ઇન્ટરવ્યૂઝ/જિજ્ઞાસાપથ

Revision as of 01:13, 4 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિજ્ઞાસાપથ
[આચાર્યશ્રી યશવંત શુકલની મુલાકાત]

પ્રશ્ન : (યશંવત ત્રિવેદી) : યશવંતભાઈ, આપ પાંત્રીસેક વર્ષથી શિક્ષણક્ષેત્રમાં છો. ઊંડી અધ્યયનશીલતા, કોઠાસૂઝ અને વિચારની પરિપક્વતા – આ બધું આપનામાં છે. વળી શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી શકો છો એવી વકતૃત્વકલા પણ આપની પાસે છે. એટલે સ્વાભાવિક રીતે જ આપ વર્ગમાં કવિતા કઈ રીતે ભણાવો છો એ જાણવાનું મન થાય.

અમેરિકન કવિ મૅક્લિશને ટાંકીને શ્રી સુરેશભાઈ જોષીએ ફરિયાદ કરી છે કે પદ્યની અતંત્ર અરાજકતાને કાયદા અને વ્યવસ્થામાં આણીને શિક્ષકે કવિતાના સૌન્દર્યને વણસાડે છે. શિક્ષકો-પ્રાધ્યાપકો કવિતાનાં વ્યાકરણ, ભાવ, સમજૂતી વગેરેની ધરપકડો કરે છે, અલંકારો – રૂપકાદિની ટીપકીઓ વીણે છે અને કૈશિકી પૃથક્કરણની કસરતો કરે છે અને કવિતાની બહારના ચુકાદાઓ આપે છે...વગેરે.

‘કાવ્યનો આસ્વાદ’ લેખને અંતે એમણે આશાવાદ પ્રગટ કર્યો છે : “રસાસ્વાદને નામે યદૃચ્છા વિહાર કરતાં કોણ અટકાવશે? કાવ્ય જ અટકાવશે, કારણ કે કાવ્ય એ અતંત્ર અરાજકતા નથી, એમાં તે એવી અરાજકતામાંથી આસ્વાદક્ષમ રૂપ ઉપજાવવામાં આવ્યું હોય છે. કાવ્યને જ કાવ્યવિવેચનનું નિયામક તત્વ બનવા દઈએ.”

ઉપરના વિધાનથી કવિતાને પામવાનું – અનુભવવાનું દિશાસૂચન મળતું હોવા છતાં શિક્ષક વર્ગમાં પગ મૂકતાંવેત જેમની સંમુખ ઊભો રહેવાનો છે તે વિશે અહીં વાત થઈ નથી. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’માં કાવ્યસર્જનાભિમુખી ભાવકને ‘હૃદયકવિ’ કહ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને આ પદ આપવાનું હોય છે. એટલે કવિતાનું શિક્ષણ એક મોટું આહ્વાન બની જાય છે. વળી જુદા જુદા દેશ-કાળે કવિતા આપણે શા માટે શીખવીએ છીએ તેના હેતુઓમાં પણ ભિન્નતા માલૂમ પડે છે.

આપ આ આખા પ્રશ્નને કઈ રીતે સમજો છો? ‘વર્ગમાં કવિતાના શિક્ષણ’ માટેનો આપનો આદર્શ શો છે?

ઉત્તર : (યશવંત શુકલ) : ભાઈ સુરેશ જોષીને ટાંકવામાં કશી સરતચૂક તો નથી થઈને? મેં એ બાબતમાં કશી તલાશ કરી નથી, પણ પદ્યની અરાજક અતંત્રતાને કાયદો અને વ્યવસ્થામાં આણવાની શિક્ષકો અને પ્રાધ્યાપકોની પ્રવૃત્તિ વિશે એ ફરિયાદ કરે અને તરત જ કાવ્ય એ અરાજક અતંત્રતા નથી એમ પણ કહે એ મને તર્કસંગત લાગતું નથી. પણ આપના પ્રશ્નનો ઉત્તર શોધવા માટે ભાઈ સુરેશ જોષીની ફરિયાદ પ્રસ્તુત પણ નથી. જે પ્રસ્તુત છે તે, શી રીતે શિક્ષકે વિદ્યાર્થીને કાવ્યનો આસ્વાદક અર્થાત્ ભાવક બનાવવો અથવા રાજશેખરે કલ્પેલો ‘હૃદયકવિ’ બનાવવો એ છે.

પ્રત્યેક શિક્ષકની મુશ્કેલી એ છે કે એને કોઈ ને કોઈ નિશ્ચિત ચોકઠામાં સમયબદ્ધ રીતે કામ કરવાનું છે. વર્ગની અપેક્ષાઓ, અભ્યાસક્રમની અપેક્ષાઓ, પરીક્ષાલક્ષી તંત્રની અપેક્ષાઓ, સંસ્થાની અપેક્ષાઓ, વ્યક્તિગત વિદ્યાર્થીની રુચિશક્તિની મર્યાદાઓ અને પોતે જે શૈક્ષણિક પ્રક્રિયાઓનું ફરજંદ હોય તેની પણ મર્યાદાઓ – એ બધા સાથે પ્રસંગ પાડવાનું એને માટે અનિવાર્ય છે. એના બધા વિદ્યાર્થીઓ ‘હૃદયકવિ’ થવાના અધિકારી હોતા નથી. તેમ શિક્ષકની પોતાની કાવ્યની સમજ પણ જેવી બની આવી હોય તેવી ખરી. જ્યાં સુધી રચનાસંદર્ભ બદલાય નહીં ત્યાં સુધી એની મર્યાદાઓ ભેદવાના ઉત્સાહ પાસેથી જ કામ લેવું પડે. શિક્ષકનો પોતાનો કાવ્ય અનુભવવાનો અને અનુભવવાનો ઉત્સાહ એ જ વર્ગના સંદર્ભમાં વિદ્યાર્થી ભાવક સુધી કાવ્યને પહોંચાડવાનું માધ્યમ છે. જે પોતે વીંધાયો નથી તે બીજાને શી રીતે વીંધવાનો હતો? સ્વ. રામનારાયણ પાઠકે મને સંભળાવેલી એક વાત યાદ આવે છે. વિવેચક, કવિ અને પ્રાધ્યાપક તરીકેનો એમનો અધિકાર તો કેવો મોટો ગણાય? ગૂજરાત વિદ્યાપીઠમાં પૂર્વસ્નાતક કક્ષાએ તેઓ કાન્તનું ‘વસંતવિજય’ કાવ્ય શીખવી રહ્યા હતા. ખંડકાવ્ય આમ તો ખાસ્સું મોટું છે. એક તાસમાં એ શીખવાય પણ કેવી રીતે? પાઠકસાહેબે કાવ્યનું ભાવવાહી પઠન કર્યું. કાવ્યપઠન પૂરું થયું ત્યાં તાસ પણ પૂરો થયો. પણ કાવ્ય ‘શીખવાની’ પ્રણાલીગત અપેક્ષા વિદ્યાર્થીઓ કેવી રીતે ચૂકે? એક જણે ઊભા થઈને સવાલ કર્યો : “પણ આમાં તમે શીખવ્યું શું?” પાઠકસાહેબે કહ્યું “બસ આ વાંચી સંભળાવ્યું એ જ.”

મારી શિક્ષક તરીકેની કારકિર્દીના આરંભમાં મને આ કિસ્સો સાંભળવા મળ્યો હતો એટલે મારા વિદ્યાર્થીઓ અને હું જ્યારે જ્યારે કાવ્યશિક્ષણ નિમિત્તે એકઠા થયા હોઈએ ત્યારે ત્યારે એક કરતાં વધારે વાર ભાવવાહી કાવ્યપઠનવાળી ‘પદ્ધતિ’નો હું આશ્રય લઉં છું. અધિકારી ભાવક પણ કાવ્યનું આસ્વાદન પરિશીલન દ્વારા જ કરતો હોય છે. વળી સાચું કાવ્ય પ્રથમ વાચને પોતાની બધી ખૂબીઓ પ્રગટ કરવા જેટલું સસ્તું ભાગ્યે જ હોય છે.

જેમ સંસારમાં મોટા ભાગના માણસો કાવ્ય વિના કાચું ખાતા નથી તેવું જ વર્ગનું પણ સમજવું. કાવ્યપદાર્થને શોધવાની ગરજ તો કેટલા ઓછાને હોય? જેમ અનેક દુન્યવી નિમિત્તોનો પારમાર્થિક ભૂમિકા સાથે કુનેહપૂર્વક યોગ કરવાનો હોય છે તેમ વર્ગકાર્ય નિમિત્તે કાવ્યાનંદનો અનુભવ કરાવતાં કરાવતાં થોડાક એવા સાચા કાવ્યરસિક વિદ્યાર્થીઓ તારવી લેવાના હોય જેમને શબ્દના સૌંદર્યની છાલક વાગે. પછી એમની સાથે શીખવનાર-શીખનારનો સંબંધ રહેતો નથી. કૃતિનો સહાસ્વાદ એ જ પછી તો પદ્ધતિ બની રહે. આમાંથી જ કવિઓ અને હૃદય-કવિઓ તૈયાર થતા હોય છે.

કૃતિનું આસ્વાદન અને પરિશીલન કર્યા પછી પૃથક્કરણ અને સંયોજન-વ્યાપાર બાધક નીવડતો નથી. કૃતિ દ્વારા કવિના અનુભવ સુધી જવું અને કાવ્યની રૂપનિર્મિતિ સધાતાં સુધીની પ્રક્રિયાઓની ભાળ કાઢવી, કવિની મથામણો અને નિષ્ફળતાઓનું આકલન કરવું, એની રૂપસિદ્ધિ પર વારી જવું – આ બધી પ્રવૃત્તિ ઓછી આનંદદાયક હોતી નથી. પણ અધિકારી ભાવકો વચ્ચે દરજ્જાભેદ ભૂલીને ચાલનારી આ પ્રવૃત્તિ છે. એનો સંદર્ભ વર્ગને હોય કે કોઈ રેસ્ટોરાંનો કે કોઈ ટ્રેનનો કે કોઈ નદીકાંઠાનો કે કોઈ દીવાનખાનાનો હોય એ અકસ્માત છે. સહસંવેદન એ જ મુખ્ય વાત છે.

વર્ગમાં કવિતાના શિક્ષણ માટેનો મારો આદર્શ વર્ગની ચાર દીવાલો ખસી જાય અને સહસંવેદનની ભૂમિકાએ શિક્ષક અને વિદ્યાર્થીનો ભેદ વિગલિત થઈને સમરસિયાઓનો એ સૌન્દર્યોત્સવ બની રહે એ છે.

પ્રશ્ન : લોકશાહી દેશોમાં સર્જાતાં સાહિત્ય વિશેની આપની માન્યતા શી છે?

અમુક દેશોમાં અમુક વિચારપદ્ધતિઓને વરેલા સર્જકોના પ્રતિબદ્ધ સાહિત્ય વિશે આપ શું વિચારો છો? – અંતે આપ કલાસર્જનનો કયો આદર્શ સ્વીકારો છો?

ઉત્તર : તમારા પ્રશ્નમાં ત્રણ પ્રશ્નો અંતર્ગત છે. તેમાંનો છેલ્લો પહેલો લઉં છું.

કલાસર્જનનો મારો આદર્શ કલાકારને ખપ લાગે કે ન પણ લાગે તેમ છતાં આદર્શ તો કલા સર્જવી તે જ હોઈ શકે. એટલે વળી પાછો કલાની વ્યાખ્યાનો પ્રશ્ન ઊભો થશે. સાહિત્યની વાત કરીએ તો નાદ, લય અને અર્થ દ્વારા ચિરસ્થાયી આનંદનું નિર્માણ કરવું એ સાહિત્યનું પ્રયોજન છે. અનુભવે એમ સમજાઈ રહ્યું છે કે સ્વાનુભવ અભિવ્યક્તિમાં પરિણમે છે. એ પ્રક્રિયામાં પોતાની મૂલ્યસૃષ્ટિનો અને સંસારની સમજનો અનાયાસે સંચાર થાય છે. આ કંઈ હંમેશા સભાન પ્રવૃત્તિ હોતી નથી. એટલે કાવ્ય દ્વારા, શબ્દ દ્વારા, કવિના સંસાર વિશેના પ્રતિભાવોનો – તેનાં મૂલ્યોનો પણ હૃદ્ય પરિચય થાય છે. આમ કલાસર્જનનો આદર્શ કવિની વ્યક્તિમત્તા, એની મૂલ્યસૃષ્ટિ, એના સામાજિક પ્રતિભાવો, એની અંતઃપ્રતીતિઓ અને એનો સ્વાનુભવ આનંદપર્યવસાયી શબ્દદેહ પામે તે જ હોઈ શકે. બીજી રીતે કહીએ તો કવિના હૃદ્ગત સત્યની આહ્લાદક શાબ્દિક અભિવ્યક્તિ તે કાવ્યસર્જનનો આદર્શ છે.

તમારા બાકીના બે સવાલોના જવાબ આમાં આવી જાય છે. તેમ છતાં જે કંઈ રહી જાય છે તે સમજાવવા કોશિશ કરું છું.

લોકશાહીમાં વૈચારિક અભિવ્યક્તિ માટેની મોકળાશ છે, પણ ધીમે ધીમે ઉત્ક્રાંત થતા છતાં અપૂર્ણ એવા માનવસમાજમાં લોકશાહી કહીએ એટલે બધું સમ્યક્ અને સમીચીન થઈ જતું નથી. ભૂતકાળનો વારસો, બદ્ધમતો, રૂઢાચારો, વિધિનિષેધો, પરંપરાપ્રાપ્ત સંસ્કાર અને વૈયક્તિક લાક્ષણિકતાઓ – એ સર્વમાંથી પ્રગટી રહેલી આદેશાત્મક અનિવાર્યતાઓ અને રુકાવટો માણસમાત્રને વળગેલાં છે. લોકશાહી એ કાયદાનું પરિમિત રાજ્ય છે. લોકશાહી એક જીવનરીતિ પણ છે. પણ તેથી એમાં રૂઢાચારોની કે બદ્ધમતોની ભીંસ નથી હોતી એમ માની લેવાનું કારણ નથી. લોકશાહીમાં પણ ક્યારેક ટોળાશાહીનો જુલમ પ્રગટી શકે છે તેમ જ એમાં સત્તાધિકારોનું જે પ્રગટ કે પ્રચ્છન્ન માળખું હોય છે તેના આંતરિક દબાવો પણ હોઈ શકે છે. સર્વસ્વતંત્ર સ્થિતિ એ એક આદર્શ છે. તેમ છતાં વૈચારિક અભિવ્યક્તિને કાનૂની પ્રક્રિયાઓ અને વ્યવહારો દ્વારા લોકશાહી જે અભયદાન આપે છે તેનું મૂલ્ય મારે મન ઘણું મોટું છે. એથી ઇંગ્લૅન્ડ, અમેરિકા, ફ્રાન્સ, નૉર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ભારત આદિ દેશોમાં જે સાહિત્ય સર્જાય છે, તેમાં મુક્તતાનો સ્પંદ અનુભવાય છે. શૉ, યીટ્સ, એલિયેટ, સાર્ત્ર, આંદ્રી જીદ, કામ્યૂ, ઈબસન, સ્ટ્રિન્ડબર્ગ, બૉદલેર, હેમિંગ્વે, સૉલ બેલો, ગ્રેહામ ગ્રીન, રૉબર્ટ ફ્રૉસ્ટ, ટાગોર, શરતચંદ્ર આદિનાં સર્જનોમાં મુક્તતાનો ઉચ્છ્વાસ છે. જ્યાં શાસનતંત્ર સર્જકોને પિછાનતું કે પીડતું નથી ત્યાં જુલમગારીના કાદવમાંથી પણ મુક્તતાનું કમળ ફૂટી નીકળે છે. તૉલ્સ્તૉય અને ચેહોવનાં સર્જનો આનાં ઉદાહરણો છે.

તમે અમુક દેશોમાં અમુક વિચારપદ્ધતિઓને વરેલા સર્જકોના પ્રતિબદ્ધ સાહિત્ય વિશેનો મારો શો પ્રતિભાવ છે એમ પૂછ્યું છે, પણ દેશ કે સર્જકનું નામ પાડ્યું નથી, તેથી મૂંઝાઉં છું. પ્રતિબદ્ધતા સાહિત્યકારે મનથી સ્વીકારેલી હોય અને દેશના રાજશાસને તે સ્વીકારાવી હોય એ બેમાં લાખ ગાડાંનો ફેર છે. એલિયેટ અને ઈલ્યા એહરનબર્ગ વચ્ચે ચાલેલા જાહેર વિવાદનું અહીં સ્મરણ થાય છે. પણ એક બાજુ રશિયાનો આખો લેખકસંઘ અને બીજી બાજુ બોરિસ પાસ્તરનાક અને એલેકઝાન્ડર સોલ્ઝેનિત્સીનનો ખ્યાલ કરો અથવા રશિયન નવ્ય કવિઓમાંના યેવતુશેન્કોનો ખ્યાલ કરો. આ ગણાવ્યા તે બધાને પોતપોતાની પ્રતિબદ્ધતાઓ છે. એ બધા જ સમાજવાદને વરેલા છે. પણ સમગ્ર રશિયન લેખકસંઘ કરતાં પાસ્તરનાક અને સોલ્ઝેનિત્સીન મને વધારે ચડિયાતા લાગે છે કેમ કે તેઓ પોતાના હૃદ્ગત સત્યને વફાદાર છે.

પ્રશ્ન : દરેક યુગ અને વાદને પોતાની આગવી વિશિષ્ટતાઓ તો હોય જ. વળી દરેક યુગે અગાઉના યુગો પાસેથી કશુંક ને કશુંક વારસામાં મેળવ્યું પણ હોય. તે છતાં દરેક યુગને તેની સબળ અલગ આઇડેન્ટિટી પણ હોય જ. છેક નર્મદથી શરૂ થતા આપણા અર્વાચીન સાહિત્યના દરેક યુગ પર દૃષ્ટિપાત કરતાં આપને કયા યુગનું સાહિત્યસર્જન તુલનાત્મક રીતે વધુ બળવાન લાગે છે?

ઉત્તર : મને 1885થી 1945 સુધીનું સાહિત્ય તુલનાત્મક રીતે વધુ બળવાન લાગે છે. આપ જોઈ શકશો કે ગોવર્ધનયુગ અને ગાંધીયુગ તેમાં સમાઈ જાય છે. સર્જકતાની દૃષ્ટિએ એ અલ્પપ્રાણ નથી અને એમાં ભાવનાઓનો સ્થિર પ્રકાશ જેવા મળે છે. આપણું સ્વાતંત્ર્યોત્તર સાહિત્ય અનેક નવા અભિગમો દર્શાવે છે. એણે નોંધપાત્ર પ્રયોગો કર્યા છે અને માનવચેતનાની ઊંડાઈ માપવાના એના પુરુષાર્થી પ્રયોગો અનેક શક્યતાઓથી ભરેલા મને જણાયા છે. તેમ છતાં એને પંથ લાધ્યો છે એમ હું કહી શકતો નથી. એટલે મેં જવાબ તુલનાત્મક રીતે આપ્યો છે એની ઉપર ફરી ભાર મૂકું છું. 1885થી 1945 સુધીમાં રચાયેલા સાહિત્યની મોટામાં મોટી કચાશ અભિવ્યક્તિ કરતાં વક્તવ્યને એ પ્રાધાન્ય આપે છે, તે છે. તેમ છતાં આકાર કે વક્તવ્ય કશાને વિશે તે દ્વિધાથી પીડાતું નથી.

પ્રશ્ન : અઢારમી સદી પહેલાં ઈશ્વર આકાશ કે પથ્થર જેટલો નિશ્ચિત હતો. છેક ઓગણીસમી સદીના રોમેન્ટિક યુગ સુધી ઈશ્વર આધ્યાત્મિક શક્તિનું અધિષ્ઠાન રહ્યો હતો; પણ નિત્સેએ ઈશ્વરના મૃત્યુની જાહેરાત કરી દીધી! બેકેટે ‘વેઇટિંગ ફોર ગોદો’ વગેરેમાં તેને Ex-absentionમાં જોયો. પરિણામે ઈશ્વરની ઇચ્છા મુજબ જીવક્રમ ગોઠવવાના દૈવી આદેશનું અને નિયતિવાદનું આશ્વાસન વીસમી સદીમાં રહ્યું નહીં. ઈશ્વર નથી તો મનુષ્યની જવાબદારી ઊલટી વધે છે એમ સાર્ત્રે કહ્યું અને એટલે સ્વાભાવિક રીતે વીસમી સદીનું સાહિત્ય તત્ત્વતઃ એકાકીપણાનું અને હતાશાનું સાહિત્ય છે. આપણી ગુજરાતી નવલકથાનો નાયક મહદ્અંશે બીમાર છે અને કવિતામાં ઈશ્વર પર વારંવાર પ્રહારો થયા છે.

ઈશ્વરના Concept વિષે આપ શું વિચારો છો? આપ ઈશ્વરમાં માનો છો?

ઉત્તર : પ્રશ્નના આરંભે તમે જે પશ્ચાદ્ભૂ આલેખી છે તેમાં કેન્દ્રસ્થાને યુરોપીય પરિસ્થિતિ રહી છે, એમ સમજું છું. આપણે ત્યાં તો વીસમી સદીના પહેલા ચરણ સુધી નિત્સેનો અવાજ સંભળાયો નથી. સંભળાયો હોય તો યે એ આત્મસાત્ થયો કે સાહિત્યમાં પડઘાયો નથી. પણ હવે દુનિયા નાની થઈ ગઈ છે. મોડેવહેલે બધું એકાકાર થઈ જાય છે. એ દૃષ્ટિએ તમારો પ્રશ્ન પ્રસ્તુત છે. આપણે ત્યાં ઈશ્વરને 1954 પછી મારી નાખવામાં આવ્યો. નવી અભિવ્યક્તિને પણ પોતાની રૂઢિઓ, સંપ્રદાયો અને ફૅશનો આવરી લઈ શકતી હોય છે. આના એક દાયકા અગાઉ, 1945 પછી, ઈશ્વર બીમાર જાહેર થયો હતો; પણ એ વાત જવા દઈએ. એકાકીપણું આપણે ત્યાં પરદેશથી આયાત થયું છે અને તમે જે નાયકોની વાત કરી તે 1960 પછી લખાયેલી નવકથાઓના નાયકો છે. પણ મેં ઉપર કહ્યું તેમ દુનિયા નાની થઈ છે એટલે કોણ ક્યાં જન્મ્યું અને શું આયાત થયું ત્યાં આગળ વાત વિરમવી જોઈતી નથી. ભારત કંઈ દુનિયાની બહાર નથી અને વેદનશીલતા સ્વાનુભવથી સીમિત પણ હોવી ઘટતી નથી. મનુષ્યને આજે જે મુખ્ય ભય સતાવે છે તે સર્વનાશનો કે સામૂહિક આત્મહત્યાનો છે. યંત્રવિજ્ઞાને આ અસહાય પરિસ્થિતનું નિર્માણ કર્યું છે. તેમ છતાં માણસ જ્યાં સુધી ઉપાયો શોધે છે ત્યાં સુધી એણે છેલ્લો શબ્દ ઉચ્ચાર્યો છે તેમ કહી શકાય નહીં. એકાકીપણું અને હતાશા પરિસ્થિતિજન્ય છે. મનુષ્યનું ચિરસ્થાયી લક્ષણ બીજા માનવીઓ પ્રત્યેનો પ્રેમ અને ભાવિ વિશેની આશા છે. આ ચિરસ્થાયી લક્ષણ જ ઉપાયોની શોધ કરી રહ્યું છે.

ઈશ્વરનું અસ્તિત્વ મારા અસ્તિત્વથી પૃથક્ નથી. જો હું મને ગમતો હોઉં તો ઈશ્વરને હું માનું છું કે નહીં એ પ્રશ્ન અપ્રસ્તુત બને છે, કારણ કે ઈશ્વર એ માણસની કલ્પનાની સરજત છે. તેમ છતાં મનુષ્ય પોતાના અસ્તિત્વની પાર જે સનાતન સર્જક તત્વ શોધે છે યા અનુભવે છે તે જ પેલા પ્રેમના અને આશાના ચિરસ્થાયી લક્ષણનું જનક છે. ઈશ્વરને લઈ લો પછી કોઈ પણ પુરુષાર્થનું અધિષ્ઠાન રહેતું નથી. ભલે ઈશ્વર માનવકલ્પનાનું ફરજંદ હોય તોપણ મનુષ્યે પ્રેમથી એ કલ્પનાને જીરવી છે, શ્રદ્ધાથી એને જોગવી છે અને પુરુષાર્થથી એને અલંકૃત કરી છે. એ વાત સાચી છે કે વિજ્ઞાને ઈશ્વરની કલ્પનાને નવાં પરિમાણો બક્ષ્યાં છે; પરંતુ જે અનંત સત્તા વિશ્વમાં વ્યાપ્ત છે તે જ મનુષ્યનું ચરમ લક્ષ્ય છે. મનુષ્યના હાડમાં એ પડેલું છે. મનુષ્યની ચેતના પણ તેનું જ આવિષ્કરણ છે. એટલે બિન્દુની કૃતાર્થતા સિંધુનું આત્મૌપમ્ય અનુભવવામાં છે તેમ છતાં ઈશ્વરના અસ્તિત્વના સ્વીકાર કે અસ્વીકારથી ઈશ્વરને પોતાને કોઈ લાભહાનિ નથી.

પ્રશ્ન : સાહિત્યવિવેચન વિશે અવારનવાર ફરિયાદો થતી રહે છે. વિવેચન એ સાદીસીધી પ્રતિભાવવૃત્તિ કે માત્ર ભાવનપ્રવૃત્તિ નથી; પણ તે વૈજ્ઞાનિક ઢબે ચાલવા મથતી બહુલક્ષી અને સંકુલ શિસ્ત છે. કલાગત સૌંદર્યને સિદ્ધ કરવાનું કામ વિવેચનનું હોવું જોઈએ તેને બદલે કેટલીક વાર આપણું વિવેચન મિત્રો-અમિત્રોની ટાળીઓમાં સપડાયું છે તો કેટલીક વાર કળાગત સૌંદર્યને પામવાને બદલે સાહિત્યેતર પ્રવૃત્તિઓમાં તે રાચ્યું છે એમ આપને નથી લાગતું? વળી આપણા વિવેચનમાં સંજ્ઞાઓ – પરિભાષાને લીધે ગૂંચવાડા છે તેના કરતાં ‘રસકીયતા’ને કોઈ સર્વસામાન્ય ધોરણે મૂલવી શકવાની મુશ્કેલીને લીધે ગૂંચવાડા થયા છે કે થાય છે એમ પણ આપને નથી લાગતું? પ્રત્યાયન, અર્થઘટન, કળાનો અનુભવ, વિવેચન અને સૌંદર્યશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર સાથેના સંબંધો વગેરેની તપાસ આપણે ત્યાં હજી પૂરી થઈ નથી તેમ પણ આપને નથી લાગતું?

સમગ્ર રીતે આજ લગીના વિવેચન અંગે આપનો શો પ્રતિભાવ છે?

ઉત્તર : તમારો પ્રશ્ન વાંચીને તમે જાણે મારી ‘હા’ પડાવી લેવા માગતા હો તેમ લાગ્યું, એટલે કે સામ્પ્રત વિવેચન વિશેના તમારા અંગત પ્રતિભાવોનું અનુમોદન તમે શોધતા હો એવું લાગ્યું. પણ માત્ર ‘હા’ કે ‘ના’માં જવાબ આપવો શક્ય નથી. વિવેચન સર્જન સાપેક્ષ છે. સર્જન વિના વિવેચન સંભવતું નથી, જેમ ભાષા વિના વ્યાકરણ. તેમ છતાં વિવેચનનો વિકાસ થયા પછી સર્જન સમક્ષ નવાં નવાં આહ્વાનો ધરતી એ એક સ્વતંત્ર પ્રવૃત્તિ બની ગઈ છે અને એનાં આવિષ્કરણો પણ ભાતભાતનાં છે. એટલે જ વિવેચનના પણ પ્રકારભેદો પડેલા છે. પણ આપણા બુદ્ધિપ્રવણ વૈજ્ઞાનિક યુગમાં વિવેચન અનિવાર્ય બન્યું છે, કેમ કે સર્જક પોતાની કૃતિનો પ્રથમ ભાવક છે. એક જ ચિત્તંત્રમાં સર્જકની સમન્વિત અને વિવેચકની વિશ્લેષણાત્મક શક્તિઓ વસે છે. સર્જકમાં વસતો વિવેચક જો એક અનિવાર્ય ઘટનાવિશેષ હોય તો વિવેચનની સ્વતંત્ર પ્રતિષ્ટા કરવી અનિવાર્ય બને છે. વિવેચન એ સૌંદર્યલક્ષી પ્રવૃત્તિ છે. જો સર્જક સંસારમાં સૌંદર્ય શોધે છે તો વિવેચક સંસારની મદદથી કૃતિમાં તેને શોધે છે. શી રીતે એ સૌંદર્ય સિદ્ધ થયું એની પ્રક્રિયામાં પણ એને રસ છે, પણ આખરે એ માનવીય પ્રવૃત્તિ હોવાથી વિવેચન છેક તો બિનંગત રહી શકતું નથી. વિવેચક વ્યક્તિના અંગત સંબંધો, સંસ્કારો, પૂર્વગ્રહો, રાગદ્વેષો, રુચિતંત્રની વિચિત્રતાઓ જેવાં આત્મલક્ષી તત્ત્વો વિવેચનપ્રવૃત્તિમાં ડોકાયા વિના રહી શકતાં નથી એ વિવેચનની મર્યાદા હશે; પણ તેથી સર્જનને ગેરલાભ નથી. તમારા પ્રશ્નોનો નિર્દેશ કર્યા વિના મેં જે સામટો ઉત્તર આપ્યો છે તેમાંથી પ્રત્યેક પેટાપ્રશ્ન વિશેનો મારો પ્રતિભાવ સમજાઈ રહેશે એવી આશા છે.

પ્રશ્ન : 1956 પછીની કવિતાને આપણે નવી કવિતા તરીકે ઓળખીએ છીએ, સ્વાતંત્ર્યોત્તર કવિતાના આધુનિક સ્તબકના કવિઓની – રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાંત, હસમુખ પાઠક અને નલિન રાવળની – ભાષા-ટેકનિક જેમ ગાંધીયુગના કવિઓથી અમુક અંશે જુદી પડે છે તેમ 1956 પછીની ગુજરાતી કવિતા વળી નવું પરિમાણ પ્રગટ કરે છે અને ભાષા-સંવિધાનમાં – દર્શનમાં આધુનિક સ્તબકના કવિઓથી પણ જુદા પ્રકારની સંવેદના પ્રગટ કરે છે. વિક્ષિપ્તતા, યુદ્ધોની કારમી ભીંસ, સંહાર માટેની રોગિષ્ઠ ઘેલછા, શીર્ણ-વિશીર્ણતા, તુચ્છતા, નૈઘૃણ્ય, આત્મપીડન, પરપીડનની વૃત્તિઓના અનેક સંકુલ અનુભવો નવી કવિતામાં પ્રગટ થાય છે. માણસ બેવકૂફ છે, ઉપહસનીય છે, તુચ્છ જંતુ જેવો છે અને તે ઈશ્વર વગરનો એકાકી થઈ ગયો છે – તેની અસહાયતાની અનુભૂતિની મુદ્રાઓ, વાક્છટાની વિવિધ તરાહો, બદલાયેલા સંદર્ભલયો, અવનવા નિરૂપણક્રમો, ઇન્દ્રિયવ્યત્યયો, આત્મસંપ્રત્યયો, અકૌતુકરાગી વલણો વગેરે આ કવિતાને અગાઉની કવિતાથી અક્ષાંશોમાં અને રેખાંશોમાં છૂટી પાડે છે.

નવી કવિતાનાં લક્ષણો બાંધ્યા પછી હું મારા પ્રતિભાવ પ્રગટ કરું છું :

1. એકલતા, નૈરાશ્ય – વૈફલ્ય, હતાશા, રોગિષ્ઠપણું, ખાલીપણું વગેરે આ નવી કવિતામાં એટલાં બધાં ગવાયાં-ચવાયાં છે કે એકધારાપણા, દેખાદેખી અને સિનિસિઝમના ફટાટોપે તેના પ્રત્યે સૂગ પણ જન્માવી છે. રેઢિયાળ અને અતિમાત્રામાં કલ્પનાનો ઉપયોગ, અવારનવાર આવતા ઇન્દ્રિયવ્યત્યયો, રૂઢ થઈ ગયેલા મૅનરિઝમ્સ, ચપટી પ્રતીકયોજના, ઉપમારૂપકો વગેરે અલંકરણોનો ગળાબૂડ પથારો, આત્મસંજ્ઞાની – અસ્તિની પ્રકાશપૂર્ણ ખોજને બદલે અહંઅહમિકાની ક્ષુદ્ર પરિસમાપ્તિ, બૌદ્ધિકતા અને તાર્કિકતાને પ્રાજ્ઞતા ગણાવવાની રમત, વર્ણસામ્યો, સાદૃશ્યો અને પુનરાવર્તનોની સપાટીની રમતો, લોકબાનીના ઓઠા હેઠળ કરેલા કૃતક લય-કટકાઓ, કલ્પના (ઇમેજિનેશન) અને તરંગ(ફૅન્સી)ની સરહદો ભૂંસીને ઊભી કરેલી સંકરતા, વિશેષણોને ભદ્દો ઉપયોગ – ટૂંકમાં, આ બે દાયકાએ જ ભેટ ધરેલી કલીશેઝથી ભાવક હવે કંટાળવા માંડ્યો છે.

2. ને છતાં કવિ–સર્જકોએ સમકાલીન યુગચેતનાને પ્રગટ કરવા મથામણ કરી છે અને અસ્તિત્વનાં અનેકવિધ સત્યોને પ્રયોગશીલતાથી ઊંડાઈ, પહોળાઈ અને ઊંચાઈનાં સર્વ પરિમાણોમાં અભિવ્યકત કરવા પુરુષાર્થ કર્યો છે. ખરેખર તો એમ કહેવું જોઈએ કે આ સર્જકોએ કાવ્યમય રીતે માનવ-અસ્તિની અર્થપૂર્ણતાને સમજવા પુરુષાર્થ કર્યો છે. અસ્તિત્વ વિશેની અંતઃસૂઝનું સ્વરૂપ કવિઓ જેમ જેમ પ્રગટ કરતા ગયા તેમ તેમ તેમને સ્વાભાવિક રીતે જ ભાષાની સન્મુખ ઊભા રહેવાનું થતું ગયું. ખરા અર્થમાં તો ભાષાનું પ્રકટીકરણ તે અસ્તિત્વના પ્રકટીકરણનો પર્યાય જ હોય છે. અને જ્યારે અસ્તિત્વનું પ્રકટીકરણ થાય ત્યારે અનેક પરિમાણોમાં સત્ત્વ પ્રગટ થાય છે, કારણ કે અસ્તિત્વ ચોતરફ મૂળ નાખીને વિસ્તરેલું જ હોય છે. અને આ વિસ્તરેલી અસ્તિની સાથે અવકાશ અને સમયની પરિભાષા આપણા કવિએ વાપરી છે. અનેકવિધ અને સંકુલ લાગણીઓની અને સત્યોની અભિવ્યક્તિ આ કવિસર્જકે કરી છે અને મૃત્યુ સુધીના અનુભવોની પ્રતીતિ કરાવી છે. ટૂંકમાં, નવી કવિતાએ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈમાં અગાઉના કોઈ પણ એક યુગ કરતાં વધારે સઘન કામ કર્યું છે; અને અનુભવના વધુમાં વધુ વિશાળ વિસ્તારોની ભાળ કાઢી છે.

યશવંતભાઈ, મારા આ બે પ્રતિભાવો સાથે (કે વચ્ચે) આપ કઈ રીતે React થાઓ છો? નવી કવિતા વિશે આપનો શો પ્રતિભાવ છે?

ઉત્તર : તમારા પ્રશ્ન જેટલો લાંબો મારો ઉત્તર ન બની શકે તો ચલાવી લેશો ને? કેમ કે મારે કહેવા જેટલું બધું તમારા પ્રશ્ને કહી દીધું છે. 1956 પછીની કવિતા માટે તમે જે બે પ્રતિભાવ નોંધ્યા છે તે પ્રથમ નજરે પરસ્પર વિરોધી લાગે તેવા છે તેમ છતાં પહેલા પ્રતિભાવને અકવિઓની કૃતકતા સામેનો પ્રતિભાવ ગણીએ અને બીજાને સંવેદનાની સાચકલાઈ વ્યક્ત કરતા કવિઓ વિશેનો પ્રતિભાવ ગણીએ તો દેખીતા વિરોધનો પરિહાર શક્ય છે. અકવિઓની કૃતકતા ચર્ચા કે ચિંતાનો વિષય બનવો ઘટે? સ્વ. બ. ક. ઠાકોર જેમને ‘કવિડાં’ કહેતા તેમની મોટી જમાત યુગે યુગે પરખાવાની. એમની આળપંપાળો સિદ્ધાંતોના નિર્ણયમાં ખપ ન આવી શકે. જે કૃતક છે તેને કવિતા જ ન કહીએ તો? હું માનું છું કે ઘણી બધી આપત્તિ ટળી જાય. એક ભાવક તરીકે મને ગરજ કાવ્યની છે. એ કાવ્ય અતીતમાંથી ઊતરી આવ્યું હોય કે વર્તમાનને અતિક્રમીને અનાગતને સાદ દેતું હોય, તેનો મને શા માટે વાંધો હોય? કાવ્ય સિદ્ધ થાય એટલે એ સનાતનતાની થાપણ બની રહે છે. એ તો સ્વાભાવિક છે કે યુગસંદર્ભ બદલાય, અનુભૂતિનું સ્વરૂપ બદલાય તેમ તેમ સર્જનેચ્છા નવા શબ્દો અને નવાં સંયોજનો, નવી ટેકનિકો અને નવાં પરિમાણે ઉપજાવતી રહે.

છેલ્લા બે દસકાની નવી કવિતા શબ્દને લગભગ ‘ઇન્કૅન્ટેશન’ની કોટિએ પહોંચાડવાનો પુરુષાર્થ કરતી જણાઈ છે, જેમ આગલા દાયકની કવિતા યુગભાવોને મૂર્ત કરવા જતાં પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રગટ કરે છે તેમ. તેમ છતાં કવિની મથામણોમાંથી તમે જે લંબાઈ, પહોળાઈ, ગહરાઈ વગેરેની વાત કરી છે, તેની અપેક્ષાને સંતોષે એવી કવિતા જૂજ છે. એ અપેક્ષા સંતોષનારા કવિઓ પણ ઓછા છે. એટલે પરિણામ કરતાં પ્રક્રિયામાં વધારે રસ પડે છે. અત્યારે કવિતા પોતાને શોધી રહી છે અને મને શ્રદ્ધા છે કે શબ્દની સાથે કવિ જે પ્રસંગ પાડે છે તેથી અને અસ્તિત્વના પ્રશ્નોને પ્રામાણિક રીતે ટીકીને જોવાના સાહસથી અંદરનું સત્ત્વ પોતાનો માર્ગ કોરી રહેશે.

પ્રશ્ન : ‘વિષયવસ્તુ’, ‘વિચાર’ કે કેટલીક વાર ‘અર્થ’ એ કન્ટેન્ટના પર્યાય હોય છે. કવિતાનો અર્થ તો કન્ટેન્ટનો પર્યાય હોય છે. જોકે કવિતાનો અર્થ તો કન્ટેન્ટનો ૧/૩ અંશ છે, તેના બીજા બે ઘટકો ભાષા અને અવાજ હોય છે. એટલે વિગતે કહેવું હોય તો સીમેન્ટિક કન્ટેન્ટ, ફૉનિક કન્ટેન્ટ અને રિધમિક કન્ટેન્ટ એવા ત્રણ પ્રભેદો પાડી શકાય.

કલાકૃતિમાં (માનો કવિતામાં) કન્ટેન્ટ અને ફૉર્મ બન્ને એકબીજાની ફેરબદલીમાં પણ મૂકી શકાય એમ હોય છે. દા.ત. પોએમ = કન્ટેન્ટ = ફૉર્મ. કારણ કે ફૉર્મ અંતે તો અવાજ અને લયની સહોપસ્થિતિ કે તેનો વિશેષ હોય છે. ‘અર્થ’, ‘અવાજ’ અને ‘લય’ પર જ કન્ટેન્ટ અને ફૉર્મની વાત થઈ શકે.

આપણે ત્યાં છેલ્લા દોઢ દાયકામાં ફૉર્મ અને કન્ટેન્ટ વિશે ઠીક ઠીક ચર્ચા થઈ છે; પણ ક્યારેક વૈજ્ઞાનિક રીતે આપણે ફૉર્મ અને કન્ટેન્ટ વિશે સમજ્યા નથી અને આડફાંટે વળ્યા છીએ એવું નથી બન્યું? ફૉર્મ અને કન્ટેન્ટ વિશે આપ શું વિચારો છો?

ઉત્તર : ફૉર્મ અને કન્ટેન્ટ ઓગળીને એવાં એકરસ બન્યાં હોય કે જેથી આ તો ‘ફૉર્મ’ કે આ તો ‘કન્ટેન્ટ’ એમ છૂટું પાડીને બતાવી શકાય જ નહીં, એ કલાની રાસાયણિક પ્રવૃત્તિનો વિશેષ છે. તેમ છતાં બુદ્ધિ પૃથક્કરણમાં રાચતી હોવાથી પદાર્થને સમજવા માટે એ પદાર્થનું વિશ્લેષણ કરે છે. આ વિશ્લેષણનું સ્વતંત્ર મૂલ્ય છે એ હું અગાઉના એક ઉત્તરમાં કહી ગયો છું. આપણે ત્યાં થોડા વખત ઉપર આકાર ઉપર ભાર દેવાયો. હવે આકારવાદીઓ સંરચનાવાદનું કૌતુક અનુભવે છે. સંરચનાવાદમાં કન્ટેન્ટ ઉપેક્ષ્ય નથી તેમ કન્ટેન્ટ એ કૃતિસર્વસ્વ પણ નથી. ખરેખર તો કન્ટેન્ટની પોતાની વ્યાખ્યા કરવી ઘટે છે. કન્ટેન્ટ પોતે જ ફૉર્મ બની રહે તેને હું કલાની સંસિદ્ધિ ગણું છું.

પ્રશ્ન : આવું અટપટું પ્રકરણ અંતસ્તત્ત્વ, ટેકનિક વગેરે વિશે પણ છે. ટેકનિક વિશે આપે જ અગાઉ લખ્યું છે તે અવતારું છું :

“માર્ક શોરર કહે છે તેમ માનો કે પોતાના સર્જનનો એક આલેખ લેખકના મનમાં છે; પણ પછી, ટેકનિક નિર્ણાયક બને છે. એ ‘કન્ટેન્ટ’ અને ‘અચીવ્ડ કન્ટેન્ટ’ના ભેદ પાડે છે. આલેખ્ય અનુભવ અને આલિખિત અનુભવ એ બેની વચ્ચેની પ્રક્રિયા એ ટેકનિક. આ ટેકનિક નવી વસ્તુનું નિર્માણ કરે છે.”

આલેખ્ય અનુભવ અને આલિખિત અનુભવ એ બેની વચ્ચેની પ્રક્રિયાને આપે ટેકનિક કહી છે. શોરરનો મત સ્વીકાર્ય. પણ ઇયોનેસ્કો, સાર્ત્ર વગેરે ‘વિષય’ને ઘણું મહત્ત્વ આપે છે એ રીતે આ પ્રશ્નની ફરી તપાસ કરવી જેઈએ. ઇયોનેસ્કો તો એમ માને છે કે લેખકને પોતે શું કહેવાનું છે તેમાં રસ હોવો જોઈએ. પછી, તેની અભિવ્યક્તિ કરવામાં પોતાને જે સાધનો ઉપયોગી થઈ શકે તેમ હોય તેમાં પણ સૌથી પહેલાં ટેકનિકમાં જ રસ ન હોવો જોઈએ. એટલે કે ટેકનિકને ખાતર ટેકનિક નહીં. પણ ‘શું કહેવાનું છે’ તેની સિદ્ધિ માટે ટેકનિકનો ઉપયોગ એવો તેનો અર્થ થાય. વળી માર્ક શોરરે જ કહ્યું છે કે Technique is valuable only in so far as it produces with the most satisfying content, works with thickness and reasonance.

પણ યશવંતભાઈ, કલાકૃતિ જે ક્ષણે સિદ્ધ થાય તે જ ક્ષણે Contentને તેમ જ ટેકનિક, જીવનદર્શન વગેરેનો અશ્વમેઘ પણ એક સાથે જ પૂરો થાય છે, એવું આપને નથી લાગતું? ‘શું કહેવાનું છે’ તેના કરતાં ‘શું કહેવાયું છે’ કે ‘શું કહેવાઈ રહ્યું છે’ની સાથે જ ટેનિકની પ્રક્રિયા વધુ સંબંધિત નથી? વળી જીવન તો ‘જે’ અને ‘જે રીતે’ (એટલે કે ‘વૉટનેસ’ અને ‘હાઉનેસ’ બંનેમાં) પ્રગટ થઈ રહ્યું હોય; એમ જ કલાકૃતિનું, તેનાથી ટેકનિક જુદી કઈ રીતે સંભવે?

આપ ટેકનિકને વિશે સમગ્રતયા શું વિચારો છો?

ઉત્તર : હું તમારી સાથે અસંમત નથી. સર્જનપ્રક્રિયા સમજવાને માટે ટેકનિકને અલગ પાડીને વિચારવાનો બુદ્ધિવ્યાપાર ચાલે એમાં કશું ખોટું નથી; પણ કલાકૃતિ અખંડ અને અવિભાજ્ય હોય છે. ટેકનિક તેમાં ઓતપ્રોત છે. તમે ઉપર માર્ક શોરર અને આયનેસ્કૉનાં જે વિધાનો ટાંક્યાં છે તેમાં – એ બંનેનાં વિધાનોમાં – કોઈ તાત્ત્વિક ભેદ મને દેખાયો નથી. શબ્દફેરે બન્નેએ એક જ વાત કરી છે. આમ વક્તવ્ય અને ટેકનિક બંનેનું રાસાયણિક એકત્વ સધાય ત્યારે જ કલાકૃતિનું નિર્માણ થાય છે. જેઓ ટેકનિકને પ્રાધાન્ય આપે છે તેમનું પણ કશુંક ને કશુંક વક્તવ્ય તો હોય જ છે. પછી તો એ ભાર મૂકી બતાવવાનો પ્રશ્ન બને છે. ‘ટેકનિકને ખાતર ટેકનિક’માં હું માનતો નથી. તેમ છતાં ઉત્ક્રાંતિમાં આટલે આવ્યા પછી ટેકનિકના પણ અખતરા થતા રહે એ સ્વભાવિક છે; પણ જેમની પાસે કશું કહેવા જેવું જ ન હોય અથવા તો ટેકનિકની ખીંટી ઉપર જેઓ વક્તવ્યને ટિંગાડવા જેવું કરતા હોય અને એને જ કલાસર્જનની ઇતિશ્રી ગણતા હોય તેમને તો શું કહીએ? સામે ટેકનિકની ઉપેક્ષા પણ પાલવે નહીં. ખરેખર તો અભિવ્યકત થવા મથતી અનુભૂતિનો અંદરથી આવતો ધક્કો પોતાને અનુકૂળ ટેકનિક લઈને જ આવે છે. કહો કે સિસૃક્ષા સ્વયં ટેકનિકની નિર્ણાયક બને છે.

પ્રશ્ન : બ્લૅકમુરે એક વાર વિષાદમાં કહેલું :

Who knows, maybe the next age will not express itself in words... at all, for the next age may not be literate in any sense we understand or the last three thousand years understood : વળી એવા જ ગાઢ વિષાદની ક્ષણે Pervigilium Veneri'sના કવિએ લખ્યું હતું :

To perish by silence that civilization on which Apollo looks no more shall not long endure.

યશવંતભાઈ, યુદ્ધને આરે ઊભેલી માનવજાત પાસે કદાચ ભવિષ્યમાં ભાષા ન રહે...માનો કે ચોમેર પ્રલય પ્રલય થઈ રહ્યો છે...જમીન માત્ર સમથળ પાણીમાં ડૂબી રહી છે... ત્યારે બાઈબલના કોઈ જેઓવા એના જહાજમાં આપને લેવા આવ્યા હોય તો આપ વિદાય લેતા લેતા છેલ્લે શું બોલો?

ઉત્તર : હું ઈશાવાસ્ય ઉપનિષદને पूर्णमदः पूर्णमिदम् એ શ્લોક બોલું – જો બોલવાના હોશકોશ રહ્યા હોય તો. પણ તમે બે વાતને ભેગી કરી નાખી હોય એમ મને સમજાયું છે. એક છે મનુષ્યની અહંતા, મમતા, સ્વાર્થખોરી અને સત્તાખોરી જે યંત્રવિજ્ઞાનને સાધન બનાવીને આત્મનાશ વહોરવાની પેરવીમાં છે એની અને બીજી તે અભિવ્યક્તિની ચિરપરિચિત ભાષાકીય સંજ્ઞાઓ વિલોપન પામે તેવા યંત્રવૈજ્ઞાનિક વિકાસના સંભવની. વિશ્વનો નાશ ન થવાનો હોય તો યે સાધનોનું અને સંજ્ઞાઓનું રૂપાંતર શક્ય છે. પણ હું એવો કોઈ સમય કલ્પતો નથી, જેમાં માણસની અભિવ્યક્ત થવાની ગરજ શમી ગઈ હોય; કારણ કે માણસને માણસની ગરજ છે જ, ચાહવા માટે, ઝઘડવા માટે અને એકમેકની હૂંફથી અજ્ઞાતને આંબવા માટે. જે માધ્યમથી એ પ્રેમ કરે કે કલહ કરે કે જિજ્ઞાસાનું ફલક વિસ્તારે તેને જ આપણે ‘ભાષા’ એવી સંજ્ઞા લગાડીએ તો કેમ?