ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/પ્રવેશક : નાનાભાઈ ભટ્ટ

ઇન્સાન મિટા દૂંગા : પ્રવેશક — નાનાભાઈ ભટ્ટ


જેલ અને જેલજીવન આપણી જિંદગીમાં એક રીતે નવાં છે. દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કવિએ જેલજીવનથી પ્રેરણા મેળવી ગાયું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ ધર્માચાર્યે જેલીઓના જીવનમાં ધાર્મિકતાનો સંચાર કરવાનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ કેળવણીકારે જેલમાં મળતી અકેળવણીનો વિચાર કર્યો હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ સમાજસુધાર કે જેલનું સમાજસુધારણામાં કેવું સ્થાન છે તે તપાસ્યું હશે; દશ વર્ષ પહેલાં ભાગ્યે જ કોઈ દેશનેતાએ સ્વરાજની જેલો કેવી હોવી ઘટે તેની કલ્પના પણ કરી હશે. જેલ અને જેલીઓ તે દિવસે આપણા જીવનથી એટલા બધા જુદા હતા, અલગ હતા, અંધારામાં હતા! રાષ્ટ્રના ઉત્થાને આ સ્થિતિમાં મોટું પરિવર્તન કરી નાખ્યું છે. આજ સુધી જેલો મોટે ભાગે નૈતિક ગુનેગારોનું સ્થાન હતું તે મટીને રાષ્ટ્રપ્રેમીઓનું સ્થાન થયું. દેશભરનો જુવાન અને સંસ્કારી વર્ગ જેલમાં ગયો; એટલે જેલજીવન પર નવીન વિચારોનો પ્રકાશ પડ્યો; દેશના શિક્ષકો જેલમાં ગયા એટલે શિક્ષણની દૃષ્ટિથી જેલના પ્રશ્નોને વિચારવા લાગ્યા; દેશના સમાજસુધારકો જેલમાં ગયા એટલે કેદીઓ જેલમાંથી છૂટીને સમાજમાં કયું સ્થાન લેશે તેની મીમાંસા કરવા લાગ્યા; દેશના નેતાઓ જેલમાં ગયા એટલે સ્વતંત્ર ભારતની જેલી કેવી હશે તેનો ઘાટ ઘડવા લાગ્યા; દેશના જીવનશાસ્ત્રીઓ જેલમાં ગયા એટલે જેલના સમગ્ર વ્યવહાર પર માનવજીવની દૃષ્ટિથી આંક મૂકવા લાગ્યા. આ પ્રમાણે છેલ્લાં દશ વર્ષમાં આખા દેશે અને ગુજરાતે જેલજીવન પર ઘણા ઘણા વિચારો તો કર્યા, પણ હજી આ બધા વિચારો શબ્દમાં જોઈ એ તેટલા મૂર્તિમંત થયા નથી. સુધરેલા દેશોમાં આજે જેલો જેલો મટીને સુંદર જીવનશાળાઓ બનવા લાગી છે; સુધરેલા દેશોમાં માંદાની સારવાર એ જેમ સમાજસેવાનું એક આવશ્યક અંગ થઈ પડ્યું, જેમાનો આત્મા બીમાર છે તેવા ગુનેગારોની સેવા પણ એટલી જ બલકે મહત્ત્વની ગણાય છે. સુધરેલા દેશોમાં જેલ ત્રાસનાં સ્થાનો મટીને સર્જનનાં આત્માના ઉલ્લાસનાં સ્થાનો બનવા લાગી છે; આજે આપણે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બીજા સુધરેલા દેશોની હારમાં ઊભા રહેવા માગીએ છીએ, ત્યારે આપણે આપણી જેલોમાં ફેરફાર કરવો પડશે. આવા ફેરફારની અગત્ય આપણને જણાય તે પહેલાં આજની જેલો કેટલી બધી ખરાબ છે, આજની જેલમાં માણસ માણસ મટીને કેવો હેવાન થાય છે, આજની જેલો જે રીતે ચાલે છે તે રીતે આ સારામાં સારા માણસો બદમાસ બનવાનો કેટલો મોટો સંભવ છે, આ અને આવું ઘણું ભાઈ કૃષ્ણલાલના ચિત્રમાંથી વાચકને મળશે. પણ આખરે તો ભાઈ કૃષ્ણલાલનું ચિત્ર એ તો અંગુલિનિર્દેશ છે. જેલજીવનની કમકમાટીનો યથાર્થ અનુભવ લેવો હોય તો-તો આપણે એ જેલીભાઈઓની સાથે વસવું જોઈએ; જેલનું વ્યવસ્થાતંત્ર સજા અને ભય ઉપર યોજાયેલા કોઈ પણ તંત્રની માફક કેટલું જડ અને નિર્જીવ હોય છે તે અનુભવવું હોય તો અસહકાર સિવાયના બીજા કોઈ નિમિત્તે જેલવાસ લેવો જોઈએ; જેલનાં નાનાંમોટાં તમામ પ્રાણીઓ આ તંત્રથી કેટલાં પામર બને છે તે બરાબર માપવું હોય તો-તો માનસશાસ્ત્રીએ બહારથી રુઆબવાળા દેખાતા બધા અમલદારોના માનસને તળિયે ડૂબકી ખાવી જોઈએ; જેલના જેલર અને સુપરિન્ટેન્ડન્ટથી માંડીને નાનામાં નાના વોર્ડર સુધીના તમામ લોકો પોતે વસ્તુત: કેવા ગુનેગાર છે એ નક્કી કરવું હોય તો પશ્ચિમના યંગ જેવા કોઈ સમર્થ શાસ્ત્રીને આપણે નોતરવા જોઈએ. પણ આજે આપણે ભાઈ કૃષ્ણલાલ આપણને જેલના ભીતરમાં જેટલે દૂર લઈ જાય તેટલે દૂર જઈએ, અને કે તે પરથી હજી કેટલું બધું વધારે જઈ શકાય તેમ છે તે કલ્પી લઈએ. આ પુસ્તકની જેલ ઘણાઓને ગુજરાતની જ એક જેલ લાગશે. ભાઈ કૃષ્ણલાલ પોતે ગુજરાતી, તેમની ભાષા ગુજરાતી; પુસ્તકની ભાષા ગુજરાતી પુસ્તકનો આખો ઉઠાવ પણ ગુજરાતી, એટલે ઉપરની માન્યતાને ટેકો પણ મળે. છતાં તેમ લાગવાનું કશું કારણ નથી. આ પુસ્તકની જેલ નથી ગુજરાતની, નથી હિંદુસ્તાનની નથી નથી એશિયાની, પણ એ જેલ તો છે સમગ્ર દુનિયાની. પુસ્તકનાં પાત્રો ગુજરાતી હોવા છતાં સમગ્ર દુનિયાનાં પાત્રો છે; એ પાત્રોનાં હાડચામ ગુજરાતીનાં હાડચામ નથી, પણ માનવજાતનાં હાડચામ છે. પૃથ્વીના પટ પર જ્યાંજ્યાં આવી જેલો છે, પૃથ્વીના પટ પર જ્યાંજ્યાં સૂબેદારો અને ગંગારામો છે, ત્યાંત્યાં ‘ઇન્સાન મિટા દૂંગા’ હાજર છે. એ રીતે જોઈએ તો પુસ્તકનું વસ્તુ સમગ્ર માનવસમાજનું વસ્તુ છે, કેળવણીનું વસ્તુ છે, જીવનનું વસ્તુ છે. પણ આ પુસ્તક માત્ર જેલનું જ પુસ્તક છે એમ ન સમજવું. આજે આપણી જેલો ડર અને સજાના ધોરણ પર ચાલે છે; જે માણસ સમાજમાં ગુનાઓ કરે છે તેનું માનસ બીમાર છે અને બીમારની માફક કુશળ દાક્તરની સારવાર માગે છે. આવી સારવારને બદલે આપણે તેને ડર અને સજા આપીએ છીએ એટલે બીમારી વધે છે અને રૂઢ થઈ જાય છે. જો ડર અને સજા પર ઊભું કરેલું જેલનું તંત્ર બીમારને વધારે બીમાર બનાવે છે તો ડર અને સજા પર ઊભું કરેલું રાજતંત્ર શું કરે? ડર અને સજા પર ઊભી રહેલી આપણી શાળાઓનું શું? ડર અને સજા પર નભતાં આપણાં ઘરો માટે શો વિચાર કરવો? ડર અને સજા પર નભતાં આપણાં ધર્મપુસ્તકો માટે? ડર અને સજા જેલમાં માણસને હેવાન બનાવે તો સમાજમાં જ્યાંજ્યાં ડર અને સજાને વ્યવસ્થિત કરીને તંત્રનો માંચડો ઊભો કર્યો હોય, ત્યાંત્યાં બહારનો દેખાવ ગમે તેવો ભભકાબંધ દેખાતો હોય, તોપણ વસ્તુત: એ તંત્ર ખુદ માણસાઈનો વિનાશ કરે છે એમાં શંકા નથી. આ રીતે જોઈએ ત્યારે ભાઈ કૃષ્ણલાલે પોતે કહ્યું હો કે ન હો, પણ ‘ઇન્સાન મિટા દૂંગા’ આપણા સમાજતંત્રના હાડમાં પેસી ગયેલાં ડર અને સજાની સામે મૂંગી પણ સજ્જડ જેહાદ (Crusade) છે. મહાત્મા ગાંધીજી જ્યારે પશુબળના પાયા પર રચાયેલાં સામ્રાજ્યો સામે જેહાદ પુકારી અસહકાર આદરે, ત્યારે તેમના જ નાનાનાના સૈનિકો પશુબળનાં નાનાંનાનાં આવાં કચ્ચાંબચ્ચાં સામે જેહાદ પુકારે; મહાત્મા ગાંધીજી જ્યારે સમાજ-આખા માનવરામાજમાંથી વેરઝેરને નાબૂદ કરી પ્રેમ અને શાંતિનો પેગામ જાહેર કરે, ત્યારે ગાંધીજીની પ્રેરણા પામેલા નવયુવકો વેરઝેરને છૂપી અસરકારક રીતે પોષણ આપતાં સમાજનાં આવાં નાનામોટાં તંત્રોને જગજાહેર કરે; આ બધાં સ્વાધીન ભારતનાં લક્ષણો નથી તો બીજું શું છે?

જેના ગર્ભમાં પ્રેમનો અને શાંતિનો સંદેશો ભર્યો છે એવું આ પુસ્તક વાચકના મનમાં એ પ્રેમ અને શાંતિ જમાવો એટલી જ ઇચ્છા રહે છે.

શ્રી દક્ષિણામૂર્તિ ભવન નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

ભાવનગર નિયામક

20-10-31

0