એકોત્તરશતી/૭૮. પૂર્ણતા

From Ekatra Wiki
Revision as of 16:37, 29 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પૂર્ણતા (પૂર્ણતા)}} {{Poem2Open}} એક દિવસ સ્તબ્ધ રાતે નિદ્રાહીન આવેગના આન્દોલને તેં ધીમેથી મારી હથેળી ચૂમીને નતશિરે આંસુભરી આંખે મને કહ્યું હતું: ‘તમે જો દૂર ચાલ્યા જાઓ તો નિરવધિ શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પૂર્ણતા (પૂર્ણતા)

એક દિવસ સ્તબ્ધ રાતે નિદ્રાહીન આવેગના આન્દોલને તેં ધીમેથી મારી હથેળી ચૂમીને નતશિરે આંસુભરી આંખે મને કહ્યું હતું: ‘તમે જો દૂર ચાલ્યા જાઓ તો નિરવધિ શૂન્યતાના સીમાશૂન્ય ભારથી મારું સમસ્ત ભુવન રણની જેમ સાવ રુક્ષ થઈ જશે. આકાશવ્યાપી કલાન્તિ ચિત્તમાંથી બધી શાંતિ હરિ લેશે. નિરાનન્દ પ્રકાશહીન સ્તબ્ધ શોક—એ તો મરણથીય અદકું મરણ!'

સાંભળીને તારું મુખ છાતીસરસું લાવીને મેં તારા કાનમાં કહ્યું હતું, તું જો દૂર ચાલી જશે તો તારા સૂરે વેદનાની વિદ્યુત્ ગાને ગાને સદા ઝબકી ઊઠ્યા કરશે; ચિત્ત એના પ્રત્યેક ચમકારાથી ચોંકી ઊઠ્યા કરશે. વિરહ એના તરેહતરેહના ખેલ આખો વખત મારા હૃદયમાં ને આંખોમાં ખેલ્યા કરશે. પ્રિયે, તું દૂર જઈને મારા મર્મનું નિકટતમ દ્વાર શોધી કાઢી શકીશ—ત્યારે મારા ભુવન પર તારો ચરમ અધિકાર પૂરેપૂરો સ્થપાઈ જશે.

બે જણ વચ્ચેની એ છાની વાત સપ્તર્ષિના તારાએ સાંભળી હતી; રજનીગન્ધાના વનમાં ક્ષણે ક્ષણે એ વાણીની ધારા વહી ગઈ. ત્યાર પછી ગુપચુપ મૃત્યુરૂપે વચ્ચે અપાર વિચ્છેદ આવ્યો. દર્શન ને શ્રવણ પૂરાં થયાં, સ્પર્શીહીન એ અનંતમાં વાણી હવે રહી નહિ. તોય આકાશ શૂન્ય નથી, એ ગગન વ્યથામય અગ્નિબાષ્પથી પૂર્ણ છે. હું એકલો એકલો એ અગ્નિથી દીપ્ત ગીતોથી સ્વપ્નોનું ભુવન સરજ્યા કરું છું.

(અનુ. સુરેશ જોશી)