ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/નિરંજન ભગત

Revision as of 01:00, 6 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નિરંજન ભગત


કોરા કાગળ પર પાતળો નળાકાર દોરો
રાજેન્દ્ર શાહ કહેશે, વાંસળી
નિરંજન ભગત કહેશે, મિલનું ભૂંગળું

‘નિરંજનભાઈ ડૉક્ટર નથી?’
કોઈ અધ્યાપકે
પીએચડી થયેલા સ્વરમાં પૂછ્યું
‘છે ને,’ હું બોલ્યો
‘કશીય વાઢકાપ વગર
ટૂંકી દૃષ્ટિનો ઉપચાર કરતા એકમાત્ર ડૉક્ટર’

ચાળીસ વરસની ચુપકીદી પછી
ભગતસાહેબ ફરી કાવ્યો રચે છે
પાંખો ફફડાવે છે
શાહમૃગ

‘હેવમોર’માં આઇસક્રીમ ખાતાં, સાદ સંભળાય
‘લાવો તમારો હાથ, મેળવીએ...’
એક છેડે હું બેઠો હોઉં
બીજે છેડે ભવભૂતિ
બેયને લાગે :
મને કહે છે!

(૨૦૦૬)