એકોત્તરશતી/૮૩, પ્રશ્ન


પ્રશ્ન


ભગવાન, તેં યુગે યુગે વારે વારે દયાહીન સંસારમાં દૂત મોકલ્યા હતા— તેઓ કહી ગયા, “બધાને ક્ષમા કરો.” કહી ગયા, “પ્રેમ કરો—અંતરમાંથી વિદ્વેષ વિષનો નાશ કરો.” તેઓ પૂજનીય છે, સ્મરણીય છે, તોપણ આજે કપરા કાળમાં બહારને દરવાજેથી એક વ્યર્થ નમસ્કાર કરીને તેમને મેં પાછા કાઢ્યા છે. મેં જોયું છે કે ગુપ્ત હિંસાએ કપટ રાત્રિની છાયામાં નિઃસહાયને માર્યા છે; મેં જોયું છે કે જેનો પ્રતિકાર(સામનો) ન થઈ શકે એવા શક્તિશાળીના અપરાધને લીધે ન્યાયની વાણી નીરવે એકાંતમાં રડે છે; મેં જોયું છે કે તરુણ બાળકો ગાંડા થઈને દોડીને કેવીય વેદનાથી પથ્થર ઉપર વ્યર્થ માથું ફૂટીને મર્યા છે. મારો કંઠ આજે રૂંધાયેલો છે, બંસી સંગીતિવિહોણી છે, અમાવસ્યાના કારાગારે મારા ભુવનને દુ:સ્વપ્નમાં લુપ્ત કરી દીધું છે; એટલે જ તો તને અશ્રુ સાથે પૂછું છું—જેઓ તારા વાયુને વિષમય બનાવે છે, તારા પ્રકાશને બુઝાવે છે, તેમને તેં ક્ષમા કરી છે, તેં (તેમના ઉપર) પ્રેમ કર્યો છે? ડિસેમ્બર-જાન્યુઆરી, ૧૯૩૧-૩૨ ‘પરિશેષ’

(અનુ. નગીનદાસ પારેખ)