ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/રોજ સાંજે પંખીઓના

Revision as of 15:01, 5 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રોજ સાંજે પંખીઓના


રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’