ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/રાતદિવસ ગોખલે રહી-રહીને

રાતદિવસ ગોખલે રહીરહીને


રાતદિવસ ગોખલે રહી-રહીને તુલસીદલ સડ્યાં
બે જ પળ મૂકી દીધાં તડકે, ટપોટપ ઊઘડ્યાં!

બાવડું ચલવે હથેળી? કે હથેળી બાવડું?
કેટલા સ્હેલા સવાલો! જોશીને ના આવડ્યા...

મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા...

જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું
આશકા લઈ હાથ ધોઈ નાખતાં ના આવડ્યા

કુંડળી જોવાને ત્યારે કોણ રોકાયું હતું?
મેષ ને મંગળ ધનુષ ભેગા જ ભાંગીને પડ્યા

હું હજીયે એકડા પર એકડો ઘૂંટ્યા કરું
આપને તેંત્રીસ કોટી કેવી રીતે આવડ્યા?

સૌ કોઈ પરસાદના પડિયાઓને જોતાં હતાં
એ જ ટાણે, એક પળ માટે જ, દર્શન ઊઘડ્યાં