ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/ઇન્સાન મિટા દૂંગા-(કૃતિ)

Revision as of 12:50, 14 August 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો|ઇન્સાન મિટા દૂંગા-(કૃતિ)}} {{P...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો

ઇન્સાન મિટા દૂંગા-(કૃતિ)

(1) સડસડાટ કરતી એક ટ્રેન મણિનગર તરફ ધસી રહી હતી. વીતતા ચોમાસાનાં વાદળાંઓ આકાશમાં અધ્ધર ચડતાં જણાતાં હતાં. મુસાફરો બન્ને બાજુનાં હરિયાળાં ખેતરો જુએ ન જુએ, ત્યાં તો ટ્રેન પસાર થઈ જતી હતી. દૂરદૂરનાં ઝાડવાંઓ જાણે પોતાની તરફ દોડી આવતાં હોય એવો આભાસ થતો હતો. પ્રભાતના ભૂખરા પ્રકાશમાં આકાશનો છેલ્લો તારો ઝાંખો પડતો જતો હતો. ત્રીજા ડબ્બામાં ગરદી ઓછી હતી. બારણાં પાસે જ ખાખી પોશાકમાં સજ્જ થયેલા બે બડકમદારો બેઠા હતા, એટલે ભીરુ ઉતારુઓ એ ડબ્બાનું બારણું ઉઘાડવાની હિંમત નહોતા કરતા. એ બે પોલીસોની વચ્ચે એક કદાવર, ઘઉંવર્ણો, મોટા મોઢાવાળો માણસ બેઠો હતો. એના એક હાથે જે દોરડું બાંધ્યું હતું. તેનો એક છેડો જમણી તરફ બેઠેલા સિપાહીના હાથમાં હતો. એની મોટી આંખોમાં નહોતો ભય કે નહોતું આશ્ચર્ય! જાણે બીજા ઉતારુઓની માફક એ પણ સહેલગાહ કરતો હોય એવી સ્વસ્થતાથી એ બેઠો હતો. એના માથા ઉપરના પાટિયા ઉપર એક તરફ બે ભરેલી બંદૂકો પડી હતી અને સિપાહીઓના બિસ્ત્રાચંબુઓને બીજી તરફ ખડકવામાં આવ્યા હતા. એક બિસ્ત્રાનું ઓશીકું કરી એક ભૈયો સિપાહી લાંબો થઈને સૂતો હતો. સામેના બાંકડા ઉપર એક આધેડ વયનો, સામાન્ય ઘાટીનો શામળો પુરુષ બેઠો હતો. એની મૂછો અને માથાના વાળ ધોળા થવા શરૂ થયા હતા. કપાળ ઉપર અને આંખના બહારના ખૂણા પાસે કરચલીઓ પડી ગઈ હતી. એનું નાક પોપટિયું અને પાતળું હતું. એની પડખે એક વીશ-બાવીશ વર્ષનો જુવાન બેઠો હતો. એની મોટી આંખો નીચે ઢળેલી રહેતી, એની ખેડૂતશાઈ પાઘડી નીચે કાળાં લીસાં જુલફાં લટકતાં હતાં. બારીમાંથી પવન આવતો અને જુલફાં કપાળ ઉપર અને કાનની આસપાસ કંઈ ને કંઈ રમતો રમી લેતાં. એનો રંગ સહેજ ઊજળો અને નાક આબાદ પેલા આધેડ પુરુષ જેવું હતું. મોઢાના મળતાવડાપણાથી બન્ને બાપ-દીકરા છે એમ લાગ્યા વિના ન રહેતું. જુવાનના હોઠ કાંઈક શરમક્ષોભમાં અને કાંઈક ઘવાયેલા ગુમાનમાં બિડાઈ રહ્યા હતા. બન્નેના હાથ દોરડાથી બાંધવામાં આવ્યા હતા; અને દોરડાના છેડાઓ બન્ને બાજુ બેઠેલા બીજા બે પોલીસોના હાથમાં હતા. એક સિપાહી બીડી પીતો હતો અને બીજો ઝોકાં ખાતો હતો. અંતના આડા બાંક ઉપર એક વણિક ગૃહસ્થ બેઠા હતા. એમનું પીળું મોઢું તેઓ વેપારી હતા એમ સૂચવતું હતું. એમની ઝીણી આંખોમાં વેપારીની કુમાશ અને લુચ્ચાઈ હતાં. એમના ટૂંકા કપાળમાં કેશરનો ચાંલ્લો હતો. સિપાહીઓની અને કેદીઓની હાજરીથી એઓ જરા અસ્વસ્થ દેખાતા હતા, અને પડખે જ બેઠેલા એક પટેલ સાથે વાતો કરવાનો પ્રયત્ન કરતા હતા; પરંતુ પટેલની પણ એવી જ દશા હતી. એમના લબડી ગયેલા ગાલો ગાડીના ધ્રુજારાથી ધ્રૂજતા હતા. સામે વિસ્તરેલું અસ્વસ્થ કરી નાખે એવું દૃશ્ય ન જોવા માટે તેઓ પ્રયત્નપૂર્વક બારીમાંથી બહાર જોઈ રહેતા અને વારે ઘડીએ ‘હે રામ!’ ‘હે નાથ!’ એમ બોલી નિસાસા મૂકતા હતા. બીજી બાજુના ખૂણામાં એક ડોશી બેઠી હતી. એ દયાર્દ્ર ભાવે પેલા ત્રણ કેદીઓ સામે અને ખાસ કરી પેલા જુવાન સામે જોઈ રહેતી. એની આંખો ભીની થતી, ત્યારે એ બારી તરફ જોઈ સાડલાની કોરથી લૂછી નાખતી. બે મેમણ અને બીજા ચાર ઉતારુઓ પણ એ ડબ્બામાં બેઠા હતા. મેમણ લોકો પોતાની વાતોમાં મશગૂલ હતા. સ્ટેશન નજીક આવતું જોઈને બારણા પાસે બેઠેલો સિપાહી બોલી ઊઠ્યો : ‘અરે ભૈયાજી, ઊઠો હવે ઊઠો. સ્ટેશન આવી લાગ્યું.’ ‘ક્યા? સ્ટેશન આ ગયા?’ ઉપર સૂતેલા સિપાહીએ ઝબકીને બોલવું શરૂ કર્યું. અને પછી બન્ને હાથ ઊંચા કરી બોલ્યો : ‘યા ખુદા! કૈસી કમબખ્ત નોકરી હૈ? પેટ ભરકે સોને ભી નહિ પાતે!’ વાક્ય પૂરું કરી એ નીચે કૂદ્યો અને પિતાપુત્રની સામેના બાંકડા ઉપર બેઠો. પોતાના પોલીસના પરસેવાથી ગંધાતા પહેરણ વડે આંખો લૂછી એણે પેલા પિતાપુત્ર તરફ જોયું. ‘ક્યા, સારી રાત જાગતે બૈઠે? નિંદ નહિ આઈ?’ એટલું બોલી એ બારણા પાસે બેઠેલા પોલીસ બાજુ ફર્યો. ‘યાર, એક બીડી તો નિકાલ! ઓર એક મિયાંસા’બ કો ભી દેના, હાં!’ એણે પેલા પડછંદ કેદી સામે જોઈને ઉમેર્યું. સિપાહીએ ખીસામાંથી એક દોથો બીડી કાઢી અને બધા સિપાહીઓને તથા પેલા કેદીને એકએક આપી. ‘લ્યો, બીડી તો પીઓ.’ બે બીડીઓ પિતાપુત્ર સામે ધરીને જાણે દયા કરતો હોય તેમ સિપાહી બોલ્યો. ‘અમે બીડી નથી પીતા.’ પેલા આધેડ કેદીએ ઠાવકાઈથી જવાબ આપ્યો. ‘યોં....’ ભૈયા સિપાહીએ આશ્ચર્યમાં ડોળા ફાડ્યા. ‘બડે ભગત માલૂમ પડતે હો!’ એણે આગળ ચલાવ્યું. ‘ઐસા થા તો ચોરી ક્યોં કી? સા...લ્લે.’ આધેડ પુરુષે એક નિસાસો મૂકી બારી બહાર જોવાનું શરૂ કર્યું. જુવાનની આંખો જરા લાલ થઈ. પોતાની કથા કહી દેવા એના હોઠ ફફડ્યા. બેચાર ક્ષણોમાં એ સ્વસ્થ થયો અને નીચલો હોઠ દાબી નીચે જોવા લાગ્યો. ખૂણામાં બેઠેલી ડોશીની આંખમાં આંસુ આવ્યાં. બારી બહાર જોઈ એણે ઉધરસ ખાધી. ત્યાં તો ધુમાડાના ગોટાઓથી આખો ડબો ભરાઈ ગયો. બીજા પોલીસો પેલા પડછંદ કેદી સાથે ‘આપ, આપ,’ ઉચ્ચારતા વાતે વળગ્યા. ‘ભગત લગતે હૈં!’ ભૈયા સિપાહીએ આંખો ચમકાવી વણિક સજ્જન તરફ જોઈ ફરી ઉચ્ચાર્યું. ‘હાં, ભગત લગતે હૈં!’ વણિક સજ્જને બીતાં-બીતાં શરૂ કર્યું. ‘પણ ભગત હૈ તો ચોરી શા માટે કરી હૈ? સિપાઈદાદા ખરું કે’તા હૈ!’ ‘હાં, સિપાઈદાદ ખરું કે’તા હૈ!’ પડખે બેઠેલા પટેલે ટાપશી પુરાવી. ભૈયાદાદાના ગાલમાં ખુશામત-પ્રેરિત લાલી ચડી. આધેડ પુરુષનું મોઢું ક્રોધથી-શરમથી લાલલાલ થઈ ગયું. જુવાનના હોઠ ફરી ફફડ્યા અને ફરી બિડાયા. ‘ભગત લોકને કોઈ અમસ્તા તો થોડા જ પકડતા હશે! ચોરી કરો અને પછી નીચું મોઢું રાખો તેમાં શું વળ્યું? જુઓ ને, અમને કોઈ પકડે છે? રોજ સાંજે અમે તો દેરે જઈએ છીએ અને ....અરિહંત! અરિહંત! અરિ....’ વાણિયાની જીભ મોકળી થવા લાગી એટલે એણે ચલાવ્યે રાખ્યું. પટેલે એમાં હાકારો મેળવ્યે રાખ્યો. ભૈયાદાદાને એમાં રસ ન પડ્યો એટલે તે પેલા પડછંદ કેદી તરફ ફર્યો. ‘ક્યોં? બીડી તો અચ્છી હે ના?’ ‘હાં, ક્યોં નહિ? હમ અચ્છે તો સબ અચ્છે!’ સુલેમાને સ્વસ્થતાથી જવાબ આપ્યો. ‘પણ આપને તો કશું જ લાગતું નથી. અને પેલા બેને તો જુઓ!’ વાણિયાએ મૂઢ હિંમતથી માથું માર્યું. ‘અરે, મને શું લાગે?’ સુલેમાને ગુજરાતી સાથે ગુજરાતીમાં શરૂ કર્યું, ‘હું તો આ ચોથી વાર જેલ જાઉં છું. મારે દુનિયા ઉપર એકે ઘર નથી એટલે મેં જેલને મારું ઘર બનાવ્યું છે. ત્યાં શું ખોટ છે? બહાર તો ભાખરી કે છાપરી મળે તો ભાગ્ય! ત્યાં તો નિયમિત ત્રણ ટંક ખાવાનું મળે. વળી એવા સરસ બંગલાઓ કોને માટે બંધાવ્યા છે? પેલા લોકો તો નવાનવા છે એટલે આમ ઉદાસ થઈ ગયા છે.’ બાપ-દીકરાના કાન ચમક્યા. તેઓએ સુલેમાન તરફ ઝડપભેર એક દૃષ્ટિ ફેંકી અને ફરી માથું નમાવી દીધાં. ‘હા, એ તો એમ જ.........’ વાણિયો વાત પૂરી કરે એ પહેલાં તો વ્હીસલ થઈ અને ગાડી સ્ટેશનમાં આવીને ઊભી રહી. સિપાહીઓએ થેલીઓ બગલમાં ઘાલી, બંદૂકો ખભે મૂકી અને કેદીઓને નીચે ઉતાર્યા. સામેના ખોડીબારામાંથી કાઢીને તેઓ કેદીઓને પાસેની જેલના દરવાજા પાસે લઈ ગયા. જેલના જંગી દરવાજાઓ ઊઘડ્યા; અને ક્ષણવારમાં તો ત્રણે કેદીઓ એ પડછંદ કાળી દીવાલો પાછળ અલોપ થઈ ગયા. વ્હીસલ થઈ અને ગાડી ઊપડી. વાણિયાએ ‘અરિહંત, અરિહંત’નો ઉચ્ચાર કર્યો. ડોશીએ એક નિસાસો મૂકી ઊંચે જોવું શરૂ કર્યું; એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.