ઋણાનુબંધ/વાતચીત

વાતચીત


મધરાત વીતી ગઈ છે.
બ્રાહ્મમુહૂર્તને હજી વાર છે.
હમણાં હમણાં આ સમયે
મન જાગી જઈ
વિચારોની ભુલભુલામણીમાં ગૂંચવાઈ
ભયભીત બની
પથારીમાં ટૂંટિયું વાળી પડેલા શરીરની
બહાર નીકળી જવા ઝંખે છે.
ગઈ કાલ અને આજની વચ્ચે વહેરાતું મૌન
આંખોની અંસુવન ધારા બની
(માત્ર માથાને મળેલા ટેકાવાળા)
ઓશીકાના પોચા પોચા રૂમાં ગરકાવ થઈ જાય છે.
દૂર દૂરથી
એક વૃક્ષને સ્પર્શી
હવાનો માદક ઝોકો આવે છે
પણ
ઘેરી વળેલા ભયને કારણે
એનો એવો તો આંચકો લાગે છે
જાણે
તાજા જ ઊગેલા તૃણ ઉપર
કોઈ લોખંડી બૂટ પહેરીને ચાલ્યું હોય
અને કુમળી કાયા મસળાઈ ગઈ હોય.
હું
પથારીમાં સફાળી બેઠી થઈ જાઉં છું.
બાએ
પ્રેમથી આપેલી
નજર સામેના ટેબલ પર વ્યવસ્થિત ગોઠવેલી
શ્રીનાથજીની છબીને
અજાણપણે
બે હથેલી ભેગી કરી
માથું નમાવી વંદન થઈ જાય છે.
બા,
તમે તો શ્રીજીને ચરણે સિધાવ્યાં છો.
મારાથી કેટકેટલાં દૂર છો
છતાંય
માત્ર મારા નિર્જન અસ્તિત્વથી ભરાયેલા
આ ખાલીખમ ઓરડામાં
તમે તમારી સમસ્ત યાદથી વ્યાપી જઈ
એને ભર્યોભર્યો કરી દો છો.

બા,
તમે કશું જ કહી શકો એમ નથી
મૌન રહી કશું જ જોઈ શકો એમ નથી.
વાંસે માથે
તમારો હૂંફભર્યો હાથ ફેરવી શકો એમ નથી.
છતાંય
(ખબર નથી કેમ)
તમને જ કહેવા મન લલચાય છે
કે
શ્રીનાથજીની આ જ છબી સામે
આ જ પથારીમાં
આ જ રીતે
આવે જ કસમયે

હું કેટલીય વાર બેઠી છું
અને બેઠાં બેઠાં
અનુભવી છે
વરસતા વરસાદમાં
નિર્જન બગીચામાં પડેલા
ભીના પણ સૂના બાંકડાની વ્યથા.
બા,
તમારા ઉદરમાં
તમે હોંશથી સાંભળેલો મારો અવાજ
આજે
વાણીવિહોણો થઈ પડઘાય છે
બા,
તમને ખબર છે?
આજે આ એક એવી ક્ષણ છે
જ્યારે આ જાગૃતિ
બે પોપચાં વચ્ચે ઊભી છે
ખરતી સિમેન્ટની દીવાલ થઈ…!