ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રકાશકીય

પ્રકાશકીય

શ્રી ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ પ્રકાશનશ્રેણી અંતર્ગત શ્રી ચંદ્રકાન્ત શેઠે ઈ. સ. ૧૯૭૮માં લખેલા મહાનિબંધનું આજે સંવર્ધિત સ્વરૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશન થઈ રહ્યું છે તેનો આનંદ છે. જેમની વિદ્વત્તાને દેશવિદેશના વિદ્વાનોએ સન્માની છે એવા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક-વિવેચક ઉમાશંકર જોશીનું સમ્યગ દર્શન આ વિવેચનગ્રંથમાં લાધે છે. હજારેક પૃષ્ઠો ધરાવતો આ ગ્રંથ ત્રણ ખંડોમાં વિભાજિત છે. ગુજરાતી ભાષાસાહિત્યના સૌ અભ્યાસીઓને આ ગ્રંથ થકી વિરલ સંદર્ભસેવા પૂરી પડશે તેવી અપેક્ષા છે. આ ગ્રંથનું પ્રકાશન પરિષદ સંચાલિત ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠના ઉપક્રમે થયું છે. સાહિત્યસેવી આદરણીય શ્રી બળવંતભાઈ પારેખે પૂર્વે ઉમાશંકરભાઈ પરત્વેના એમના પ્રેમાદરથી પ્રેરાઈને પાંચ લાખ રૂપિયા આપીને પરિષદને ‘ઉમાશંકર જોશી સ્વાધ્યાયપીઠ’ની સ્થાપના માટે વિનંતી કરેલી. આમ આ ગ્રંથ માટે એમણે જે આર્થિક સહયોગ રચી આપ્યો તે માટે પરિષદ વતી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. શ્રી ચંદ્રકાન્ત શેઠના દીર્ઘકાલીન પરિશ્રમની ફલશ્રુતિ-રૂપ આ ગ્રંથનું પ્રકાશન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા કરવામાં આવે છે ત્યારે પરિષદ તેમને ધન્યવાદ પાઠવે છે. શારદા મુદ્રણલાયના શ્રી રોહિત કોઠારીએ અત્યંત ધૈર્યપૂર્વક આ ગ્રંથના પ્રકાશનમાં થયેલા વિલંબને વેઠીનેય એનું સુંદર પ્રકાશન કરી આપ્યું તે માટે પરિષદ વતી તેમનો હાર્દિક આભાર માનું છું. ઉમાશંકર જયંતી ભારતી ર. દવે ૨૧ જુલાઈ ૨૦૦૮ પ્રકાશનમંત્રી ગુજરાતી સાહિત્ય પરિષદ