એકતારો/તકદીરને ત્રોફનારી

Revision as of 12:48, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તકદીરને ત્રોફનારી|}} <center>'''[બાઈ! મેં તો પકડી આંબલિયાની ડાળ ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


તકદીરને ત્રોફનારી


[બાઈ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે જંગલ બીચ હું ખડી રે જી—એ ભજનઢાળ]


બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે
ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી;
છૂંદાવો આછાં છૂંદણાં હો જી.

બાઈ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,
ત્રોફાવો નીલાં ત્રાજવાં હોજી!
છૂંદાવો ઘાટાં છૂંદણાં હોજી!

નાની એવી કુરડી ને,
માંહી ઘોળ્યા દરિયા;
બાઈ! એણે કમખામાં સોય તો સંતાડી રે,
પાલવ ઊંચા નો કર્યા હો જી.—બાઈ એક૦ ૧.

આાભને ઉરેથી એણે
આઘી કરી ઓઢણી,
બાઈ! એણે નવ લાખ ટીબકી બતાડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૨.

રામને રુદેથી એણે
કોરે કરી પાંભરી,
બાઈ! એણે કીરતીની વેલડિયું ઝંઝેડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૩.

ભર રે નીંદરમાં
સૂતેલા ભરથરી,
બાઈ! એના લલાટેથી લટડી ખસેડી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૪.

પીઠ તો ઉઘાડી એણે
જોગી ગોપીચંદની,
બાઈ! એની જનેતાને આંસુડે ઝરડેલી રે
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી.—બાઈ એક૦ ૫.

મનડાં મોહાણાં મારાં,
દલડાં લોભાણાં ને,
બાઈ! મેં તો કાયાને કીધલ ત્યાં ઉઘાડી રે
લાડુડા એણે મૂકિયા હો જી.—બાઈ એક૦ ૬

સુરતા રહી નૈ મારી,
સૂતી હું તો લે'રમાં;
બાઈ! એણે સોયુંની ઝપટ જે બોલાવી રે
ઘંટીના પડ જ્યું ટાંકિયાં હો જી.—બાઈ એક૦ ૭.

ગાલે ટાંક્યાં ગલકૂલ,
કાંડે ટાંકી કાંકણી,
બાઈ! મારી ભમર વચાળે ટીલ તાણી રે
ત્રોફ્યાં ને ભેળાં ફૂંકિયાં હો જી.—બાઈ એક૦ ૮.

કલેજા વચાળે એણે
કોર્યો એક મોરલો,
બાઈ! મેં તો અધૂરો ત્રોફાવી દોટ મારી રે
કાળજડાં કોરાં રિયાં હો જી.—બાઈ એક૦ ૯.

ડેરે ને તંબુડે ગોતું,
ગોતું વાસે ઝૂંપડે;
બાઈ! મારાં તકદીરની ત્રોફનારી રે
એટલામાં ચાલી ગઈ કિયાં હો જી.—બાઈ એક૦ ૧૦.