ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/આત્મનિવેદનમ્‌

આત્મનિવેદનમ્


ॐ त्र्यंबकं यजामहे सुगंधीपुष्टिवर्धनम्।
उर्वारुकमिवबन्धनात्मृत्यो्र्मुक्षीयमामृतात् | ।
ભોઃ ત્ર્યંબક, પ્રસીદતામ્!
બિલિપત્રથી નહીં, સુવર્ણપત્રથી
અભિષેકું છું તમને.
આવાહયામિ સ્થાપયામિ
અને લંકેશ પૂજે ત્યારે
શિવલિંગનુંયે બને, આત્મલિંગ!
માટે જ તો હે આશુતોષ,
આ રાક્ષસરાજને
તમે પાંચ માથાનું વરદાન આપેલું
તેય બબ્બે વાર.

રાક્ષસરાજ...! (અટ્ટહાસ્ય)
અરે ક્યાંનો રાક્ષસ?
ન હું દાનવ, ન દૈત્ય, ન પુત્ર દિતિનો
ન અસુર
કુબેરનો બાંધવ હું, પ્રજાપતિનો પ્રપૌત્ર
પૂર્ણવેદવિદ્ પૌલત્સ્ય!

હે કૈલાસપતિ!
એકદા તમારા રાક્ષસતાલમાં સ્નાન કરતો હતો હું,
કિનારે કિનારે કોઈ હંસ
કઢંગો!
લાંબી લાંબી ડોક, ભારે શરીર, ડગુમગુ પાય
પડ્યો આ પડ્યો
પણ ના, પાણીના પહેલા જ સ્પર્શે
સરરર
પાય કે હલેસાં? ડોક કે કૂવાથંભ? પુચ્છ કે સુકાન?
જાણે સરકતું જતું કમળ

કઢંગો! હા, કઢંગો તો હું પણ
વાયુદેવ! ચલો, ચલો, વીંઝણો ઢોળો!
અગ્નિદેવ! ચુપચાપ ચૂલે ચડો!
કોનાં આ હીબકાં? પંચીકસ્થલાનાં?૨
કોનો ચોટલો વીંખાય? વેદવતીનો?૩
અહહ... ઇશ્વાકુનરેશ અનારણ્યને અપકીર્તિને પિંજરે પૂર્યો મેં
તમારા નંદીને કર્યો વાનરમુખો...

પણ
ભક્તિ-રસના પહેલા જ સ્પર્શે
બનું સર્જનશ્રેષ્ઠ વિશ્વકર્માનું
ઉપાસું તમને, ૐ
વીસે નેત્ર મીંચીને, દસ જિહ્વાથી, એકચિત્તે
આ મહેલ? કે મંદિર?
આ લંકા સોનાની? કે લાખની?

મને સમીપ રાખો મારા સ્વામી, સર્પની જેમ
જીરવી જાણો, હળાહળની જેમ

અહીં મન મીંચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને
તારને સ્થાને આ તાણ્યું આંતરડું
રાવણહથ્થો વાગે
અંતરડાનું જંતરડું જાગે
ત્યારે જાણજો કે હું નાભિમાંથી બોલ્યો

ગાઉં ને ગુંજું ત્યારે હું સાચો
બાકીનો સમય
રાક્ષસ

૧. પાકેલું ફળ વેલીમાંથી છૂટું પડે, તેમ મૃત્યુના બંધનમાંથી મુક્ત કરાવનાર શંકરને અમે પૂજીએ છીએ.
૨ એકદા અપ્સરા પંચીકસ્થલા સાથે રાવણે દુર્વ્યવહાર કર્યો. બ્રહ્માજીએ રાવણને શાપ આપ્યો, ભવિષ્યમાં કોઈ સ્ત્રી સાથે જબરદસ્તી કરી, તો તારો વિનાશ થશે.
૩ સેનાપતિઓ અને સંબંધીઓને યુદ્ધમાં એક પછી એક હણાતા જોઈ રાવણને આશંકા થઈ, ‘મેં સતાવેલી વેદવતી, શું સીતારૂપે બદલો લેવા આવી? મારા શાપથી વાનરમુખો થયેલો નંદી, શું હનુમાનરૂપે, લંકાનો ધ્વંસ કરવા આવ્યો?’