ઇદમ્ સર્વમ્/પરતન્ત્ર માણસ


પરતન્ત્ર માણસ

સુરેશ જોષી

અમુક તબક્કામાં અમુક શબ્દો ને પ્રયોગો રૂઢ થઈ જાય છે. આમ આપણે વિચારશીલ અને ચિન્તક હોવાનો દાવો કરીએ, પણ કેટલાનો એ દાવો ખરેખર સાચો હોય છે? અમુક ચલણી બનેલી સંજ્ઞાઓ ને શબ્દપ્રયોગોની આજુબાજુ આ કહેવાતું ‘ચંતિન’ ભમ્યા કરતું હોય છે. એક લેખકમિત્રે પ્રશ્નોત્તરી કાઢી હતી : એમાં એણે પૂછ્યું હતું : ‘તમે ‘એસ્ટાબ્લિશમેન્ટ’ને સ્વીકારો છો?’ ‘એસ્ટાબ્લિશમેન્ટ’, ‘કન્ફોમિર્ઝમ’ કે ‘નોનકન્ફોમિર્સ્ટ’, ‘ફન્કશનલમૅન’, ‘હ્યુમન કંડિશન’, ‘ઇરરેશનલમૅન’ – આ બધા શબ્દો આ તબક્કામાં ઘણા ચલણી બન્યા છે. પરિસ્થિતિ ઝાઝી બદલાઈ જતી નથી. એને ઓળખાવવાના આપણા પ્રયત્નો વધુ વ્યવસ્થિત અને ઝીણવટભર્યા થતા હોય છે.

હમણાં જ એક છાપાની કટારમાં વિવેચન લખતા કલમબાજે સર્જકોના પણ ‘ઘરાણા’ પાડ્યા હતા. એક હળવી રમત તરીકે આ બધું ચાલે. પણ એથી આપણી વિચારણાને કશો લાભ થાય ખરો? એક વર્ગ એવો છે જે ગમ્ભીર થવાની વાતને નરી હાસ્યાસ્પદ ગણાવીને ઉડાવી દે છે. વિચારના ક્ષેત્રમાં અરાજકતા ઊભી કરીને દૂર ઊભા રહી તમાશો જોવાનું પણ કેટલાકનું વલણ હોય છે. તો વળી કેટલાક જાણી કરીને વિદૂષક બનવાનું પસંદ કરતા હોય છે. એમને મતે આજની આપણી દુનિયાના કેન્દ્રસ્થાને વિદૂષક જ એક માત્ર સાચો નાગરિક છે. એનો મુખ્ય ગુણ છે કે એ હસી શકે છે ને એનામાં કટાક્ષ કરવાની શક્તિ છે. એના હાસ્યમાં ઊંડે ઊંડે ગંભીર આલોચનાત્મક વલણ રહ્યું હોય છે. પણ એ તરફ ધ્યાન ખેંચવાની સભાનતા એનામાં હોતી નથી, તે માટે જ કદાચ એ વધુ આસ્વાદ્ય બની રહે છે. પચાસ માણસ કોઈ સમારમ્ભમાં ભેગા થયા હોય તો એમાં વળી કોઈ નાનાં નાનાં જૂથ બંધાઈ જાય. માણસો જૂથ બાંધીને જીવે છે. આ જૂથને એનાં પોતાનાં કેટલાંક આગવાં હિત ને સ્વાર્થ હોય છે. એ બીજાના પર વગ ચલાવવા પણ ઇચ્છે છે. આવું વગ ધરાવનારું પોતાના સ્વાર્થ ને હિત પરત્વે સભાન ને ક્રિયાશીલ એવું જૂથ દરેક સમાજમાં દેખાય છે. એ જૂથમાં તમારે પ્રવેશ કરવો હોય તો એમાં વિધિનિષેધ તથા નીતિ-નિયમોને માન્ય રાખવાના રહે છે. એ જૂથ જે શ્રેષ્ઠ ગણે તે તમારે માટે પણ શ્રેષ્ઠ, કીતિર્ કે માન્યતા પણ એ જ આપે. આવા જૂથના પણ અનેક પ્રકાર હોઈ શકે, કેટલાંક જૂથો જૂથ બંધાયું છે એ વાતને બહુ સિફતથી ઢાંકવા મથે છે. દેખીતી રીતે જૂથ જેવું કશું જ નથી એવું લાગે ને છતાં એની વાડાબંધી તો નક્કર હકીકત જ હોય, તો કેટલાક જૂથ ઉઘાડેછોગે ને વધારે પડતી ઘોંઘાટભરી જાહેરાતથી કામ કરતાં હોય છે. એમાં આદિવાસી પ્રજાના જૂથના જેવી રીતરસમો જાણીકરીને અપનાવવામાં આવી હોય છે : એ એનું બાહ્યા અલંકરણ બની રહે છે. એમાં પણ જૂથ પ્રત્યેની નિષ્ઠા અને એના નીતિનિયમો પર ભાર મૂકવામાં આવે છે. આ જૂથમાં એક પ્રકારની નિખાલસતા હોય છે. એમાં દમ્ભીને સ્થાન નથી. એના રાગદ્વેષ જાહેર હોય છે. આ પારદર્શી નિખાલસતા એનો મોટો ગુણ છે. પણ કહેવાતા ભદ્ર વર્ગના સંસ્કારી સમાજનાં જૂથોમાં તો બહારથી ઉદાર-મતવાદી વલણ, લોકશાહી માટેનો આગ્રહ અને છતાં લોખંડી પુરુષોની શોધ ચાલુ. એ જૂથમાં એક સરમુખત્યાર તો જરૂર હોવાનો, પણ એ બહારથી સો ટકા અભિજાત સજ્જન દેખાય, મોઢા પર વિજય, આછું મરકતું સ્મિત, વાણી મધુર, આચાર અણિશુદ્ધ, વ્યક્તિત્વ સૌમ્ય પણ એ બધાં પાછળ પેલું વજ્રથી કઠોર એવું તત્ત્વ કામ કરતું હોય. વિચક્ષણની નજરે એ જરૂર ચઢે. જે ભયભીત છે, જેનામાં આત્મવિશ્વાસ નથી, જે સ્વતન્ત્રતાને મૂળભૂત અધિકાર લેખતો નથી તે જ મોટે ભાગે આવા જૂથમાં ભળતો હોય છે. જેને કશું ખાટી જવાનો લોભ નથી, જે પૂરતી માત્રામાં નિ:સ્પૃહ છે, જે બીજાએ આપેલી માન્યતા સ્વીકારવા પરત્વે ઉદાસીન છે અને જે પોતાની શક્તિ પર મુસ્તાક રહીને જીવે છે ને પોતાની મર્યાદાઓને ઓળખવા જેટલો પ્રામાણિક છે તેને આવા જૂથનું શરણું લેવાની જરૂર રહેતી નથી. કોઈ જૂથ એને પોતાનો ગણે કે ન ગણે તેની એને ઝાઝી પડી હોતી નથી. બહુ નિકટનો મિત્ર હોય અને છતાં એની વિચારસરણી જોડે એને પ્રામાણિક મતભેદ હોય. આ મતભેદથી મૈત્રીને કશું નુક્સાન થાય નહીં. જો આપણું ઊમિર્જીવન કેળવાયેલું હોય તો આ શક્ય બને. પણ ઉગ્ર આક્રમક પ્રતિભાવો પાડવાનું જાણી કરીને વલણ કેળવનારો પણ એક વર્ગ છે. સુધરેલી ઢબે જંગલી દેખાવાની ફેશન આ વર્ગ પ્રચારમાં લાવે છે. આપણો દેશ તો ભાવી ભક્તોથી ભરેલો છે. આવું એકાદ જૂથ થયું કે ભાવિકો ઊભરાવાના જ. રમૂજ પમાડે એવી વાત તો એ છે કે સ્થાપિત મૂલ્યોનો વિરોધ કરનારાં જૂથ જ પોતાની અધકચરી વિચારણાને જડપૂર્વગ્રહોના વર્ણસંકરી મિશ્રણમાંથી ઉપજાવેલાં મૂલ્યો વિશે દુરાગ્રહ સેવતા હોય છે ને એના પાલન માટે સરમુખત્યારશાહી, જોહુકમી પણ ચલાવતા હોય છે.

વેદના વખતમાં વ્રાત્યો હતા. કોઈકે ‘આઉટસાઇડર’નું ગુજરાતી શું કરવું એવું પૂછ્યું. મને આ વ્રાત્ય શબ્દ એને માટે યોગ્ય લાગ્યો. એ જમાનામાં ચુસ્ત કર્મકાણ્ડી સમાજની બહાર ચાલ્યા જઈને શુદ્ધ માનવ્યની સાચી કિંમત આંકનારા આ વ્રાત્યો ખરા ‘આઉટસાઇડર’ હતા. એમણે એ જમાનાના દેવોને નહોતા સ્વીકાર્યા કે કહેવાતા શિષ્ટસંમત આચારને પણ નહોતો સ્વીકાર્યો.

એક સ્વતન્ત્ર વ્યકિત તરીકે મારે જીવવું હોય તો આજે એવી પરિસ્થિતિ છે કે મારે ‘વ્રાત્ય’ બનવું જ પડે. સ્વતન્ત્ર વ્યકિતને તો કોઈ પણ જૂથનું ચોકઠું નાનું પડે. માણસ કશા ચોકઠામાં પુરાવા માટેનું લાચાર પ્રાણી નથી. સત્ય શું છે એ વિશેની શોધ કરવા માટે યુવાન નાગરિકોને છંછેડનારા સોક્રેટિસ ઝેર પીવાને તૈયાર હોય જ. પણ એવી કશી ધાકધમકી કે મૃત્યુદણ્ડથી પણ એની સ્વતન્ત્રતાની ખુમારી તમે ઝૂંટવી લઈ શકો નહિ. એ તો કારાગારમાં બેઠો બેઠો મરણની ઘડી ગણાતી હતી ત્યારે પણ, સંગીતનું વાજંત્રિ બજાવવાનું શીખતો હતો.

ગુલામોનો વેપાર કરનારા આજે આપણી વચ્ચે પણ છે. ગુલામોનાં અંગ ઢાંકવાનાં વસ્ત્રો વધુ ઊજળાં બન્યાં છે ને એમના હાથપગમાં પહેરાવેલી બેડી હવે ચોક્ખી દેખાતી નથી એટલું જ. પોતાનો દોર ચાલે એમ ઇચ્છનાર, એ પ્રમાણે કડક હાથે કામ લેવામાં માનનાર, માનવતાને નામે હૃદયને નબળું ન બનવા દેનાર દરેક ગુલામોનો મોટે ભાગે વેપાર કરતો હોય છે. એક વાર પોતાના કડકપણા વિશે ખ્યાતિ પ્રસરી, ઝૂંસરી ઉપાડી લેવા થોડી ગરદન ઝૂકી પછી સરમુખત્યારની ગાદી પર એ સ્થિર આસને બેસી જાય છે.

જો આવા લોકોનું જૂથ‘એસ્ટાબ્લિશમેન્ટ’ને નામે ઓળખાતું હોય તો સુરંગ ચાંપીને એને ઉડાડી મૂકવામાં મને રસ છે અને તે પણ કાવતરું કરીને નહીં, છડેચોક ધોળે દિવસે, મુશ્કેલી એ છે કે દશમાંના નવ ગુલામ હોય છે. કોઈના ને કોઈના પડછાયા હોય છે. એવાને મોઢે સાહિત્યની કે સંસ્કૃતિની વાત શોભતી નથી. છતાં એવા લોકો જ સાહિત્યના માનદણ્ડ ને ચાંદઇલ્કાબની લ્હાણી કરવાનાં. સરકારી ઇનામની વહેંચણી વિશે એક ‘ઇનામી’ નાટ્યકાર ફરિયાદ કરવા આવ્યા, મેં કહ્યું : ‘સાહિત્યકાર ફરિયાદ કરવા જેટલો મામૂલી કે લાચાર નથી, ચાલો અત્યારે ને અત્યારે સરકારને જણાવી દઈએ કે અમે સરકારી ઇનામો સ્વીકારવા માંગતા નથી કારણ કે એમાં સાહિત્યિક મૂલ્યની રાજસત્તાને હાથે વિડમ્બના થાય છે. લો કરો દસ્તખત. પણ ઇનામ માંગવા ટેવાયેલા હાથમાં એ દસ્તખત કરવાની તાકાત નહોતી!