એકોત્તરશતી/૮૪. મૃત્યુંજય

From Ekatra Wiki
Revision as of 01:32, 18 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મૃત્યુંજય


દૂરથી મેં મનમાં ધાર્યું હતું કે તું દુર્જય અને નિર્દય છે. તારા શાસનથી પૃથ્વી કંપે છે. તું વિભીષિકારૂપ છે. દુ:ખીની વિદીર્ણ છાતીમાં તારી લપલપતી જ્વાળાઓ જલે છે. જમણા હાથનું શલ્ય ઝંઝાવાતના મેઘ તરફ ઊંચું થયું છે, ત્યાંથી વ્રજને ખેંચી લાવે છે. બીતો બીતો ધડકતી છાતીએ તારી સામે આવ્યો હતો, તારા ભૃકુટિ–ભંગમાંથી ઝઝૂમતો ઉત્પાત હિલોળે ચડ્યો, આઘાત ઊતર્યો. પંજર કંપી ઊઠ્યું. છાતીએ હાથ દાબીને મેં પૂછ્યું, “બીજું પણ કંઈ છે ખરું, છેવટનો વ્રજપાત બાકી છે? ” આઘાત ઊતર્યો. આટલું જ? બીજું કશું નહિ? ભય ભાંગી ગયો. જ્યારે તારું વજ્ર ઉગામેલું હતું ત્યારે મેં તને મારા કરતાં મોટો ગણી લીધો હતો. તારા આઘાતની સાથે તું ઊતરી આવ્યો- જ્યાં મારી પોતાની ભૂમિ છે, આજે તું નાનો થઈ ગયો છે. મારી બધી શરમ તૂટી ગઈ છે. ગમે તેવો હોય (તોય) તું કંઈ મૃત્યુ કરતાં મોટો નથી. ‘હું મૃત્યુ કરતાં મોટો છું' એ છેવટનું વચન ઉચ્ચારીને હું ચાલ્યો જઈશ. ૧ જુલાઈ, ૧૯૩૨ ‘પરિશેષ’

(અનુ. નગીનદાસ પારેખ)