ઋણાનુબંધ/થાય છે…

થાય છે…


આજે
પૂનમની રૂપલી રાતે
ઘૂઘવતા સાગરને પેલે કિનારે
વાંઝિયાં રણોની સૂકાશ આંખોમાં ભરીને બેઠી છે તું—
થાય છે
તારી આંખોમાં ચાંદની આંજી દઉં તો?

ઝરમરતા વરસાદની શ્રાવણિયા સાંજે
પેલા પરિચિત તળાવની પાળે
દિવસોના કાંકરા ફેંકતી
ઊઠતી લહેરોને ગણતી બેઠી છે તું—
થાય છે
કાંકરો ફેંકવા ઊંચકાયેલો હાથ
મારી આંગળીઓથી જકડી લઉં તો?

અસંખ્ય વાસંતી ફૂલો અને
પતંગિયાંનાં ટોળાં વચ્ચે
અગણિત પ્રશ્નોની વણજાર લઈ
લીલી જાજમ ખોતરતી
એકાકી બેઠી છે તું—
થાય છે…