ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/બોલ્શેવિઝમ! બોલ્શેવિઝમ!

બોલ્શેવિઝમ! બોલ્શેવિઝમ!


કોર્ટ ઊઠી એટલે અમે બહાર નીકળ્યા. રોજ સાંજે દૂરદૂર ફરવા જવું એ અમારો નિત્યનિયમ હતો. અને ઉમાનાથનો આગ્રહી સ્વભાવ તેમાં એક દિવસની પણ શિથિલતા ચલાવી ન લેતો, પણ આજે તો શહેરના એક પ્રતિષ્ઠિત વકીલ અને અમારા મિત્ર શાંતિદાસે કોર્ટમાં આવવા અમને આગ્રહ કર્યો હતો અને ઉમાનાથે ફરવા જવાના નિત્યનિયમને ભોગે પણ એ કબૂલ્યું હતું. બહાર નીકળ્યા એટલે અત્યાર સુધી ધૂંધવાઈ રહેલો ઉમાનાથનો પુણ્યપ્રકોપ પ્રકટી નીકળ્યો. મુકદ્દમો ચાલતો હતો, ત્યારના ઉમાનાથના મોઢા ઉપરના વિકારો જોઈ હું ધારતો જ હતો, કે આ ગાજવીજ પછી જરૂર એક તોફાન આવવાનું. ‘ચોર? ચોર એ કે ન્યાયાધીશ? હજારહજારનો પગાર ખાય છે અને એ રીતે સેંકડો ગરીબોનો બટકું રોટલો પણ છીનવી લે છે, તોય એ ચોર નહિ; પણ પેલો બિચારો ભૂખનો માર્યો પતકાળા જેવડા પેટવાળા કોઈ તવંગરની તિજોરી ફાડે એટલે ચોર! વાહ રે તમારો ન્યાય?’ હજી તો કાર્ટનું છેલ્લું પગથિયું ઊતર્યા નહોતા ત્યાં ઉમાનાથે ચલાવ્યું. રશિયાની દિશામાંથી વાતા પવને દેશના જે સાચાખોટા અસંખ્ય પુરુષોનાં હૃદયમાં જ્વાલા પ્રકટાવી છે, તેમાંના ઉમાનાથ એક હતા. રશિયાના કેટલાય શહીદોનાં જીવનચરિત્રો વાંચી તેઓ એક સળગતી મશાલ જેવા બની ગયા હતા. લેનીન વગેરેનાં ભાષણો તો એમને કંઠસ્થ હતાં અને લાગ આવ્યે તેનો ઉપયોગ કરવાનું પણ તેઓ ન ચૂકતા. ‘અને એણે ખોટું પણ શું કર્યું? બાપડાને ખાવા અન્ન નહોતું, શરીર ઢાંકવા વસ્ત્ર નહોતાં અને રાત્રે પડી રહેવા પૂરતું છાપરું પણ નહોતું; અને પેલા ગોળમટોળ શેઠને શાની ખોટ હતી? હજારો લોકો રહી શકે એવા મહેલમાં એ એકલો મહાલે છે; હજારો લોકો પેટ ભરી શકે એટલું અન્ન તો એના એઠવાડમાં જાય છે. એની તિજોરીમાં પડ્યાપડ્યા રૂપિયા કાટ ખાતા હતા; ત્યાંથી ઉપાડી પેલાએ પોતાનાં ભૂખે ટળવળતાં બાળકોને અન્ન પૂરું પાડ્યું; એમાં એણે ખોટું શું કર્યું?’ ઉમાનાથનો વાણીપ્રવાહ એકવાર શરૂ થયો એટલે તેને અટકાવવો અશક્ય થઈ પડતું. મને પણ વચમાંવચમાં ટાપશી પૂરવાનું મન થતું, પણ મને બોલવા દે ત્યારે ને! એમણે તો પોતાના વાણીપ્રવાહને અસ્ખલિત વહેવા દીધો. રસ્તે જે-જે લાગતાવળગતા મળતા તેમને રોકીને તેઓ પોતાનો ઊભરો એમની પાસે ઠાલવતા : જ્યારે એને ખાવાના પણ સાંસા હતા ત્યારે પેલા શેઠને કરોડો રૂપિયા તિજોરીમાં રાખી મૂકવાનો શો હક્ક હતો? એને જરૂર હતી અને એણે લીધું. એમાં ચોરી ક્યાં થઈ ગઈ! લોકો તેઓ ક્યારે અટકે તેની રાહ જોતા ઊભા રહેતા. પછી તમારી વાત તદ્દન સાચી છે; આખી સમાજરચના જ ભૂલભરેલી છે; એ જ્યાં સુધી નહિ ફરે ત્યાં સુધી આવા અત્યાચારો નહિ અટકવાના....’ એવુંએવું કહી ચાલતા થતા. એટલામાં ઉમાનાથનું ઘર આવ્યું. હું ‘સાહેબજી’ કરી ચાલવા માંડું ત્યાં તેઓ બોલી ઊઠ્યા, ‘શી ઉતાવળ છે? જવાય છે, આવો ને; ચા લઈને પછી જ જજો.’ મેં એ રસિક કાર્યક્રમથી વંચિત રહેવું યોગ્ય ન ધાર્યું અને ઉમાનાથની પાછળપાછળ દાદરો ચડવો શરૂ કર્યો. ખુરશી ઉપર ગોઠવાઈ ઉમાનાથ પ્રવચન આગળ ચલાવવા જાય છે ત્યાં તો એમનો આઠ વર્ષનો રમુ, ‘બાપાજી, બાપાજી......’ કરતો કાંઈક કહેવા દોડતો આવ્યો. મને જોઈ શરમાઈ ગયો અને ઉમાનાથના ખોળામાં માથું નાખી મોઢું છુપાવવા લાગ્યો. પછી તો એ છોકરાની કેળવણી વિશે વાતો થઈ. ઉમાનાથે સોવિયેટ રશિયાની કેળવણીના આદર્શો વિશે કહેવું શરૂ કર્યું. ગોવિંદ આવીને ટેબલ ઉપર ચાના પ્યાલા ગોઠવી ગયો; એટલે અમે ઊઠીને આસપાસ ગોઠવાયા. પડખેના ખંડમાંથી મિત્રપત્ની સુશીલા આવ્યાં અને અમારી સાથે જોડાયાં. ‘પછી તમને ખબર પડી કે બાથરૂમમાંથી કોણે સાબુ ચોર્યો હતો?’ સુશીલાએ થોડી વારે ચા લેતાંલેતાં પતિ સામે જોઈ પૂછ્યું. ‘ના, કેમ કાંઈ પત્તો લાગ્યો?’ ઉમાનાથે ઊંચું જોયા વિના સામે પ્રશ્ન કર્યો. ‘એ તો ગોવિંદે ચોરેલો.’ સુશીલાએ મોઢું મલકાવ્યું. ‘ગોવિંદે?’ ઉમાનાથ ઊભા થઈ ગયા. મુખારવિંદે રૌદ્રરૂપ ધારણ કર્યું. ગોવિંદ એ ચોરે જ કેમ? આજે તો સાબુ ચોર્યો, પણ આવતી કાલે કોઈ ઘરેણાં ઉપર હાથ નાખશે. મારા ઘરમાં એ ચાલે જ કેમ? ‘ગોવિંદ! ગોવિંદ!!’ ઉમાનાથના અવાજથી આખો ખંડ ગાજી ઊઠ્યો. ગોવિંદ આ બનાવની રાહ જોતો બારણાં પાછળ લપાઈને ઊભો હતો. ધ્રૂજતોધ્રૂજતો આગળ આવ્યો. માથું જમીન તરફ ઢાળી મૂંગોમૂંગો ઊભો રહ્યો. ‘સાબુ તેં ચોર્યો હતો?ટ ઉમાનાથે જવાબ માગ્યો. ગોવિંદ કાંઈ જ ન બોલ્યો — ન બોલી શક્યો. ‘કેમ જવાબ નથી આપતો? જીભ કપાઈ ગઈ છે કે શું? બોલ, સાબુ તેં ચોર્યો હતો?’ ઉમાનાથ ફરી તડૂક્્યા. ‘મારાથી ભૂલ થઈ ગઈ. આટલાં વર્ષોમાં કાલે જ....’ ગોવિંદ આગળ ન બોલી શક્યો. આંખનાં આંસુ ગાલ ઉપર દડ્યાં. ‘એવી તારી ડાહીડાહી વાતો મારે નથી સાંભળવી. ચાલ્યો જા અહીંથી, મારે તારું કામ નથી, તારા તરફ ભાવ રાખ્યો એનું આ પરિણામ?’ ઉમાનાથ બોલવું પૂરું કરે એ પહેલાં મેં મારી ચા પૂરી કરી હતી. ટોપી માથા ઉપર મૂકી હું ઊઠ્યો. ચાલતાંચાલતાં મેં કહ્યું : ‘ઉમાનાથ! એમાં એનો શો વાંક? એને જ્યારે કપડાં ધોવા પણ સાબુ નથી મળતો, ત્યારે તમને નાહવાનો સાબુ રાખવાનો શો હક્ક? એને જરૂર હતી અને એણે લીધું, એમાં ચોરી ક્યાં?’ ‘પણ....એ.... તો.....’ ઉમાનાથ વાક્ય પૂરું કરે એ પહેલાં તો હું બહાર નીકળી ગયો.

[‘કૌમુદી’ : ‘2242’ના તખલ્લુસે : 1930]