એકતારો/યજ્ઞ—ધૂપ

From Ekatra Wiki
Revision as of 13:19, 27 January 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


યજ્ઞ—ધૂપ*


આઘેરી વનરાઈમાં ઈધન ક્યાં ચેતાય?
કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય?

યજ્ઞનો ધૂપ ધમ! ધમ! દિગન્તે ચડે,
નોતરાં યુદ્ધનાં બારડોલી ઘરે,
દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે,
યજ્ઞનો ધૂપ આકાશ ભર ઊભરે. ૧.

મીઠી સૌરભ ધૂપની દૂર સુદૂર છવાય,
લાખો હૈયાં તુજ પરે હોમાવા હરખાય;

લાખ હૈયાં ધબકતાં તુંને ભેટવા,
તોપ બંદૂક તલવાર પર લેટવા,
આજ તુજ યજ્ઞ–ધૂપે ભભકતી હવા,
પ્રેરતી લાખને યુદ્ધ–ઘેલા થવા. ૨.

લાખ લાખ નયનો રહ્યાં નિરખી અંબર માંય,
તારા યજ્ઞ–ધુંવા તણી યુદ્ધ–નિમંત્રક ઝાંય;

  • બારડોલી સત્યાગ્રહ સમયનું.


નિરખતાં લાખ નયનો ગગન–કાંગર,
ઘૂંધળો ધૂપ ચઢતો જગત–નોતરે,
ભડ થજે, ભય નથી, આજ અમરાપરે
દેવ–કુલ યજ્ઞ તવ નિરખવા ઊતરે. ૩.

રહેજે મક્કમ મરણ લગ, મોત બિચારૂં કોણ!
તું મરતે જીવવું ગમે એવો કાયર કોણ!

તું મરંતે હજારો તનય હિન્દના
વિચરવા એ જ પંથે અમર ધામના
સજ્જ ઊભા, તું નિષ્પાપ છે, ડરીશ ના!
યજ્ઞનો ધૂપ પીધા પછી ફરીશ ના! ૪.