એકોત્તરશતી/૪૬. જન્મકથા

Revision as of 15:53, 29 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જન્મકથા (જન્મકથા)}} {{Poem2Open}} બાળક માને બોલાવીને પૂછે છે: ‘હું ક્યાંથી આવ્યો, તને ક્યાંથી જડ્યો?' આ સાંભળીને મા હસતી રોતી બાળકને પોતાની છાતી સરસો ચાંપીને કહે છે, ' તું ઇચ્છા બનીને મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જન્મકથા (જન્મકથા)

બાળક માને બોલાવીને પૂછે છે: ‘હું ક્યાંથી આવ્યો, તને ક્યાંથી જડ્યો?' આ સાંભળીને મા હસતી રોતી બાળકને પોતાની છાતી સરસો ચાંપીને કહે છે, ' તું ઇચ્છા બનીને મારા મનમાં વસેલો હતો!’ મારી ઢિંગલીઓની રમતમાં તું હતો; પ્રાતઃકાળે શિવજીની પૂજા વખતે તને મેં ભાંગ્યો છે ને ઘડ્યો છે. મારા ઠાકોરજીની સાથે તું પૂજાના સિંહાસન પર હતો, અને ઠાકોરજીની પૂજામાં મેં તારી પૂજા કરી છે. મારી ચિરકાળની આશાઓમાં, મારા સમસ્ત પ્રેમમાં, મારી માના અને મારી દાદીમાના પ્રાણમાં, અમારા આ પુરાણા ઘરમાં, ગૃહદેવીના ખોળામાં તું કેટલો વખત છુપાયેલો હતો તે કોણ જાણે! યૌવનમાં જ્યારે મારું હૃદય પ્રફુલ્લિત બની ગયું હતું, ત્યારે સૌરભની પેઠે એમાં તું મળી ગયો હતો, મારાં તરુણ અંગેઅંગમાં તારાં લાવણ્ય અને કોમળતા વેરીને તું સાથે સાથે જડાઈ ગયેલો હતો. તું બધા દેવતાઓના આદરનું ધન છે, તું નિત્ય પુરાતન છે. તું પ્રાતઃકાળના પ્રકાશનો સમોવડિયો છે. તું જગતના સ્વપ્નમાંથી નૂતન બની મારા હૃદયમાં વિલસીને આનદસ્ત્રોતમાં આવ્યો છે. નિર્નિમેષ નયને હું તને જોઉં છું, પણ તારું આ રહસ્ય હું સમજી શકતી નથી કે તું બધાનો હતો, ને મારો કેવી રીતે થયો! એ દેહ વડે આ દેહને ચૂમીને કીકો બની તેં મધુર હાસ્ય કરી કેવી રીતે જગતમાં દેખા દીધી! રખેને તને ખોઈ બેસું એ બીકે હું તને છાતીએ ભીડી રાખવા ચાહું છું; તું જરીક આઘોપાછો થાય તો હું રડી મરું છું. મારા આ બે ક્ષીણ બાહુઓની અંદર કઈ માયાના ફંદમાં હું વિશ્વના ધનને બાંધી રાખીશ તેની મને ખબર નથી!

(અનુ. રમણલાલ સોની)