ઇતિ મે મતિ/સહિષ્ણુતા


સહિષ્ણુતા

સુરેશ જોષી

આજના સન્દર્ભમાં સહિષ્ણુતા વિશે થોડું વધુ વિચારીએ. ઘણી વાર રાષ્ટ્રની સલામતી જોખમમાં છે, એવો ભય છે એવી રજૂઆત કરવામાં આવે છે. આપણી જે સમાજરચના છે તેને લક્ષમાં લેતાં આપણે સહિષ્ણુતાનું આચરણ યોગ્ય રીતે કરી શકીએ તેને માટે બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. સમાજમાં જે વલણો દૃઢ થઈ ચૂક્યાં હોય છે અને જેણે ઊંડી જડ નાખી છે તે માનવીને માટે અહિતકર હોય છે. તે છતાં એ પ્રત્યે કંઈક નિષ્ક્રિય પ્રકારની સહિષ્ણુતા કેળવવામાં આવે છે. સહિષ્ણુતાનો બીજો પ્રકાર તે સક્રિય સહિષ્ણુતાનો, જેને સરકારી મંજૂરી મળતી હોય છે. ડાબેરી તેમ જ જમણેરી પક્ષો એ એકસરખી આચરે છે. એમાં પક્ષ લેવામાં આવતા નથી. એ અર્થમાં માર્ક્યુઝ એને ‘શુદ્ધ’ સહિષ્ણુતા કહે છે. આ પ્રકારની સહિષ્ણુતા ભેદ પાડવાની જે નીતિ અમલમાં આવી ચૂકી છે તેનું સમર્થન કરે છે.

પણ સ્વતન્ત્રતાને ઉપકારક બનનાર અને એના ક્ષેત્રને વિસ્તારનારી સહિષ્ણુતા આવી નિષ્પક્ષ હોતી નથી. દમન કરીને જે બળો સ્થિતસ્ય સમર્થનમ્ કરવા ઇચ્છતાં હોય તે પ્રત્યે એમાં અસહિષ્ણુતા હોય છે. અહીં પ્રશ્ન માત્ર આ અસહિષ્ણુતાની માત્રા અને પ્રસારના પ્રમાણનો જ છે. ઈંગ્લેંડ અને અમેરિકા જેવા ઉદારમતવાદી સમાજમાં અભિવ્યક્તિની સ્વતન્ત્રતા સમાજના કટ્ટર દુશ્મનો ગણાતાં હોય તેમને પણ આપવામાં આવે છે. અલબત્ત, એમાં એક વસ્તુ પર ધ્યાન રાખવામાં આવે છે. એઓ જે બોલે તેનું કાર્યમાં રૂપાન્તર થવું ન જોઈએ.

સમાજમાં જે પ્રકારની વર્ગભેદની ભૂમિકા હોય છે તે અમુક પ્રકારની મર્યાદા લાદે છે. એ મર્યાદાની અંદર રહીને સામાન્ય સ્વરૂપની સહિષ્ણુતાનું આચરણ થતું રહે છે. પણ ઉદારમતવાદી સમાજમાં પણ સહિષ્ણુતાના આચરણ પરત્વે એક અપેક્ષા રહે છે. ‘આ સહિષ્ણુતા આચરનારાની બધી શક્તિઓ વિકસેલી હોવી જોઈએ અને એઓ કેળવાયેલી સમજવાળા હોવા જોઈએ.’ આથી જ જ્હોન સ્ટુઅર્ટ મિલ આ સન્દર્ભમાં બાળકો અને સગીરવયની વ્યક્તિઓનો ઉલ્લેખ કરતો નથી. એ કહે છે, ‘માનવસમાજ મુક્ત અને સમાન ભૂમિકા પર થતા ઊહાપોહથી પોતાની સ્થિતિ સુધારી શકે એવી કક્ષાએ પહોંચ્યો હોય તે પહેલાંની સ્થિતિમાં તો સ્વતન્ત્રતાનો, એક સિદ્ધાન્ત તરીકેના વિનિયોગનો કશો અર્થ રહેતો નથી.’ આ પહેલાંની સ્થિતિમાં માનવી હજી અસભ્ય રહ્યો હોય છે ત્યારે એવા જંગલી પર રાજ કરવાને માટે સરમુખત્યારશાહી જ વાજબી બની રહે. પણ એ સરમુખત્યારશાહીનો ઉદ્દેશ પણ એ અસભ્યોને સુધારવાનો જ હોવો જોઈએ અને એના વડે એ હેતુ સિદ્ધ થઈ શકવો જોઈએ. એમાં સ્વતન્ત્રતાના અને સત્ય વચ્ચેના આન્તરિક સમ્બન્ધની વાત ભુલાઈ ન જવી જોઈએ. એક રીતે કહીએ તો સ્વતન્ત્રતા એ સત્યને સિદ્ધ કરવાનું સાધન છે. અસ્તિત્વવાદીઓ માને છે તેવું સ્વતન્ત્રતાનું સ્થાન અહીં નથી. સ્વતન્ત્રતા શાને માટે? પણ સ્વતન્ત્રતા સત્યસિદ્ધિ માટે એમ કહીએ ત્યારે એનો અર્થ શો? અહીં સ્વતન્ત્રતા એટલે પોતાને માટેનો નિર્ણય કરવાની સ્વાયત્તતા એમ સમજવાનું છે. આત્મનિર્ણયની સ્વાયત્તતા એમ કહેવામાં પુનરુક્તિનો દોષ કેટલાકને દેખાશે. પણ એમાં આત્મનિર્ણય કરવાની, પોતાનાં જીવન વિશેનો નિર્ણય લઈ શકવાની શક્તિની અપેક્ષા રહે છે. શું કરવું અને શું ન કરવું, શું સાંખી લેવું અને શું ન સાંખી લેવું એનો વિવેક કરવાની શક્તિની એમાં અપેક્ષા રહે છે. પણ આ નિર્ણય એક વ્યક્તિનો અંગત નિર્ણય હોતો નથી. એ નિર્ણય તો એક વ્યક્તિ માનવસમાજની બીજી વ્યક્તિઓ સાથે રહીને કરે છે. એ પોતે સ્વતન્ત્રતા સિદ્ધ કરે તેની સાર્થકતા બીજા માનવોની સ્વતન્ત્રતા હોય તો જ હોય છે. મારી વ્યક્તિ તરીકેની સ્વતન્ત્રતા અને બીજી વ્યક્તિઓની સ્વતન્ત્રતા તે સ્પર્ધામાં ઊતરેલા હરીફો વચ્ચે કરવામાં આવતા સમાધાનના સ્વરૂપની નથી હોતી. અથવા કાનૂન અને સ્વતન્ત્રતા વચ્ચે કરવામાં આવતાં સમાધાન જેવી પણ નથી હોતી. વ્યક્તિનાં અને સમષ્ટિનાં હિતો વચ્ચે કરવામાં આવતાં સમાધાન જેવી પણ નથી હોતી. એવી સંવાદિતા સ્થાપવાનો આશય તો એવો સમાજ સર્જવાનો છે જેમાં આત્મનિર્ણયને કુણ્ઠિત કરે એવી સંસ્થાઓના દાસ બનીને માનવીને રહેવું ન પડે. અત્યારે અસ્તિત્વમાં છે તે સમાજોમાં હજી સ્વતન્ત્રતાનું નિર્માણ કરવાનું બાકી જ રહે છે. એ માટે જે દિશા લેવી જોઈએ, એ માટે ઉપકારક બની રહે એવાં જે સાંસ્કૃતિક અને સંસ્થાકીય પરિવર્તનો કરવાં ઘટે તે વિકસેલી સંસ્કૃતિઓવાળી પ્રજાઓમાં તો જાણી લઈ શકાય તેમ છે.

સિદ્ધાન્તની ભૂમિકા હોય અને કાર્યમાં પ્રવૃત્ત થઈએ ત્યારે આપણને સાચાખોટા ઉકેલ વચ્ચેનો ભેદ સમજવાની વિવેકબુદ્ધિ પ્રાપ્ત થતી જાય છે. પણ એમાં યાન્ત્રિક નિશ્ચિતતા હોતી નથી. અમુક જરૂરિયાતના સન્દર્ભમાં એ નિર્ણય થતો હોય એમ પણ બને. પણ આ નિર્ણય બુદ્ધિપૂર્વક વાજબી રીતે લેવામાં આવતો હોય છે એટલું નક્કી. આદર્શ સ્થિતિ તો કદી સિદ્ધ થઈ જ હોતી નથી, એવો સમાજ તો ભવિષ્યમાં જ રહ્યો હોય છે. આથી એની કશી નિશ્ચયાત્મક વ્યાખ્યા આપી શકાય નહીં. સાથે એ પણ સાચું છે કે અત્યારે જે પ્રવર્તમાન સ્થિતિ છે તેને તો આપણે ઉલ્લંઘી જ જવાની છે. પણ પ્રવર્તમાન સમાજ વિશેનો અનુભવ અને સમજને કારણે જ આપણે મુક્ત અને બુદ્ધિસંગત રીતે વર્તનાર સમાજને શું ઉપકારક કે અપકારક તેનો નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ કેળવતા રહીએ છીએ. એના નિર્માણમાં આડે આવતા અને એના નિર્માણની સમ્ભવિતતાને વિકૃત કરનારાં બળોને આપણે ઓળખી શકીએ છીએ. સ્વતન્ત્રતા એ ક્રમિક મુક્તિની સતત ચાલ્યા કરતી પ્રક્રિયા છે. વ્યવહાર વડે સિદ્ધાન્તમાં ફેરફાર થાય છે ને સિદ્ધાન્તથી વ્યવહાર નિયમિત થતો રહે છે. એમાં સાચું અને ખોટું, સારું અને ખરાબ ભળેલાં રહે છે.

આ પ્રક્રિયામાં આકસ્મિકતાને કારણે આવતી અનિશ્ચિતતા રહી હોવા છતાં એમાં નર્યું આત્મલક્ષી તરંગીપણું જ હોય છે એવું નથી. એમાં વિચારની અને અભિવ્યક્તિની સ્વતન્ત્રતા હોય એ એની પૂર્વશરત છે. એટલે કે એમાં સહિષ્ણુતા રહી હોવી જોઈએ. પણ આ સહિષ્ણુતા વિવેકપૂર્વક આચરવી જોઈએ. એ સહિષ્ણુતાને નામે જૂઠા શબ્દો અને ખોટાં આચરણોને આપણે સહી નહીં લઈએ. કારણ કે એ જ સ્વતન્ત્રતાની શક્યતાને નકારી કાઢતાં હોય છે. નિરુપદ્રવી ચર્ચાસભાઓમાં કદાચ આવી અવિવેકી સહિષ્ણુતા નભી જાય, વાતચીતમાંય નભી જાય. વિદ્વાનોના વિતણ્ડામાંય કદાચ ચલાવી લેવાય. પણ જ્યાં સ્વતન્ત્રતા અને સુખ જ જોખમાતાં હોય ત્યાં આવો અવિવેક સમાજને પરવડે નહીં. એવી પરિસ્થિતિમાં અમુક વસ્તુ નહિ જ કહેવાય, અમુક વિચારો નહિ જ પ્રકટ થઈ શકે, અમુક જાતની રીતિનીતિનું સમર્થન નહિ કરાય, સહિષ્ણુતાને દાસત્વનું સાધન બનાવો તો જ અમુક પ્રકારના વ્યવહારોને સહી લઈ શકાય.

ફ્રેન્ચ કવિ બોદલેરે ‘ડિસ્ટ્રક્ટિવ ટોલરન્સ’ (વિધ્વંસક સહિષ્ણુતા) એવી સંજ્ઞા વાપરી છે. એવી વિધ્વંસક સહિષ્ણુતા કે ‘કૃપણ તટસ્થતા’નાં ભયસ્થાનોની કળાના ક્ષેત્રમાં નોંધ લેવાઈ છે. કળાકૃતિ ખરીદનારાઓ કળા, અ-કળા, કળાવિરોધી, જુદી જુદી એકબીજાની વિરોધી શૈલીની કૃતિઓ – આ બધું જ વિવેક વગર ખરીદતા હોય છે. આ કારણે કળાનો જે ઉગ્ર પ્રભાવ પડવો જોઈએ તે પડતો નથી. સ્વીકૃત વાસ્તવિકતા સામે કળા જે વિદ્રોહ કરે છે તેની નોંધ લેવાતી નથી. કળા અને સાહિત્યનાં ક્ષેત્રમાં હરકોઈ સંજોગોમાં સેન્સરશીપને સાંસ્કૃતિક પીછેહઠ જ લેખવી જોઈએ. સાચી કળાકૃતિ કદી દમનનો હાથો બની રહે શકે નહિ અને કૃતક કળા તો કળા લેખાતી જ નથી. કળા દમનના દીર્ઘ ઇતિહાસનો સામનો કરીને ઊભા રહેવાનું ખમીર ધરાવે છે.

12-9-80