ઇતિ મે મતિ/ચિન્તનસભર નવલકથાઓ


ચિન્તનસભર નવલકથાઓ

સુરેશ જોષી

આન્દ્રે ઝીદની ‘કાઉન્ટરફીટર્સ’ નવલકથામાંનું એક પાત્ર નવલકથાના લેખકોને ચેતવણી આપતાં કહે છે, ‘નવલકથામાં બુદ્ધિશીલોનું નિરૂપણ કરવાનું હંમેશાં ખતરનાક નીવડે.’ આપણી કહેવાતી ચિન્તનસભર નવલકથાઓના નાયકોને જોતાં આ ચેતવણી સકારણ છે એવું લાગ્યા વિના રહેતું નથી. એ જ પાત્ર ઉમેરે છે, ‘એવા લોકો વાચકોને મરણતોલ કંટાળો આપે છે.’ એમાં ઊહાપોહ ચાલતો હોય એવો આભાસ કરવામાં આવે છે. એમાં સજીવતા હોતી નથી. બધું ધુમાડામાં બાચકા ભરવા જેવું લાગે છે. આમ છતાં ‘જીવનને સદા ગમ્ભીરતાથી’ જોવાનો આગ્રહ રાખનારા અને પ્રયોગશીલ સર્જકોને ઉછાંછળા કહીને ભાંડનારા ઠાવકા વિવેચકો આ ‘ચિન્તન’થી તૃપ્ત થઈ જઈને લાગણીવશ બનીને ઉદ્ગારો કાઢે છે.

એક પ્રશ્ન થાય છે : આપણા સમાજમાં બુદ્ધિશીલોનું વર્ચસ્ નથી એનું કારણ શું? રાજકારણવાળા એમને વેદિયા ગણે છે. એમને લોકસમ્પર્ક હોતો નથી. વિચારો કાંત્યા કરવા અને સક્રિય બનીને વર્તમાન સમસ્યાઓને ઉકેલવા આગળ આવવું નહિ એવો કહેવાતા બુદ્ધિશીલોનો આચાર હોય છે. એનો લોકસમ્પર્ક એ છાપામાં એકાદ કોલમ લખતો હોય છે એટલા પૂરતો જ હોય છે. ઘણી વાર એ સત્યને ભોગે તર્ક લડાવવાની રમતમાં રાચતો હોય છે. પણ જરૂર પડે ત્યારે આ રાજકારણવાળાઓ બુદ્ધિશીલોને પોતાના સમર્થન માટે વાપરે છે. બધા જ બુદ્ધિશીલો અપરિગ્રહી, અનાસક્ત હોતા નથી. એમને આ કે તે જોઈતું હોય છે. આથી રાજકારણવાળાના ખરીતા એઓ તૈયાર કરી આપે છે. જરૂર પડે ત્યારે દસ્તખત પણ કરે છે. પણ એથી આગળ વધીને જો એમના કારભારમાં બુદ્ધિશીલો દખલગીરી કરે તો એમને પડતા મૂકવામાં રાજકારણવાળાઓને સહેજેય સંકોચ થતો નથી. ફ્રાન્સમાં લશ્કરી અધિકારી ડ્રેયફસને ખોટી રીતે સંડોવીને ખટલો ચાલતો હતો ત્યારે એમિલ ઝોલા વગેરે બુદ્ધિશીલોએ નિવેદનો બહાર પાડીને વિરોધ કરેલો. ત્યારે બ્રુનેતિયરે કહેલું, ઝોલા પોતાનું સંભાળીને બેસી રહે તો બસ. એમનું નિવેદન મૂર્ખામી, અસંગતિ અને ધૃષ્ટતાના નમૂના જેવું છે. આવી લશ્કરી બાબતમાં આ નવલકથાકાર માથું મારે તે મને તો કોઈ લશ્કરી અધિકારી પદવિન્યાસ કે છન્દોરચનાની બાબતમાં માથું મારે તેના જેવું જ બેહૂદું લાગે છે.’ બ્રુનેતિયરના જેવું વલણ આપણે ત્યાં આજે ધરાવનારા ઘણા છે.

‘ઇન્ટેલેક્ચુઅલ’ શબ્દ જ ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં પ્રચારમાં આવ્યો. એમ કહેવાય છે કે ક્લેમેન્સોએ એનો પહેલી વાર, આજના અર્થમાં પ્રયોગ કર્યો. ફ્રાન્સના પ્રખ્યાત નવલકથાકારે પણ આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આપણે ત્યાં બુદ્ધિશીલોની ઝાઝી આબરૂ નથી. વિદ્યાપીઠોમાં જ્ઞાનના ક્ષેત્રમાં એઓ રાજકારણના દાવપેચ ઘુસાડે છે એવો એમના પર આરોપ છે. એઓ પવન જોઈને પીઠ ફેરવનારા કાયર છે. આન્તરિક પ્રતીતિનું સમર્થ ઉચ્ચારણ કરીને સમાજના એક વિધાયક બળ તરીકે કામ કરવાની એમની તૈયારી હોતી નથી. બુદ્ધિનિષ્ઠ અધ્યાપકને મોટો મોભો આપીને વહીવટી તન્ત્રનાં સૂત્રો સોંપ્યા કે તરત જ એ ચોકઠામાં બરાબર ગોઠવાઈ જવા માટે એ જરૂરી બધાં જ સમાધાનો કરી લેવાં તત્પર થઈ જાય છે. કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ ચાટુ ઉક્તિ ઉચ્ચારવામાં થતો આપણે જોયો છે. આથી જ શાસકો અને સમાજમાં વગ ધરાવનારો વર્ગ બુદ્ધિશીલોને પરાસ્ત કરવા બુદ્ધિશીલોનો જ ઉપયોગ કરે છે. બુદ્ધિશીલો વડે બુદ્ધિશીલોનો છેદ ઉરાડવાની પ્રક્રિયા સદા ચાલતી જ રહે છે.

જે બાબતમાં બુદ્ધિશીલોની પહોંચ નહીં હોય તેમાં એમણે માથું મારવું જોઈએ નહિ. એઓ રાજકારણના કે સમાજના ‘નાજુક પ્રશ્નો’ને સમજી શકતા નથી, કુનેહથી કામ પાર પાડવાનું જાણતા નથી. સત્યનું નામ લઈને હોબાળો મચાવી જાણે છે. અન્તરાત્મા તો જાણે એમને એકલાને જ મળ્યો હોય તેવો બાલિશ દાવો કરે છે. બીજાં ક્ષેત્રોમાં અનધિકાર પ્રવેશની ચેષ્ટા છોડી દઈને એઓ વિદ્યાપીઠના વર્ગોમાં, પુસ્તકાલયોમાં, પ્રયોગશાળાઓમાં પોતપોતાની રીતે વધુ વિકાસ સાધવામાં સક્રિય બને તો જ સમાજને લાભ થાય. આવી સુફિયાણી સલાહ વિદ્યાપીઠના કોઈ ને કોઈ બૌદ્ધિક કાર્યક્રમમાં ‘ઉદ્ઘાટન’ અને ‘આશીર્વચન’ આપવા આવેલા રાજકારણીઓને મુખે ઉચ્ચારાતી આપણે સાંભળી હોય છે.

બુદ્ધિશીલોને ગાળ દેવાને હંમેશાં જ્ઞાન અને ડહાપણ વચ્ચેના ભેદને ચીંધી બતાવવામાં આવે છે. કોઠાસૂઝ પ્રમાણે વર્તનારા પર સમાજ વધુ વિશ્વાસ મૂકતો હોય એવું લાગે છે. શુદ્ધ બુદ્ધિશીલતાને નીચી પાડવાના પ્રયત્નો સમાજમાં ચાલતા જ રહે છે. બૌદ્ધિક અભિગમનો પ્રભાવ ખૂબ જ મર્યાદિત હોય છે એમ કહેવામાં આવે છે. એના કરતાં દ્વિધાગ્રસ્ત નહિ એવી સંકલ્પશક્તિ અને આ પાર કે તે પારવાળી આંધળી સાહસિકતાનું વધુ ગૌરવ કરવામાં આવે છે. બુદ્ધિ તો આપણા સમૃદ્ધ સંકુલ વ્યક્તિત્વનો એક અંશ મનાઈ છે. બુદ્ધિ પરીક્ષણ કરે, સુધારે, જરૂર પડે ત્યાં નવી સ્થાપના કરે – આ બધું રૂઢિચુસ્તો અને પરમ્પરાવાદીઓને રુચે નહિ તે દેખીતું છે. આથી એઓ રાષ્ટ્રની અસ્મિતાનું નામ લઈને પૂર્વજો જે માર્ગ ચીંધી ગયા તેને અનુસરવાની હિમાયત કરે છે, તર્ક કરતાં સહજ કોઠાસૂઝને આથી જ એઓ મહત્ત્વ આપતા હોય છે. આપણી સાહજિક વૃત્તિઓ અને સૂઝ બુદ્ધિના વિકાસથી કુણ્ઠિત થાય છે એવું એઓ માને છે. વૃત્તિઓ અને આવેગોને વશ થઈને એઓ સંસ્કૃતિને પણ નિન્દે છે, અસભ્ય બર્બરતાને કૌવતને નામે આવકારે છે. સ્વસ્થતા તે જડતા એવું સમીકરણ માંડે છે. બુદ્ધિના ક્ષેત્રમાં પણ રોમાંચક સાહસોને અવકાશ હોય છે તે એમના માન્યામાં આવતું નથી. આથી વાક્યના પ્રમાણને એઓ સ્વીકારી લઈને નિશ્ચિત બની જાય છે.

સમાજમાં અને રાષ્ટ્રમાં વૃત્તિઓ અને આવેગોને વશ વર્તીને પ્રભાવ વિસ્તારનારા કેટલીક વાર આખી એક પેઢીને વિનાશના મુખમાં ધકેલી દે છે. તેના આપણે સાક્ષી બન્યા છીએ. કોઈ આતતાયી આવો અત્યાચાર ગુજારે ત્યારે એના ગુરુને શોધી કાઢીને એને આ માટે જવાબદાર ગણવામાં આવે છે. હિટલરનાં દુષ્કૃત્યો માટે નીત્શે અને હાઇડેગર પર દોષારોપણ કર્યાના દાખલા તો જાણીતા છે.

બુદ્ધિશીલો ઘમંડી, મિથ્યાભિમાની અને તોછડા હોય છે એવું પણ કહેવામાં આવે છે. પણ સોક્રેટિસને એના સમકાલીન અસહિષ્ણુ સમાજે ઝેર પાયું તે તો જાણીતું છે. બુદ્ધિશીલો પોતાનું જુદું જૂથ બનાવીને સમાજને ખતરનાક એવી પ્રવૃત્તિને પોષે છે એવું કહેવામાં આવે છે. બુદ્ધિશીલો કદી ટોળામાં રહેતા નથી. એઓ મૌલિક મતભેદને સ્વીકારવા જેટલા પ્રામાણિક, અને તેથી જ સહિષ્ણુ હોય છે. અસહિષ્ણુ તો હોય છે શાસકો. એઓ ગેલિલિયો પાસે અસત્ય ઉચ્ચારાવે છે. બુદ્ધિશીલોનું સાંસ્કૃતિક આભિજાત્ય પાશવી આચારને જોરે શાસન ચલાવનારાને ખૂંચે તે સમજાય તેવું છે. એમિલ ઝોલાએ અને બીજા અનેકે બતાવી આપ્યું છે કે બુદ્ધિશીલો હંમેશાં કાયર નથી હોતા. ઝોલા પર અદાલતમાં મુકદ્દમો ચાલતો હતો ત્યારે એણે ન્યાયપંચને ઉદ્દેશીને કહ્યું હતું, ‘હું તમારા કાયદાકાનૂન જાણતો નથી અને જાણવા પણ ઇચ્છતો નથી. કાયદાકાનૂન ઘડનારા મને અણઘડ લાગે છે. તમે કાયદાકાનૂન ઘડવાનું નીતિજ્ઞોને, સર્જકોને અને કવિઓને સોંપો એવું જ હું તો ઇચ્છું છું.’ બુદ્ધિશીલ હોવાનો ડોળ કરીને પાંચમી કતારિયાની જેમ બુદ્ધિશીલોના વર્ગમાં ઘૂસી જઈને એને અંદરથી તોડનારો એક નવો વર્ગ ઊભો થયો છે. એનાથી સાવધ રહેવાની ખાસ જરૂર છે.

18-7-80