ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉમાશંકર જોશીનું ચરિત્રસાહિત્ય


૪. 
ઉમાશંકર જોશીનું ચરિત્રસાહિત્ય

ઉમાશંકરનો મનુષ્યમાં રસ અત્યંત ઉત્કટ છે, સાહિત્યમાં છે તેથીયે વિશેષ. એમણે ‘ગોષ્ઠી’માં ‘વાર્તાલાપ’ નામના નિબંધમાં લખ્યું છે : “મારી પસંદગીનો ક્રમ કાંઈક આવો છે : હું તો સ્વપ્ન કરતાં જાગૃતિને ઓછી પસંદ કરું છું. જાગૃતિમાં પણ શાંત બેસી રહેવા મળે ત્યાં સુધી વાતો કરતો નથી. વાતો કરવા મળે ત્યાં સુધી વાંચતો નથી અને વાંચવાનું બને ત્યાં સુધી લખતો નથી.”[1] આમ મનુષ્ય સાથે વાતચીત – વાર્તાલાપ, તેની સંનિધિ – તેનો મહિમા ઉમાશંકરને મન સાહિત્યના વાચનલેખનથીયે વિશેષ છે. પોતે માણસમાંથી શીખે છે એમ સ્પષ્ટ કહે છે અને ચોપડીઓનું વાચન તો માત્ર તાળો મેળવવા પૂરતું હોય છે એવી એમની માન્યતા છે.[2] ઉમાશંકર આમ મનુષ્યનો જ મહિમા કરે છે સાહિત્યમાં તેમ સાહિત્યેતર ક્ષેત્રોમાં. તેમનું સાહિત્ય માટેનું આકર્ષણ પણ માનવરસને કારણે જ છે. આવા લેખકને માણસ વિશે લખવાની – વાત કરવાની તક મળે તો સ્વાભાવિક જ તેને પ્રેમથી સ્વીકારી લે – વધાવી લે. ઉમાશંકરે ચરિત્રાત્મક કહી શકાય એવી સાહિત્યસામગ્રી – અલબત્ત, છૂટક છૂટક રીતે – પણ ઠીક ઠીક આપી છે. ઉમાશંકરે ગ્રંથાકારે બે ચરિત્રો આપ્યાં છે : ૧. ‘મસ્ત બાલ : કવિજીવન’ અને ૨. ‘ગાંધીકથા’. ‘મસ્ત બાલ : કવિજીવન’ – એ ‘ક્લાન્ત કવિ’ની કવિતાના તેમના સંશોધનાત્મક અને રસાત્મક સ્વાધ્યાયનું સુફળ છે. એ ચરિત્ર લખાયેલું તો ૧૯૪૨માં પણ પ્રગટ થયું એમના અવસાન બાદ, ૧૯૯૭માં એમની સુપુત્રી સ્વાતિ જોશીના સંપાદકીય સત્કર્મે.



  1. ગોષ્ઠી, ૧૯૫૭, પૃ. ૬૬.
  2. ગોષ્ઠી, ૧૯૫૭, પૃ. ૭૨.