એકતારો/ભ્રાંતિ

From Ekatra Wiki
Revision as of 10:47, 22 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભ્રાંતિ|}} <poem> વીરા! સત્તાની દેરીઓ ઉખાડી ને દેવ બની કેમ બેઠા?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભ્રાંતિ

વીરા! સત્તાની દેરીઓ ઉખાડી
ને દેવ બની કેમ બેઠા?
વીરા! મુક્તિદેવીની રચી વાડી
ને ફૂલ કર્યા કેમ એઠાં? ૧.

વીરા! શક્તિને એકલી ઉપાસી
ભક્તિનું ભાન કેમ ભૂલ્યા?
વીરા! પરની શ્રદ્ધાને દેવદાસી
પોતાની કરી કેમ ઝૂલ્યા? ૨.

વીરા! એક બીજ વાવી યે ન જાણ્યું,
તો લાખ ઝાડ કેમ બાળ્યાં?
વીરા! એક બુન્દ નીર ના ઉતાર્યું,
જૂનાં નવાણ કેમ ટાળ્યાં? ૩.

વીરા! કાલકૂટ કંઠમાં ભભૂકે,
શંભુ ને સાપ દોય દેખો!
વીરા! એક જીરવે ને અન્ય ઑકે
પ્રભેદ એ ન કેમ પેખો! ૪.

વીરા! વેગ–ચક્ર પંથડાવિહોણા :
ભ્રાંતિની ખાઈ ખાઈ જાશે,
વીરા! કાચી નીંદર તણાં સોણાં
ઝબકીને પછી ગૂમ થાશે. ૫.