ઇદમ્ સર્વમ્/મરણોત્તર જીવન


મરણોત્તર જીવન

સુરેશ જોષી

ઘણી વાર એમ લાગે છે કે હું મારું જ મરણોત્તર જીવન જીવી રહ્યો છું. આ મરણોત્તર જીવનની મુશ્કેલી એ છે કે એમાંથી પૂર્વજન્મની સ્મૃતિ ભુંસાઈ હોતી નથી એટલું જ નહીં પણ એની સાથેના તન્તુઓ પણ છેદાયા હોતા નથી. હમણાં એક જુવાન ભણેલાગણેલા મિત્રે મને કહ્યું કે એમની પત્નીને આગલો જન્મ સાંભરે છે. મનની અમુક અવસ્થામાં પૂર્વજન્મની બધી વિગતો સમાધિમાં હોય એવી રીતે બોલી જાય છે, એટલું જ નહીં જે દેશ એણે જોયો નથી તેની એ વાત કરે છે. કેનેડાના ક્વીબેકમાં પૂર્વજન્મ થયો હતો. ફ્રેન્ચ ભાષાનું એને જ્ઞાન નથી, છતાં એ ફ્રેન્ચ ભાષામાં વાત કરવા માંડે છે. જો આ સાચું હોય તો હું એને નિષ્ઠુર ભગવાનની ક્રૂર મશ્કરી જ લેખું. બે જન્મોની સેળભેળ કરીને કદી ભગવાન પણ જીવી શક્યા છે ખરા? એમણે પોતે નૃસિંહાવતાર અને બુદ્ધાવતાર ભેગા જીવવાનું સાહસ કર્યું છે ખરું? ભગવાન કરતાં એક બાબતમાં માણસ મોટો છે અને તે એની સહનશક્તિની બાબતમાં. મનુષ્યની માતા પૃથ્વી મનુષ્યનો ચરણસ્પર્શ સહે છે, તો મનુષ્ય પોતે એના મસ્તક પર અને હૃદય પર ભગવાનનો ભાર સહન કરે છે. ક્ષીરોદધિની શય્યા અને પગ તળાંસતા બેઠેલા લક્ષ્મીનું ચિત્ર ભગવાનના આરામ અને ઐશ્વર્યનું દ્યોતક છે. માનવી તો પશુની જેમ રેંકડી ને રિક્ષા ખેંચે છે. ડોળીમાં માણસનો ભાર ઉપાડીને પર્વત ચડે છે, અને માલવાહક પશુની જેમ વર્તે છે. ભગવાને આટલા બધા યુગમાં આટલા અવતાર લીધા, માનવીના તો કેટલીક વારમાં, થોડી ક્ષણમાં કેટલા અવતારો બદલાઈ જાય છે. અવકાશયાત્રીઓના પર ચન્દ્રનું વાતાવરણ કૃત્રિમ રીતે બનાવીને પ્રયોગો થાય છે, તેમ ભગવાન પણ કદાચ કોઈ જુલ્મી પરપીડકની અદાથી માનવી કેટલું સહન કરી શકે એના પ્રયોગો કરી રહ્યો છે.

આમ માનવીને એક જ વાર મરણ આવે છે એમ કહેવાય છે, પણ એ પહેલાં આપણી સૌથી નિકટ હોય એને પણ ખબર ન પડે એવાં કેટલાં મરણ આપણાં થઈ ચૂક્યાં હોય છે! એની જાહેરાત થઈ શકતી નથી. એ મરણ છતાં તરત એના એ જ ખોળિયામાં આપણા શબને સાચવી રાખીને આપણે જીવ્યે જવાનું છે. ઘણી વાર એવું લાગે છે કે હવે બીજી સવાર નહીં ઊગે, હવે ફરીથી શ્વાસ નહીં લઈ શકાય, ત્યાં વળી કોઈ આસુરી શક્તિ અદૃશ્ય કોરડો વીંઝીને આપણને બેઠા કરી દે છે, ફરી શ્વાસ એની નિયમિત રફતારથી આવજા કરવા લાગે છે. છતાં મરણની ઘેરી ઉદાસી મનમાંથી ખસતી નથી. એક અપાથિર્વ અન્ધકાર દુનિયાની ને આપણી વચ્ચે આવી જાય છે. આથી કેટલીક વાર આંખ દિશા ચૂકી જાય છે. હાથની પાંચે આંગળીઓ અનાથ બનીને કશુંક અણજાણપણે શોધ્યા કરે છે. કેટલાક અત્યારે બોલાતા શબ્દો જાણે પૂર્વજન્મમાં ક્યારેક બોલાયેલા શબ્દોના પડઘા જેવા લાગે છે. આથી જ તો ઘણી વાર શબ્દ અને શબ્દનો સમ્બન્ધ જોડી શકાતો નથી, એકાએક મૌનમાં સરી જઈએ છીએ અને સરી ગયા પછી જાણીએ છીએ કે એ મૌનનાં તો સાત નહીં ચૌદ પાતાળ છે. એમાં તળિયે બેસી ગયેલા શબ્દોને કોઈ કદી બહાર લાવી શકવાનું નથી.

આ અદૃશ્ય મરણનો ભાર ધીમે ધીમે વરતાવા લાગે છે. ગતિ ધીમી પડી જાય છે, મરણિયા બનીને બધું કરવું પડે છે. આપણા જ મરણનો શોક કરવા બેસવાની પણ ફુરસદ રહેતી નથી. બહારના વ્યવહારનું ખોખું એમ ને એમ અકબંધ ટકાવી રાખવું પડે છે. એકાદ જૂનો ફોટો જોઉં છું ત્યારે એમાંથી મરણની છબિ પણ ઊપસી આવે છે. જે લોકો સદા જીવતા રહી શકે છે તેની જ છબિ જોવાનું ગમે છે. આથી જ તો મારા ઘરમાં કે ક્યાંય હું મારી એક પણ છબિ રહેવા દેતો નથી. અત્યાર સુધીની બધી છબિ એક રીતે જાણે મારાં મરણોનો જ ઇતિહાસ છે. જુવાન વયે મારા એક કાકા મરી ગયા ત્યારે બીજે દિવસે દાદાએ ભીંત પરનો એમનો ફોટો ઊંધો વાળી દીધો. ફોટાની તો સગવડ છે કે એને દીવાલ પરથી ખસેડી લઈ શકાય, ઊંધો વાળી દઈ શકાય; પણ આપણું શું?

મરણોત્તર જીવન જીવવામાં સૌથી વધારે યાતના સહન કરવી પડે છે. આપણે પોતે જ પૂર્વજન્મમાં લખેલા ઉચ્ચારેલા શબ્દોની! આજે હવે પાંચ વર્ષ પહેલાં મેં જે લખ્યું હતું તે વાંચવાની હિંમત ચાલતી નથી. એ સૃષ્ટિ હવે રહી નથી. એ છતાં શબ્દો એના તરફ આંગળી ચીંધ્યા કરે છે. ક્ષણ જેટલા જ માપની લાગણી, સ્મૃતિ રાખીને જીવી શકાતું હોત તો? પણ એ તો કદી બની શકતું નથી. ને એ જ આપણી સૌથી મોટી લાચારી છે. મરણશીલ માનવીને માટે જ ભગવાને જાણે અમરતાનો વધારેમાં વધારે પ્રલાપ કરાવ્યો છે! ભગવાનને મન અમરતા શબ્દનું મૂલ્ય શું? કોઈના મુખ પર આનન્દભર્યા સ્મિતની સેવા અંકાતી જોઈએ અને એમ થાય કે આ સ્મિત કદી વિલાઈ ન જાય તો કેવું સારું! પણ એ જ આંખમાં આંસુ જોઈએ ત્યારે? સદા સ્નેહભરી વાણી ઉચ્ચારનાર જાકારો દે ત્યારે? એક ક્ષણમાં ભૂતકાળને ભૂસી નાખીને નવા વર્તમાનમાં અવતરવાની શક્તિ કોઈનામાં જોઉં છું ત્યારે મારું માથું ઝૂકી પડે છે. સ્મૃતિ એકલી હોય તોય એનો ત્રાસ ઓછો નથી હોતો, પણ એમાં કલ્પના ભળે ત્યારે તો પૂછવું શું?

સરકસમાં છાતી પર હાથીને ઊભો રાખવાનો અને છાતી પર દસ મણના પથ્થરો તોડવાના પ્રયોગ આપણે જોયા છે. આવા પ્રયોગ આપણે ક્ષણે ક્ષણે આ જીવનમાં કરવા પડે છે. જે શબ્દો ઉચ્ચારવાનો હવે અર્થ રહ્યો નથી, જે શબ્દો પૂર્વજન્મમાં થઈ ચૂક્યા છે તે બહાર ન નીકળે માટે આપણે છાતી પર હાથી જેટલું જ વજન મૂકવું પડે, નિકટનાને મુખે ઉચ્ચારાયેલી ‘ના’(કદીક તો વણઉચ્ચારાયેલી)ના દસ મણના પથ્થરને આપણી છાતી પર મૂકીને જિન્દગીભર તોડ્યા કરવો પડે! માનવી ચન્દ્ર પર ઊતરશે ત્યાંથી શું લાવશે? કોઈ બહારગામથી આવે તો ઘરનાં બાળકો ‘મારે માટે શું લાવ્યા’! એમ પૂછતાં એને ઘેરી વળે તેમ પૃથ્વીના લોકો ચન્દ્ર પર જઈ આવેલા માનવીને ઘેરી વળશે – યુરેનિયમ લાવશે? નવો રોગ લાવશે? મને તો લાગે છે કે ચન્દ્રના અમાનુષી વિસ્તારમાંના શૂન્યમાંથી માનવી કદી ન જાણેલો એવો વિષાદ લઈ આવશે. એ વિષાદનું શું કરીશું? સાચો ચન્દ્ર કવિના ચન્દ્રને ઝૂંટવી લઈ શકશે નહીં.

એક જ ઇચ્છા છે : જે વિષાદ માનવીને અવાક કરી નાખે તેને વાચા આપવી. સુખની વાત લખનારા બડભાગી છો રહ્યા. મને એમની અદેખાઈ આવતી નથી. આ વિષાદને જો મૌનની શિલા ભેદીને વહાવી નહીં દઈએ તો એ પ્રલય સરજી દેશે. એક વાર એ વિષાદ ઉલેચાઈ જશે પછી આનન્દનો સાગર ભલે ને રેલાઈ રહે. વાલ્મીકિનું મહાકાવ્ય વિષાદથી શરૂ થયું ને વિષાદમાં પૂરું થયું. ભવભૂતિએ કરુણને જ એક માત્ર રસ કહ્યો. સીતા પોતે કારુણ્ય મૂતિર્ બની રહી. સામૂહિક મૃત્યુ, વિધ્વંસ – આ બધાં તો હવે જાણે કોઠે પડી ગયાં છે. એ કાંઈ કરુણ રસની સામગ્રી નથી. એથી તો કેટલાક કહે છે કે આ જમાનામાં કરુણાન્તિકા સંભવે જ નહીં. માનવીનું કાઠું જ કરુણની માંડણી માટે નાનું પડે છે. એ તો જે કહેવું હોય તે કહો, માનવીના વિષાદની સચ્ચાઈને નકારવાની કોઈ હિંમત કરી શકશે?