એકોત્તરશતી/૯૧. ઋણશોધ

Revision as of 01:38, 18 July 2023 by Meghdhanu (talk | contribs) (પ્રૂફ રીડિંગ સંપન્ન)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ઋણચૂકવણી (ઋણશોધ)


હું જાણું છું દિવસના અપરિમિત પ્રકાશે એક દિવસ બંને આંખોને ઋણ આપ્યું હતું. આજે એ ઋણ પાછું વસૂલ કરવાનો હક તમે જાહેર કર્યો છે, મહારાજ! ઋણ ચૂકતે કરવું પડશે એ હું જાણું છું. તો પછી શું કરવા સંધ્યાદીપક પર છાયા નાંખો છો? તમે તમારા જે પ્રકાશ વડે વિશ્વતલની રચના કરી ત્યાં તો હું કેવળ અતિથિ છું. અહીંતહીં ક્યાંક ને કોઈ નાનાં છિદ્ર રહી ગયાં હોય, અને એટલા ટુકડા પૂરા ન થયા હોય તો અવહેલના કરીને એને પડ્યા રહેવા દેજો! જ્યાં તમારો રથ અંતિમ ધૂળમાં છેલ્લી નિશાની મૂકીને જાય ત્યાં મને મારું જગત રચવા દેજો! જરી કંઈક પ્રકાશ, જરી કંઈક છાયા અને કંઈક માયા રહેજો! છાયાપથમાં લુપ્ત થયેલા પ્રકાશની પાછળ વખતે શોધતાં તમને જડી આવશે કંઈક— કણ માત્ર લેશ, તમારા ઋણનો અવશેષ! ૩ નવેમ્બર, ૧૯૪૦ ‘રોગશય્યાય’

(અનુ. રમણલાલ સોની)