એકતારો/પુત્રની વાટ જોતી


પુત્રની વાટ જોતી


રઝળુ દીકરા! ઘેર આવજે,
નહિ વઢું તને, નાસી ના જજે. ૧.

વિષમ રાતને દેવ–દીવડે
ભજતી માતને દીન–ઝૂંપડે,
પથભૂલ્યા શિશુ! આવી પોં'ચજે
પથ બીજે ચડી ક્યાંય ના જજે. ૨.

પ્રહરી હે ભલા! પાય લાગુ હું,
ગભરૂડી થઈ તાત! વીનવું
રઝળુ દીકરો ક્યાંય જો મળે,
પથ બતાવજે, ઘર ભણી વળે. ૩.