખાય છે. ગર્ભને પોતાની આગવી ગતિ નથી. મરણમાં ગતિ નથી. આ બે સ્થિતિને પામવાની વૃત્તિ સૅમ્યુઅલ બૅકૅટની સાહિત્યસૃષ્ટિમાં દેખાય છે. ગતિને થંભાવી દઈને, ગતિના આત્માને પોતાનામાં સંભૃત કરીને રહીએ એવી આત્મસમાહિત અવસ્થા હવે ઇષ્ટ બની રહી છે.

આ સંસારની રોજ-બ-રોજની પ્રવૃત્તિનિવૃત્તિના ઘમસાણ વચ્ચે અટવાતા હોઈએ છીએ ત્યારે ક્યાંકથી એકાએક સુદૂર પ્રસારિત એકાન્તનો વિસ્તાર આવીને આપણને સ્પર્શી જાય છે. ગૌરીશંકરના શિખરને વીંટળાઈ વળતો પવન એની સમસ્ત નિર્જનતા સાથે આપણને સ્પર્શે છે. માનવીનું પગલું પણ પડ્યું નથી એવી કોઈ ગાઢ નિબિડ વનરાજિનો ઉચ્છ્વાસ આપણને આવીને સ્પર્શી જાય છે. ત્યારે આપણે અકારણ વિહ્વળ બની જઈએ છીએ. વિદ્રોહ, વિક્ષોભ અને વિશ્રાન્તિ કે વિલયની પરિભાષાના ચોકઠાની બહાર નીકળી જઈએ છીએ.

22-9-72