ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ધ માસ્ટર્સ ટચ

ધ માસ્ટર્સ ટચ


સવાર
કેવું કરી ગઈ શૃંગ ઉપર ઊજળું અનુસ્વાર...
હાંસિયા મૂક્યા
વસ્તીની પાસે વનોએ,
વૃક્ષ પર પંખી વિરામો અલ્પ લેવાને રૂક્યાં
લખીએ કશું?
ઊંચે ઝૂલંતાં
બે સુનેરી અવતરણચિહ્નોની વચ્ચે કેટલો અવકાશ...

પ્હોર
જેને પ્રકટતાં, પૂર્વે
મળ્યું છે પંખીઓનું પ્રાક્કથન
તેને વાંચવાના કોણ—
આ સૌ એકબીજાની અનુક્રમણિકા જેવા આદમી?
શુદ્ધિપત્રક-શા ફરિસ્તા?
આમને શું જોઈને ઉપર ચડાવ્યાાં—
રાહુલ અને કેતન કરે શશિકાંતની ટપલી-ટીખળ,
દામિની પાડે લિસોટા
વર્ગમાંથી ધૂમકેતુ નાસે, ઊભી પૂંછડીએ...
આ બધાં કરતાં સરોવર નાનકું સારું
તરુવરોનાં પાનેપાનાનું અનુલેખન કરે જે ક્યારનું
સારાં તમરાં
તિમિરને ગોખી રહ્યાં જે પાંચસોમી વારનું
કસનળીમાં સરતચૂકથી મળી ગયેલાં રસાયણ
–શો સંબંધ
અધરોષ્ઠનો દ્વિગુ સમાસ
ગ્રેસના ગુણાંક જેવાં બાળકો આપી, કર્યા છે માણસોને પાસ
...માનો યા ના માનો
ફ્રી પિરિયડમાં બેસીને, કરી સૃષ્ટિને આખી સેટ
કોઈ માસ્તરે!