ઉમાશંકરનો વાગ્વૈભવ/૧.સાપના ભારા

From Ekatra Wiki
Revision as of 11:03, 29 September 2021 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
૧.સાપના ભારા

ઉમાશંકરનો વાગ્વૈભવ-૨

૧૯૩૨માં વીસાપુર જેલમાં તેમણે મોટી સંખ્યામાં નાટકો વાંચ્યાં; એટલું જ નહિ, લખ્યાંયે ખરાં. એમનાં બાવીસ ગ્રંથસ્થ એકાંકીઓમાંથી સાત એકાંકીઓ ૧૯૩૨માં લખાયેલ છે.આ એકાંકીઓ આ પ્રમાણે છે :S આ વર્ષમાં તેમની આજ દિન સુધીની કારકિર્દીનાં કેટલાંક ઉત્તમ-વિશિષ્ટ એકાંકીઓ તેઓ આપે છે. ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ જેવાં એકાંકી નાટકોની સિદ્ધિ–પ્રસિદ્ધિ સ્પષ્ટ છે.

____________________________________
એકાંકીનું નામ          લખ્યા તારીખ                   સંગ્રહનું નામ

‘શહીદનું સ્વપ્ન’          29મી મે, 1 જૂન, 1932          શહીદ         

‘સાપના ભારા’          12 જૂન, 1932                   સાપના ભારા         

‘બારણે ટકોરા’          19 જૂન, 1932                   સાપના ભારા         
‘ઊડણ ચરકલડી’          27 જુલાઈ, 1932                   સાપના ભારા
‘ખેતરને ખોળે’          2, ઑગસ્ટ, 1932                   સાપના ભારા
‘શલ્યા’          7 ઑગસ્ટ, 1932                   સાપના ભારા
‘વિદાય’          ઑગસ્ટ, 1932                   શહીદ

‘સાપના ભારા’નાં એકાંકીઓમાં વધુમાં વધુ મુક્ત રીતે ઉમાશંકરમાંનો કલાસર્જક પ્રગટ થઈ શક્યો છે. એમાં જે વિષયો એકાંકીઓ માટે ઉપાડ્યા છે તેની સાથે આ નાટ્યસર્જકનો લોહીનો સંબંધ હતો. ભાષા – તે બાજુની બોલી – એ, જે અનુભવજગત એમણે પસંદ કર્યું તેને માટેનું વધુમાં વધુ કામયાબ માધ્યમ હતું. ઉમાશંકર તેથી એમાં વધુમાં વધુ સઘનતાથી – તીવ્રતાથી એક સાચા કલાસર્જક તરીકે પ્રગટ થઈ શક્યા છે. ઉમાશંકરે આ નાટ્યલેખન વખતની (એટલે કે ૧૯૩૨-૩૩ના અરસાની) પોતાની મનોદશાનો નિર્દેશ કરતાં લખ્યું છે :
         ‘ગમે તેમ પણ એ વરસો એવાં હતાં કે જ્યાં નજર પડે ત્યાં મને એકાંકી દેખાતું; કોઈ પણ માર્મિક ઘટના એકાંકીના ઢાળામાં સહજપણે ઢળાઈ જતી ભાસતી.”

(શહીદ, ૧૯૫૧, પૃ. ૬)

____________________

X અન્યત્ર ‘કવિનો શબ્દ’માં ‘પ્રશ્નોત્તરી’ (પૃ. 234)માં પણ આ જ વાત તેઓ કહે છે : “ ’32-’33નો સમય મારા માટે એવો હતો કે હું નજર નાખું અને મને નાટક દેખાય.”

આ ‘સાપના ભારા’(૧૯૩૬)માં ઉમાશંકરે કુલ ૧૧ એકાંકીઓ આપ્યાં છે. એમાં પાંચ એકાંકીઓ ૧૯૩૨માં ને છ એકાંકીઓ ૧૯૩૩માં લખાયેલાં છે. + આ એકાંકીઓમાં આ સત્યાગ્રહી ભાવનાશીલ યુવાન લેખક સાચા સર્જકની રીતે જીવનના સત્ય-દર્શન સાથે કામ પાડે છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે.

_____________________________

+, 1933માં લખાયેલાં એમનાં બધાં જ એકાંકીઓ ‘સાપના ભારા’માં પ્રકાશિત થયાં છે. રચનાસાલ અનુસાર તે આ પ્રમાણે છે : 1. ‘કંડલા’ (ફેબ્રુઆરી, 1933), 2. ‘પડઘા’ (16 ફેબ્રુઆરી, 1933), 3. ‘દુર્ગા’ (21 ફેબ્રુઆરી, 1933), 4. ‘ગાજરની પિપૂડી’ (ફેબ્રુઆરી, 1933), 5. ‘ઢેડના ઢેડ ભંગી’ (જૂન, 1933) અને 6. ‘વિરાટ જનતા’ (1933).

‘સાપના ભારા’માં કવિની નજર સામે મોટા ભાગે ગામડાનું જીવન રહ્યું છે. ‘ચાલો મારે ગામડે’નો કોઈ રોમૅન્ટિક આવેશ, સદ્ભાગ્યે, અહીં ગ્રામજીવનના નિરૂપણમાં કામ કરતો નથી. નાટ્યકાર ગ્રામજીવનના નિરૂપણ દ્વારા લક્ષ્ય તો માનવ્યને જ કરે છે. જે મનુષ્યને એમને ખૂબ નિકટ રહીને ઓળખ્યો છે, જે મનુષ્યની અંતરગુહામાં પ્રવેશવાનો સહજ અધિકાર એમને મળી શક્યો છે એ ગામડાના અબોલ મનુષ્યના આંતરવિશ્વને ઉઘાડી આપવાનો સમર્થ પ્રયાસ આ કૃતિઓમાં થયો છે. આ કૃતિઓ એકાંકી-સ્વરૂપે છે. એ સ્વરૂપનો તેમણે ‘સર્જક-વાચન’ દ્વારા ઠીક ઠીક પરિચય કેળવ્યો છે ને એ પરિચય આ કૃતિઓના ઘાટ-ઘડતરમાં લેખે પણ લાગ્યો છે. તેમણે પોતે જ આ અંગે સૂચન કર્યું છે :
         એકાંકી નાટકનું કલારૂપ, અલબત્ત, અંગ્રેજી ભાષા મારફત વાંચેલાં નાટકોમાંથી જ શીખવા મળેલું.’

(પહેલી આવૃત્તિનું નિવેદન : ‘સાપના ભારા’, પૃ. ૧૮)


નાટ્યકારે જ્યારે આ એકાંકીઓ આપ્યાં ત્યારે તેમને રંગભૂમિનો અનુભવ ઝાઝો નહોતો. તેઓ કહે છે તેમ, એ નાટકો “લખતી વખતે સાધારણ ગુજરાતી યુવાનને હોઈ શકે એનાથી વધારે રંગભૂમિનો અનુભવ મને હતો નહિ.” [1] આમ છતાં આ એકાંકીઓમાં ઠીક ઠીક તખ્તાલાયકી હોવાનું રંગભૂમિના જાણકારોનું પણ કહેવું છે. જયંતિ દલાલ, ધનસુખલાલ મહેતા, નંદકુમાર પાઠક આદિ રંગભૂમિ સાથે કંઈક ગાઢ નાતો કેળવનારાઓને પણ ‘સાપના ભારા’નાં એકાંકી ઉત્તમ કોટિનાં જણાવ્યાં છે. ‘સાપના ભારા’નાં એકાંકીઓના યથાવકાશ રંગભૂમિ પર પણ પ્રયોગો થતા રહ્યાના દાખલા છે. [2] ધીરુભાઈ ઠાકરે અભિનેય નાટકોની રંગસૂચિમાં ‘ઊડણ ચરકલડી’, ‘કડલાં’, ‘ખેતરને ખોળે’, ‘ગાજરની પિપૂડી’, ‘ગૃહશાંતિ’, ‘ઢેડના ઢેડ ભંગી’. ‘ત્રણ ને ત્રીસે’, ‘દુર્ગા’, ‘નટીશૂન્યમ્’, ‘પડઘા’, ‘પારખું’, ‘બારણે ટકોરા’, ‘માણેકચોક’, ‘મુક્તિમંગલ’, ‘લતામંડપ’, ‘વિદાય’, ‘શલ્યા’, ‘શહીદ’, ‘શહીદનું સ્વપ્ન’, ‘સાપના ભારા’, એ વીસ ગ્રંથસ્થ અને એક અગ્રંથસ્થ ‘હવેલી’ મળી કુલ ૨૧ એકાંકીઓનો સમાવેશ કર્યો છે. એમણે ઉમાશંકરે અનૂદિત કરેલા ભવભૂતિકૃત ‘ઉત્તરરામચરિત’ને અહીં લીધું છે. ને કાલિદાસકૃત ‘શાકુંતલ’ને લીધું નથી. ઉમાશંકરની અહીં રજૂ થયેલ અભિનેય કૃતિઓની રંગસૂચિમાં ધીરુભાઈ ઠાકર ‘માણેકચોક’, ‘મુક્તિમંગલ’ અને ‘શહીદ’ – આ ત્રણનો વિશેષ ભાવે રેડિયો-રૂપકોની સૂચિમાં સમાવેશ કરે છે. તેઓ ઉમાશંકરનાં અભિનેય નાટકોની ઉપર આપેલી યાદીમાંથી ‘ઊડણ ચરકલડી’થી ‘હવેલી’ સુધીનાં એકવીસ એકાંકી નાટકોમાંથી ‘મુક્તિમંગલ’, ‘વિદાય’ અને ‘શહીદનું સ્વપ્ન’ – એ ત્રણ એકાંકીઓને રાજપ્રકરણી એકાંકીઓના વર્ગમાં; ‘લતામંડપ’ને સાહિત્ય-કલા-વિષયક એકાંકીઓના વર્ગમાં અને બાકીનાં સત્તર એકાંકીઓને સામાજિક એકાંકીઓના વર્ગમાં સમાવે છે. જે એકાંકીઓ રાજપ્રકરણી વર્ગમાં ગણાવ્યાં છે તેમાં પણ સામાજિક સંદર્ભ તો સ્વાભાવિક રીતે છે જ; એ એકાંકીઓને વિશાળ અર્થમાં ‘સામાજિક એકાંકીઓ’ પણ ગણાવી શકાય. વધુ મહત્ત્વની વાત તો ઉમાશંકરે ગદ્યમાં જે (મૌલિક) નાટકો આપ્યાં તે બધાં સામાજિક નાટકો છે. એમનું અગ્રંથસ્થS (S હવે ગ્રંથસ્થ) ત્રિઅંકી નાટક ‘અનાથ’ પણ આ સંદર્ભે યાદ કરી શકાય. ધીરુભાઈએ અગ્રંથસ્થ ‘હવેલી’T નાટકનો એમની રંગસૂચિમાં સમાવેશ કર્યો તો નબળું છતાં એમનું તો કેવળ એક જ જે લાંબું ત્રિઅંકી નાટક ‘અનાથ’ તે પણ એમાં ઉમેરી શકાત. વળી એમનાં બધાં જ ગદ્ય-નાટકો ઉત્પાદ્ય વસ્તુવાળાં છે, એક અપવાદ છે ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ એ (સંસ્કૃતિ, માર્ચ ૧૯૫૫, પૃ. ૮૯–૯૫) એકાંકીનો – જેના વસ્તુને ખ્યાત કહી શકાય. વળી આ એમનું છેલ્લું એકાંકી (લખ્યાતિથિ : ધનતેરશ, વિ. સંવત : ૨૦૧૦) ચરિત્રાત્મક છે તે પણ નોંધવું ઘટે. ઉમાશંકરે ‘પ્રાચીના’, ‘મહાપ્રસ્થાન’માં સંસ્કૃત મહાકાવ્યો-પુરાણો ઇત્યાદિ પર આધારિત ખ્યાત વસ્તુને અનુલક્ષતા નાટ્યલક્ષી પદ્યસંવાદો આપ્યા; પરંતુ ગદ્યમાં તેઓ અતીતને બદલે વર્તમાન સમયના ને તેમાંય અર્વાચીન-આધુનિક સંદર્ભમાંથી જ મોટા ભાગે જે તે વસ્તુ ઉપાડીને ચાલ્યા છે. ‘મંથરા’નો સર્જક ‘સાપના ભારા’નો અથવા ‘સાપના ભારા’નો સર્જક ‘કુબ્જા’, ‘મંથરા’ જેવી કૃતિઓનો સર્જક છે એમ જ્યારે જોવા જઈએ છીએ ત્યારે એમની સર્જકતાનું સંકુલ પોત હોવાની આપણને સહેજેય પ્રતીતિ થાય છે. [3] સંસ્કૃત મહાકાવ્યોના કલામૃતનું પાન કરનાર ‘અભિજ્ઞાન-શાકુંતલમ્’ અને ‘ઉત્તરરામચરિતમ્’ જેવાં સંસ્કૃત ને ‘ઇફિજિનિયા ઇન ટૉરિસ’ જેવાં ગ્રીક નાટકો (ગ્રીક નાટકનો ભલે આંશિક)નું અનુવાદ દ્વારા શક્ય તેવું-તેટલું અનુસર્જન કરનાર ઉમાશંકર જ્યારે વર્તમાન રંગભૂમિને કામ આવે તેવાં મૌલિક નાટકો આપે છે ત્યારે – એ ઘટના સહેજેય રસપ્રદ બની રહે છે. જેમ કવિતાના તેમ નાટકના શબ્દને પણ એમણે ઠીક ઠીક એકાગ્રતાથી સેવ્યો છે, તેથી બોલાતા શબ્દની રસ-માધુરી ને રહસ્યમાધુરી ઝીલવા-પામવા ભૂતકાળમાં તેમ વર્તમાનમાં એમણે એમનો કાન એકાગ્રપણે માંડ્યો જણાય છે. બોલાતા શબ્દના કેવા કેવા સ્તરો એમની જાણ-પહેચાનમાં છે તે આ બધાં એકાંકીઓની ભાષા સહેજેય બતાવી આપે છે. ધીરુભાઈએ જે અભિનેય એકાંકીઓની સૂચિ આપી છે તેમાં એમણે ‘વિરાટ જનતા’ અને ‘શા માટે ?’ એ બે કૃતિઓ (એક ‘સાપના ભારા’માંથી ને બીજી એક ‘શહીદ’માંથી) સમાવી નથી એ સૂચક છે. એમની દૃષ્ટિએ અભિનેય નહિ એવાં એકાંકીઓ પણ ઉમાશંકરથી અપાયાં છે એમ જ સમજવું રહ્યું.

આપણે ત્યાં રંગભૂમિએ સાહિત્યદૃષ્ટિએ ઉત્તમ યા વિલક્ષણ નાટકોને ભજવી બતાવવામાં જે સાહસિકતા દાખવવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં દાખવી નથી એ દુ:ખદ બીના છે +. અનેક નાટકો – જેની સાહિત્યજગતમાં બોલબાલા છે તે નાટકો રંગભૂમિ પર અવારનવાર પ્રગટ થઈ શકે એવું બનતું નથી. ઉમાશંકરનાં ‘સાપના ભારા’નાં એકાંકીઓની તખ્તાલાયકી પણ કેટલીક રીતે અનુમાન-કલ્પનાનો વિષય બનીને રહે છે. આ ‘સાપના ભારા’નાં એકાંકીઓ આપતાં એના જુવાન એકાંકીકારે જે પ્રસ્તાવના આપી છે તે મુખ્ય ત્રણ બાબતો પર પ્રકાશ ફેંકે છે : ૧. નાટ્યપ્રયોગની સંવાદ-ભાષા પર આ એકાંકીકારની નજર બરોબર ઠરી છે.અનેક નાટકો – જેની સાહિત્યજગતમાં બોલબાલા છે તે નાટકો રંગભૂમિ પર અવારનવાર પ્રગટ થઈ શકે એવું બનતું નથી. ઉમાશંકરનાં ‘સાપના ભારા’નાં એકાંકીઓની તખ્તાલાયકી પણ કેટલીક રીતે અનુમાન-કલ્પનાનો વિષય બનીને રહે છે. આ ‘સાપના ભારા’નાં એકાંકીઓ આપતાં એના જુવાન એકાંકીકારે જે પ્રસ્તાવના આપી છે તે મુખ્ય ત્રણ બાબતો પર પ્રકાશ ફેંકે છે : ૧. નાટ્યપ્રયોગની સંવાદ-ભાષા પર આ એકાંકીકારની નજર બરોબર ઠરી છે.S ૨. નાટ્યદૃષ્ટિએ રંગભૂમિનો-ભજવણીનો પ્રશ્ન આ એકાંકીકારને જરૂરી – મહત્ત્વનો જણાયો છે.X ૩. એકાંકીકાર નાટ્ય દ્વારા રજૂ થતા જીવનદર્શન વિશે સભાન છે.++ સમર્થ નાટ્યકાર પાસે આ ત્રણેય વાનાં જોઈએ. ઉમાશંકર પૂરતી નાટ્ય-અભિજ્ઞતા સાથે એકાંકી-ક્ષેત્રે પ્રવેશે છે. ‘શહીદનું સ્વપ્ન’ (૨૯મી મે – ૧ જૂન) – એ કેટલીક રીતે નબળું એવું એમનું પ્રથમ એકાંકી, પણ તે પછી અગિયાર દિવસમાં ‘સાપના ભારા’ જેવું સફળ એકાંકી આપી શક્યા તે હકીકત આપણા નિરીક્ષણને પુષ્ટિ આપે છે. ઉમાશંકરને એકાંકીમાં પાત્રનિરૂપણ, ઘટનાગુંફન, સંવાદરીતિ – આ બધી બાબતોની સારી ખબર છે. ‘શહીદ’માં આરંભે મૂકેલ સત્તાવીશ પાનાંનો ‘એકાંકી’ લેખ એ હકીકતની ગવાહીરૂપ છે. તેમણે આજ દિન સુધીમાં પ્રસિદ્ધ કરેલ ૨૪. એકાંકીઓ (જેમાંનાં બે અગ્રંસ્થ)માં ‘કડલાં’, ‘ઢેડના ઢેડ ભંગી’, ‘શહીદ’ અને ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ – એ ચાર સિવાય બાકીના બધાં જ એકાંકીઓ (એક અંકવાળાં તો હોય જ) એક દૃશ્ય ધરાવે છે. કુલ સંખ્યાના લગભગ ૨/૩ ભાગનાં એકાંકીઓમાં દસથી ઓછાં પાત્રો છે. એ પાત્રસંખ્યા બેથી આરંભી, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ – એમ જોવા મળે છે. ‘ગાજરની પિપૂડી’ જેવું કેવળ (૬) પુરુષપાત્રવાળું, અથવા ‘શલ્યા’ જેવું કેવળ (ગણનાપાત્ર ૯) સ્ત્રીપાત્રવાળું નાટક પણ મળે છે. ‘વિરાટ જનતા’માં અન્ય નાટકોમાં જે સૂચિત પાત્રો તે એકઠાં કરી એમાંથી નાટ્ય નિષ્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. આ સૂચિત પાત્રો બધાં જ પુરુષપાત્રો છે. મેના, ગોદાવરી જેવાં સ્ત્રીપાત્રો અહીં લેવાયાં નથી એ ઘટના ધ્યાનાર્હ છે. ઉમાશંકરે ‘મુક્તિમંગલ’ જેવા ‘એકાંકી’માં પાંત્રીસ ઉપરાંત પાત્રો પણ ખડક્યાં છે. ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ જેવા એકાંકીમાં પાંચ દૃશ્યો પણ આપ્યાં છે. આમ ‘એકાંકી’માં કોઈ ચુસ્ત માળખાને વળગી રહીને તેઓ ચાલ્યા નથી. બીજી રીતે કહેવું હોય તો ઉમાશંકર એકાંકીના સ્વરૂપને હંમેશાં ચુસ્ત રીતે વળગી રહ્યાં હોય એમ લાગતું નથી ! એક સાચા એકાંકીસર્જકની રીતે એમણે માનવમનના નિગૂઢ રહસ્યની ત્વરિત-એકાગ્ર-ઊંડી છાપ ભાવક-પ્રેક્ષકના ચિત્તમાં કેમ ઊઠે તેની સતત ખેવના કરી છે. તેથી એમનાં એકાંકીઓમાં રસ-રહસ્યની સાચી દીપ્તિ સારા પ્રમાણમાં અનુભવવા મળે છે.

____________________________

(+ જોકે ધીરુભાઈ ઠાકર ‘ઊડણ ચરકલડી’, ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘દુર્ગા’ અને ‘ગાજરની પિપૂડી’ જેવાં નાટકો અવેતનિક મંડળો દ્વારા વારંવાર ભજવાયાનો નિર્દેશ કરે છે ખરા. – પ્રતિભાવ, 1972, પૃ. 13.)

S ઉમાશંકર લખે છે : “નાટકો સંભળાવતાં, લોકજીવનમાં રસ લેનારાઓને સદ્ભાવ મળ્યો એટલે લખવાની પ્રવૃત્તિ ચાલી રહી. સાંભળવામાં લોકબોલી કોઈને મુશ્કેલીભરેલી લાગતી ન હતી. છતાં છાપવા આપતાં પહેલાં એને જરી મઠારીને ગુજરાતી ભાષાને લગભગ મળતી બોલીમાં એનું જાણે કે ભાષાંતર જ કર્યું છે.”

X “લખાણોનું બાહ્ય રૂપ કલારૂપ નાટકનું છે. પણ તેની તખ્તાલાયકી અત્યારની આપણી રંગભૂમિની દૃષ્ટિએ કેટલી, એ તો તદ્વિદો જાણે.” – ઉમાશંકર

++ “આ નાટકોની સૃષ્ટિ જોઈને લખનારને કોઈ દોષદેખો અનિષ્ટચિંતક (સીનીક) ન ગણે એમ વિનંતી કરું છું. જિંદગી સૌને જૂજવા રૂપે જોવા મળે છે. એને જેવી જોવા મળી તેવી તેણે પૂરતી સહાનુભૂતિ રાખીને રજૂ કરી છે. બાકી જગતમાં બધું જ સુંદર હોય, બધું જ નિર્દોષ હોય, બધું નિર્દંશ હોય તો તો ઘણું સારું. છતાં જેમ છે તેમ પણ નિરાશાપ્રેરક તો નથી જ. કોઈ વાર ફૂલો જોઉં છું ત્યારે સહજ મનમાં થાય છે, ‘ફૂલો પણ છે !’ – ઉમાશંકર (‘સાપના ભારા’ની પ્રસ્તાવના)

  1. પહેલી આવૃત્તિનું નિવેદન; સાપના ભારા, પૃ. ૧૮.
  2. જુઓ ધનસુખલાલ મહેતાકૃત ‘ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ’, ૧૯૫૬, પૃ. ૬૩, ૬૮, ૬૯.
  3. નિરંજન ભગતે ‘સાપના ભારા’ની સૃષ્ટિને ‘પ્રાચીના’ની સૃષ્ટિની પડછે જોઈ છે ને તે અંગે કેટલાંક રસપ્રદ નિરીક્ષણો કર્યાં છે; જેમ કે, ‘સાપના ભારા’ની સૃષ્ટિ ઉમાશંકરના અનુભવની સૃષ્ટિ છે, જ્યારે ‘પ્રાચીના’ની સૃષ્ટિ એમની ભાવનાની સૃષ્ટિ છે. (કવિનો શબ્દ, પૃ. ૯૫) જોકે ભાવના એક અર્થમાં કવિએ અનુભવેલી તો હોવી જોઈએ જ તે આપણે ઉમેરવું પડે.