એકોત્તરશતી/૯૪. હિંસ્ર રાત્રિ આસે ચુપે ચુપે


હિંસક રાત્રિ ગુપચુપ આવે છે (હિંસ્ર રાત્રિ આસે ચુપે ચુપે)


હિંસક રાત્રિ ગુપચુપ આવે છે, બળ જેનું ચાલ્યું ગયું છે. એવા શરીરના શિથિલ આગળા ભાંગી નાખીને અંતરમાં પ્રવેશ કરે છે, જીવનના ગૌરવનું રૂપ હર્યા કરે છે. કાલિમાના આક્રમણથી મન હારી જાય છે, એ પરાભવની લજ્જા, એ અવસાદનું અપમાન જ્યારે ઘનીભૂત બની જાય છે, ત્યારે એકાએક દિગંતમાં સ્વર્ણકિરણની રેખા આંકેલી દિવસની પતાકા દેખા દે છે; જાણે આકાશના કોઈ દૂરના કેન્દ્રમાંથી ‘મિથ્યા મિથ્યા’ કહેતો ધ્વનિ ઊઠે છે. પ્રભાતના પ્રસન્ન પ્રકાશમાં જીર્ણ દેહદુર્ગના શિખર ઉપર પોતાની દુઃખવિજયીની મૂર્તિ જોઉં છું. ૨૧ જાન્યુઆરી, ૧૯૪૧ ‘આરોગ્ય’

(અનુ. નગીનદાસ પારેખ)