એકતારો/જન્મભોમના અનુતાપ

From Ekatra Wiki
Revision as of 12:37, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search


જન્મભોમના અનુતાપ


ભજનનો ઢાળ


જી રે બાપુ! તમને કરાવી પારણિયાં,
હું થઈ ઉપવાસણી રે જી.
જી રે બાપુ! ગોઝારાં અમારાં આંગણિયાં,
હું’ દેખ્ય ઠરી ડાકણી હો જી. ૧.

જી રે બાપુ! નગરી મુને તેં તો માનેલી,
મેં સંઘર્યા'તા ઓરતા રે જી.
જી રે બાપુ! જાતને જ નહિ મેં તો જાણેલી,
ધોખા એ હૈયે ધીખતા હો જી. ૨.

જી રે બાપુ! મેંણલાં દૈ દૈને બૌ બાળેલો,
તું વણતેડ્યો આવિયો રે જી,
જી રે બાપુ પગલે ને પગલે પરજાળેલો,
જાકારો સામો કા'વિયો હો જી. ૩.

  • રાજકોટ–અનશનના પારણા નિમિત્ત : તા. ૭-૩-૩૯


જી રે બાપુ! હીરલાના પરખુ હોંશીલા,
હસતો ને રમતો ઊતર્યો રે જી;
જી રે બાપુ! કોયલાનાં આંહીં તો દલાલાં,
ભરોસે તું ભૂલો પડ્યો હો જી. ૪

જી રે બાપુ! ચુમિયું ભરીને ચાટી લીધાં,
લોહીઆળાં જેનાં મોઢડાં રે જી,
જી રે બાપુ! દૂધ પી કરીને ડંખ દીધા,
વશિયલ એ ભોરીંગડા હો જી. ૫.

જી રે બાપુ! તમે રે સંભારી જ્યાં સમાધ,
ખાંપણ ત્યાં તો સાબદાં રે જી;
જી રે બાપુ! તમે કીધા અલખના આરાધ,
પડઘા મેં દીધા પાપના હો જી. ૬.

જી રે બાપુ! મેંણલાની દિજે બાપ માફી
હું પાપણી ખોળા પાથરૂં રે જી;
જી રે બાપુ! જતિ ને સતીનાં સત માપી,
પાને પાને પરજળું હો જી. ૭.