ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/નાગરી નાતને પાન-સોપારી ને

નાગરી નાતને

નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝૂલવા દે

આપણે તો ભલો એક કેદાર, ને આપણે તો ભલો એકતારો
જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ વાજી રહ્યું : વાજવા દે

આંખ મીંચીને કહેતાં તો મેં કહી દીધું, સૃષ્ટિ સોહામણું સોણલું છે
પાછલા પ્હોરનાં પોપચાં સૂર્યના ટાંકણે ટાંકણે ખૂલવા દે

વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે