એકતારો/ખમા! ખમા! લખવાર, એવા આગેવાનને

Revision as of 13:16, 27 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ખમા! ખમા! લખવાર, એવા આગેવાનને


બીજાને બકરાં કરી, આપ બને ગોવાળ,
બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર;
લ્યાનત હજો હજાર,
એવા આગેવાનને. ૧.

બીજાંને બથમાં લઈ, થાપા થાબડનાર,
પોતાનાં વડિયાં કરે કદમે રમતાં બાળ;

ખમા ખમા લખ વાર
એવા આગેવાનને. ૨.

સિંહણ–બાળ ભૂલી ગયાં, ખુદ જનનીની કૂખ,
આતમ–ભાનની આરસી, ધરી એની સનમુખ,
મુગતિ કેરી ભૂખ,
જગવણહાર ઘણું જીવો! ૩.

પા પા પગ જે માંડતાં, તેને પહાડ ચડાવ
તસુ તસુ શીખવનારના ઝાઝેરા જશ ગાવ;

  • ગાંધીજીના ઓગણોતેરમા જન્મદિન નિમિત્તે.


રાતા રંગ ચડાવ,
એવા આગેવાનને. ૪.

'બમણા વધજો બેટડા! (અને) શિષ્ય સવાયા થાય!'
એ તો કેહેણી રહ ગઈ, રહેણી કિહાં કળાય?
પ્યાલા ભર ભર પાય
(એવો) મૂર્શદ તો એક જ દીઠો. ૫.

પગલે પગલે પારખાં, દમ દમ અણઈતબાર,
શાપો, ગાળો, અપજશો ભરિયાં પોંખણ–થાળ;
કૂડાં કાળાં આાળ,
ખમનારા! ઝાઝી ખમા. ૬.

બાબા! જીત અજીત સબ, તેં ધરિયાં ધણી–દ્વાર,
મરકલડે મુખ રંગિયાં, દિલ રંગ્યાં રુધિરાળ;
રુદિયે ભરી વરાળ,
હસનારા ઝાઝી ખમા! ૭.

પૈસે પૈસે ફૂટ–પટી, વાદોની વેચાય,
એ ગજ–પટીએ મુલકના હિમગિરિરાજ મપાય;
દિનડા એ પણ જાય!
જીરવણહાર જીવો ઘણું! ૮.