ઓખાહરણ/કડવું ૧૩

From Ekatra Wiki
Revision as of 09:09, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|}} <poem> {{Color|Blue|[ગંધર્વલગ્ન પછી ચિત્રલેખા વિદાય લેતાં ઓ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૧૩

[ગંધર્વલગ્ન પછી ચિત્રલેખા વિદાય લેતાં ઓખા-અનિરૂધ્ધની રતિક્રીડાનું વર્ણન છે.]

રાગ બિહાગડો

સુખ ભોગવે શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી,
‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય? ૧

તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’
રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે? ૨

તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું; ૩

દુખ થાશે તો દેશું થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી; ૪

પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર
તુજ અર્થે લીધો અવતાર, મેળવિયાં સ્ત્રી-ભરથાર.’ ૫

એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન.
ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી. ૬

સ્વામીએ સંભોગી નારી, સુખે વિધાત્રી મૂકી વિસારી;
બંને વિસારી વિજોગની પીડા, નરનારી કરે કામક્રીડા. ૭

વિલસિત વિષયમાં છે પૂરાં, નરનારી રતિયુદ્ધે શૂરાં;
છે ચડતે જોબન કાયા, પ્રીત બંધાઈ વાધી માયા. ૮

સ્નેહ-અર્ણવ ઓખા નારી, ઝીલે અનિરુદ્ધ કુંજવિહારી;
જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ્ય ભોજન કરે મન-ભાવે. ૯

પોહોત્યો ઓખાનો અભિલાખ, પછે આવ્યો માસ વૈશાખ;
જાળી-બારીએ વાયુ આવે, તેમ તેમ મોહ ઉપજાવે. ૧૦


આવ્યા વર્ષાકાળના દંન, ગાજે વરસે છે પર્જન્ય,
વીજળી થાય આભે પૂરી, બોલે કોકિલ સૂર માધુરી. ૧૧

મહા તાપસનાં મન ડોલે, દાદુર મોર બપૈયા બોલે;
માળિયા તળે રત્નાકર ગાજે, ઓખા નવ-સત્ત આભરણ સાજે. ૧૨

તેલ-મર્દન, મંજન અંગે, ચર્ચે ચંદન-કેસર સંગે;
નેત્રે અંજન, આભરણ હાર, મુખ તંબોલનો પિચકાર. ૧૩

ઇન્દુ માંહે ઉડુગણ જેવો, સોહે નીલવટ ચાંદલો તેવો;
શીશ રાખડી શોભે ઘણી, ચોટલો તે નાગની ફણી. ૧૪

શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ સૂર;
કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી. ૧૫

પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં;
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન. ૧૬

નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર;
રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ. ૧૭

મોઘો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે;
મોહ્યો મોહ્યો હાર ગળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ. ૧૮

મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ;
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે. ૧૯

મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેસરી-કટે;
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી. ૨૦

મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને;
મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે. ૨૧

મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે;
મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે. ૨૨

મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી;
કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ. ૨૩

અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે;
એકસ્તંભ ઓખાનું ધામ, ગયું વીસરી દ્વારકા ગામ. ૨૪

ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીસર્યાં મા ને બાપ;
પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન. ૨૫

વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ;
વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાગર. ૨૬


અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી;
‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીડે નારીની પૂંઠે ફરતો. ૨૭

સ્ત્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ;
નિર્ભે નિરંકુશ કરે છે ભોગ, તેણે નીવર્ત્યો વ્રેહનો રોગ. ૨૮

એક એકને ગ્રહી રાખે, અન્યોઅન્ય અધરામૃત ચાખે;
અંગ ઉપર અંગ જ નાખે, ‘મેલો મેલો જી’ મુખથી ભાખે; ૨૯

અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;
સૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી. ૩૦
વલણ
ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે;
કન્યા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ ૨ે. ૩૧