ઋતુગીતો/મેહ–ઊજળીની બારમાસી


મેહ–ઊજળીની બારમાસી

[મેહ જેઠવો ઘૂમલી નગરનો રાજકુમાર હતો અને ઊજળી પાંચાળના ઠાંગા ડુંગરની નિવાસી ચારણ-કન્યા હતી. ઊજળીના પિતાના નેસ એક ચોમાસે બરડા ડુંગર પર પડ્યા હતા. તે વખતે એભલ વાળાની માફક મેહ જેઠવો પણ અતિવૃષ્ટિમાં પલળીને ચેતન વિનાનો ઊજળીને નેસડે નખાયો હતો. ત્યાં એની શરદી ઉડાડવાના બીજા ઉપાયો નિષ્ફળ જવાથી કુમારિકા ઊજળીએ મેહના દેહને ગોદમાં સુવાડી ગરમી આપી હતી. પછી બન્ને વચ્ચે પ્રીતિ બંધાઈ પણ છેવટે મેહ જેઠવાને એનાં માબાપે ચારણની દીકરી સાથે પરણવાની ના પાડી. મેહ જેઠવાએ ઊજળીનું જીવતર ધૂળ મેળવ્યું. ઊજળી આજીજીને સ્વરે આવા વિરહ-દુહા ગાતી રહી. આ બારમાસીમાં મેહ જેઠવાને ઊજળીએ મે (વરસાદ)નું રૂપક આપ્યું છે. મેહ-ઊજળીની દુહાજડિત સંપૂર્ણ કથા. ‘સોરઠી ગીતકથાઓ’માં જોવા મળશે.]

કારતક મહિના માંય સૌને શિયાળો સાંભરે, ટાઢડિયું તન માંય, ઓઢણ દે, આભપરા ધણી!

[કાર્તિક મહિનામાં સહુને શિયાળો સાંભરે છે. તનમાં ટાઢ વાય છે. માટે હે આભપરાના સ્વામી મેહ જેઠવા! તું મને તારું (સ્નેહરૂપી) ઓઢણ આપ!]

માગશરમાં માનવ તણા સહુના એક જ શ્વાસ, (ઈ) વાતુંનો વિશવાસ, જાણ્યું કરશે જેઠવો.

[માગશર માસમાં તો સહુ માનવીના એકશ્વાસ થઈ જાય છે. (પ્રિયજનો જુદાં રહી શકતાં નથી.) મેં તો માનેલું કે એ વાતનો વિશ્વાસ કરીને મેહ જેઠવો પણ મારી પાસે આવશે.]

પોષ મહિનાની પ્રીત, જાણ્યું કરશે જેઠવો; રાણા! રાખો રીત, બોલ દઈ બરડા-ધણી!

[મેં તો જાણેલું કે છેવટે પોષ મહિનામાં તો જેઠવા-પુત્ર પ્રીતિ કરશે. હે બરડા ડુંગરના રાજા! કોલ દીધા પછી હવે તો સજ્જન બનો.]

માહ મહિના માંય ઢોલ ત્રંબાળુ ધ્રૂશકે; લગ્ન ચોખાં લૈ આવ! વધાવું વેણુના ધણી!

[માહ મહિનામાં વિવાહની ઋતુ હોવાથી ઢોલનગારાં વાગે છે. માટે હે વેણુ ડુંગરના ધણી મેહ! તું ય જો શુભ તિથિની લગ્નકંકોત્રી મોકલ તો હું વધાવી લઉં.]

ફાગણ મહિને ફૂલ, કેશૂડાં કોળ્યાં ઘણાં; (એનાં) મોંઘાં કરજો મૂલ, આવીને આભપરા-ધણી!

[ફાગણ મહિને કેશૂડાં વગેરેનાં ઘણાં ફૂલો ખીલ્યાં છે. પરંતુ હે આભપરાના રાજા! તમે આવીને એ ફૂલોનાં મૂલ મોંઘાં કરો. (અત્યારે તો એ મારે મન નકામાં છે.)]

ચૈતરમાં ચત માંય કોળામણ વળે કારમી (એની) ઊલટ ઘણી અંગ માંય, આવો આભપરા-ધણી!

[ચૈત્ર માસમાં બહારની વનસ્પતિની માફક મારા ચિત્તની અંદર પણ નવી ઊર્મિઓની વસમી કૂંપળો ફૂટે છે. એ ઋતુનો ઉલ્લાસ મારા અંગમાં ઊભરાય છે. માટે હે આભપરાના ધણી! તમે આવો.]

વૈશાખે વનમાંય, આંબે સાખું ઊતરે, તમ વ્હોણી કરમાય, વિજોગે વેણુના ધણી! જેઠ વસમ્મો જાય, ધર સૂકી ધોરી તણી; પૂંછલ પોરા ખાય જીવન વિનાનાં જેઠવા!

[જેઠ મહિનો એટલો સમો જાય છે કે બળદનાં કાંધ સુકાઈ ગયાં. નિશ્ચેતન થઈ ગયેલાં, જીવન વિનાનાં એ પશુઓ વિસામો ખાતાં ખાતાં હળ ખેંચે છે.]

અષાઢ કોરાડો ઊતર્યો, મૈયણ પતળ્યો મે, દલને ટાઢક દે! જીવ નાંભે રે’ જેઠવા!

[અષાઢ પણ કોરો જ પૂરો થયો. મે (વરસાદ અથવા મેહ જેઠવો) તો ઠગારો નીવડ્યો. હે જેઠવા! થોડોક વરસીને પણ મારા દિલને ઠંડક દે, તો જીવ નાભિની અંદર ટકી રહે.]

શ્રાવણ મહિનો સાબદો જેમ તેમ કાઢ્યો જે, તમ વણ મરશું મે! ભેળાં રાખો ભાણના.

[શ્રાવણ મહિનો પણ વૃષ્ટિ વિના માંડ માંડ કાઢ્યો. હવે તો તમારા વિના અમે મરી જશું. હે ભાણ જેઠવાના પુત્ર! મને તમારી સાથે રાખો!]

હાથી પૂછલ્યો હોય, (એને) કેમ કરી ઉઠાડીએ! જેઠવા વિચાર જોય! ભાદરવો જાય ભાણના!

[આ તો ભાદરવો પણ કોરો જાય છે. હે જેઠવા! બીજાં નાનાં પશુ પૂછલ્યાં (ચેતનહીન) હોય તેને તો હરકોઈ ઉપાયે ઉઠાડીએ પણ હાથી જેવું મોટું પશુ પણ જ્યારે આવી અનાવૃષ્ટિને પરિણામે ડૂકી જાય છે, ત્યારે એને કેમ કરીને બેઠું કરવું? ધ્વનિ એ છે કે પૂછલેલ હાથી જેવી લાચાર ગતિ મારા પ્રેમની બની ગઈ છે.]

આસો મહિનાની અમે, રાણા! લાલચ રાખીએં, ત્રોડિયું સર્યું તમે, જીવ્યું નો જાય જાય, જેઠવા!

[હે મેહ! હજુ આસો માસમાં પણ અમે તારી આશા રાખેલી છે. પણ તમે એ સરવાણીઓ (સ્નેહ-જળની) તોડી નાખી. હવે મારાથી જિવાશે નહિ.]