એકતારો/કોઈ પૂછે કે—


કોઈ પૂછે કે—


પૂછે કોઈ શિશુ જો તમને,
નરક નામનું સ્થલ ક્યાં?
પૂછે પુત્ર પિતાને, શિષ્ય
ગુરુને, રૌરવ—દુ:ખ શાં?
ઉત્તર વિના અટકશો ના!
‘'રાષ્ટ્રના ઈર્ષ્યાળુ દિલમાં.' ૧.

દેશજનોની વિજય–વાટ પર
પત્થર થઈ પડવાનું,
જન–જાગૃતિનાં દરશન કરી કરી
એકલ ઉર જલવાનું,
ના પ્રભુ! એથી ભલું જાણું
રક્તપિત રગ રગ સહવાનું. ૨.