ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/માધવી

માધવી


૧.
જરાક આઘે જરા સંવતોની પેલે પાર
હતા તપસ્વી કોઈ, નામ એમનું ગાલવ
ને એમના ગુરુ તે પુણ્યશ્લોક વિશ્વામિત્ર

ગુરુને દક્ષિણા દેવાનો જ્યાં સમય આવ્યો
ગરવ કરીને કહ્યું ગાલવે : શું દઉં, બોલો?
રિસાઈ, રોષ કરી, બોલી ઊઠ્યા વિશ્વામિત્ર
કે આપ આઠસો ઘોડા, ને તેય ઊજળે વાન
અને હા, યાદ રહે : એક બાજુ કાળા કાન!

થયાં ચકળ ને વકળ નેણ-વેણ ગાલવનાં
સુકાયો કંઠ વળી ગાત્ર પણ ગળી ચાલ્યાં
ન સંતુલન રહ્યું, હણહણતી હાંફતી પૃથ્વી
ઘડીમાં શ્વેત ઘડી શ્યામ દોડવા લાગી
હરીફરીને હરિને સ્મરી રહ્યા ગાલવ...
ફલક ત્યાં ફાટી પડ્યું, ને પ્રભુના હસ્તાક્ષર
શી વીજળીઓ થઈ, ગરજીને ગરુડ આવ્યા!
સમસ્યા સાંભળી, નિશ્ચય કર્યો નિવારણનો
લઈને ચાલ્યા દિશાઓની પાર ગાલવને

‘તમારી પાંખના સુસવાટે ઊખડી વૃક્ષો
ધસે છે આંખની સામે, થયું છે ચિત્ત બધિર
સમુદ્રયાળની ઘેઘૂર ગર્જનાઓથી
ઘનાંધકારમાં કાયા ય ના કળાય મને...’
વિલાપતા રહ્યા ગાલવ, અને ગરુડ ઊતર્યા
પ્રભાતકાળે, પ્રતિષ્ઠાન નામે નગરીમાં.

૨.
યયાતિ નામના નૃપને, બે પાંખ જોડીને
કહ્યું ગરુડે કે દાનેશરી! આ બ્રાહ્મણને
અપાવો આઠસો ઘોડા ને તેય ઊજળે વાન...

‘કદી બને કે તમે યાચો ને ન હું આપું?
પરંતુ રાજવિભવ કૃષ્ણપક્ષ શશિયર શો
દિવસ ને રાત થતો જાય ક્ષીણ, શું આપું?’

‘હા... રૂપવાન ને ગુણવાન મારી કન્યા છે
તમે એ રાખો, મહાપંખ, એની કિંમતમાં
જરૂર આઠસો અશ્વો મળી જશે તમને.’

૩.
‘મળ્યું ન સાધ્ય, પરંતુ આ માધવી નામે
મળી ગયું મને અશ્વોની પ્રાપ્તિનું સાધન!’
વિચારતા મુનિ, મનમાં ને મનમાં હરખાતા
પહોંચ્યા ધર્મની નગરી સમી અયોધ્યામાં
ભરી સભામાં જઈને કહે છે રાજાને,
‘લઈને આવ્યો છું શ્રીમાન, કન્યા ઊજળે વાન
કરે જે ગાન તો ગંધર્વો થાય સરવે કાન
દબાતે પાય વળી નૃત્ય શીખવા આવે
કંઈક કિન્નરીઓ જેની પાસ....’ અધવાક્યે
ભ્રુકુટિ ઊંચકી રાજાએ જાણે પ્રશ્ન કર્યો
મુનિએ માધવીનો પ્રેમ-ભાવ સમજાવ્યો

‘ના, આઠસો તો નહીં પણ બસો હું આપી શકું...’
‘તમે તો એક ચતુર્થાંશ મૂલ્ય આપો છો!
બસો જ છે? તો શરત હુંય સામી મૂકું છું
કે એક પુત્ર થતાંવેંત માધવીને હું
લઈ જઈશ પરત!’ ‘હા’ તરત કહે રાજા

પછી તો માધવીથી રાજવીને પુત્ર થયો
સદા-સદાની રહી સૂર્યવંશની રીતિ
કે પ્રાણ જાય પરંતુ વચન ન જાય કદી!
સૂરજની સાખે અહો! પત્નીને પરત કીધી

૪.
મહામના મુનિ પાછા મળેલા સ્ત્રીધનને
લઈને આવી ચડ્યા તીર્થક્ષેત્ર કાશીમાં
કહેવા લાગ્યા દિવોદાસ નામે રાજાને
‘બધાંય શાસ્ત્રમાં છે એક શાસ્ત્ર-સામુદ્રિક
ને એ પ્રમાણે જુઓ : સાત સ્થાનકો આનાં
છે સૂક્ષ્મ, અવયવો પાછાં છ યે છ ઉન્નત છે...’

ફરીથી એ જ પુછાયું ને એ જ કહેવાયું
ફરીથી માધવી લીધી, ફરીથી પુત્ર થયો

ફરી ફરી કરીને આ રીતે છસો તો થયા

૫.
પછી ગુરુને કહ્યું ગાલવે, ‘હે વિશ્વામિત્ર!
તમારી ઇચ્છા પ્રમાણેના આ છસો ઘોડા
અને બસોની અવેજીમાં, માધવી કન્યા’
હસું-હસું થઈને બોલી ઊઠ્યા વિશ્વામિત્ર,
કે વત્સ, કેમ પહેલાં જ માધવી ન દીધી?

ફરીથી પુત્ર થયો, કામકાજ પૂરું થયું
તે આપી આવ્યા જઈ દીકરી, યયાતિને

૬.
શું ધામધૂમ સ્વયંવર યયાતિએ યોજ્યો!
અનેક દેવતા આવ્યા ને યક્ષ, ગંધર્વો
ને એકમેકથી ચડિયાતા રાજવીઓ પણ
સજાવી પાઘડી લીલી ઊભો હતો વગડો
ને માધવીએ તો વરમાળ એને પ્હેરાવી!


(૨૦૧૯)


સંદર્ભ : મહાભારત, ઉદ્યોગપર્વ.
છંદવિધાનઃ લગાલગા લલગાગા લગાલગા ગાગા/લલગા
જેમ કે ‘તને પીતાં નથી આવડતું. મૂર્ખ મન મારા!’