એકતારો/પ્રથમ પ્રસિદ્ધિ

Revision as of 13:18, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રથમ પ્રસિદ્ધિ|}} {{Poem2Open}} આમાંનાં ઘણાંખરાં ૧૯૩૬ થી ૧૯૪૦ સુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રથમ પ્રસિદ્ધિ


આમાંનાં ઘણાંખરાં ૧૯૩૬ થી ૧૯૪૦ સુધીના ‘ફૂલછાબ’માં પ્રસિદ્ધ થયાં હતાં. તે સિવાય ‘શબ્દોના સોદાગરને’ ૧૯૩૬ ના 'શરદ' વાર્ષિકમાં, ‘કાંતનારાં’ જન્મભૂમિના ૧૯૩૪ ના દીપોત્સવીઅંકમાં, ‘શૉફરની દિવાળી' 'નૂતન યુગના જોગંદર જગદીશને' 'સાહિત્યની બારમાસી’ ‘અનાદર પામેલી લેખિનીને પત્ર” અને 'જુદાઈના જંગલમાંથી’ એટલાં ‘જન્મભૂમિ’ માં પ્રકટ થયેલાં. 'વર્ષા' ૧૯૩૫માં ‘બે ઘડી મોજ’માં છપાયું હતું.

'વીર જતીન્દ્ર' 'યજ્ઞધૂપ’ અને 'મોતનાં કંકુઘોળણ' વર્ષો પર એક નાના સંગ્રહમાં મૂકેલાં, પણ એવા ત્રણેક નાના સંગ્રહો વિખેરી નાખીને એનાં આ બે સિવાયનાં બધાં ‘યુગવંદના’માં ઉમેરી દીધેલાં; આ ત્રણ રખડુ મેંઢાં બહાર રહી ગયેલાં એને આજે આ વાડામાં પૂરવામાં આવે છે.

'તકદીરને ત્રોફનારી’, ‘ગરજ કોને' અને 'વધુ ન માગ્યું' એ ત્રણે અપ્રકટ નવલાં છે.


અનુવાદો

અનુવાદો ફક્ત પાંચ છે : 'કાંતનારાં’ ‘ધરણીને દેવ સમાં વરદાન’ ‘અનાદર પામેલ લેખિની’, ‘નૂતન યુગના જોગંદર જગદીશને’ અને 'ગરીબોદ્ધારની ચાલાકીઓ’. આની અસલ કૃતિઓ આજે હાથવગી હોત તો સરખામણી સમજવા માટે અહીં શામિલ કરત. એ ન સાચવ્યાની બેદરકારી સાલે છે.


ચિત્રો પરથી સૂઝેલાં

'લોકેશ્વરનો સેતબંધુ’ ફૈઝપુરની પ્રથમ પહેલી ગામડે ભરાયેલી મહાસભાનું સ્મરણ અંકિત કરે છે. કેટલાંક ગીતો ચિત્રો પરથી રચાયાં છે : 'પૃથ્વીનાં સાવકાં બાળ’ એ શ્રી. કનુ દેસાઈના 'ભાઈ બહેન’ પરથી; 'મને વેચશે મા' એક ગરીબના યુરોપી ચિત્ર પરથી : 'દ્યો ઠેલા' એક યુરોપી ચિત્ર પરથી; 'કેમ કરે કાયદે નૈ' એક હાથ કપાયેલા, રાજસ્થાની કારખાનાના મજૂરની છબી પરથી : 'હસતા હિમાદ્રિને' હિમાલયના નંગા શિખર પર પરદેશીઓના આરોહણ પરથી : 'હજુ કેટલાં ક્રંદનો બાકી છે’ એ સ્પેનીશ જાદવાસ્થળીમાં ખપેલા એક પુત્રના શબ ઉપર આક્રંદ કરતી માતાની તસ્વીર પરથી : 'કાળનું વંદન’ સ્વ. તિલક મહારાજની, ચોપાટી પરની પ્રતિમા પરથી : 'ફાટશે અગ્નિથંભો’ એ એક જાતે દેરેલા કાર્ટૂન પરથી ઉતારેલ છે. ‘પુત્રની વાટ જોતી' રાજકોટના સ્વ. ઠાકોર ધર્મેન્દ્રિસિંહજીના એક કાર્ટ્રન પરથી : 'અસહ્ય વાત’ એક ચીનાઈ જનેતાના ચિત્ર પરથી : 'બંદૂકની આડશે’ એક કાર્ટુન પરથી : 'મોરપીંછનાં મૂલ’ આ સંગ્રહમાં મૂકેલા મુખપૃષ્ટના ચિત્ર પરથી : 'ધીમાં ધીમાં લોચન ખોલો’ શ્રી દેવીપ્રસાદ રાયચૌધરીના, મોડર્ન રીવ્યુના જુલાઈ ૧૯૪૦ ના અંકમાં આવેલી શિલ્પકૃતિ 'Shiva The Destroyer' પરથી.

‘દૂબળાની નારી’ જો કે ‘યુગવંદના’માં મૂકેલ 'સાંથાલની નારી'ની અનુકૃતિ છે છતાં એ પણ હરિપુરા મહાસભાનું વિઠ્ઠલનગર બાંધવામાં માટીનો ટોપલો વહેતી એક યુવતીની તસ્વીર પરથી છે.