ઓખાહરણ/કડવું ૨૧

From Ekatra Wiki
Revision as of 11:16, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૧|}} <poem> [બાણાસુરની સેના ઓખા-અનિરૂધ્ધને બંદી બનાવીને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૨૧

[બાણાસુરની સેના ઓખા-અનિરૂધ્ધને બંદી બનાવીને કારાવાસમાં લઈ જાય છે ત્યારે નગરજનો આ અલૌકિક દંપત્તિને જોવા ટોળે વળ્યાં છે. કુંવારી કન્યાઓ અનિરૂધ્ધ પ્રતિ આકર્ષાય છે.]

રાગ રામગ્રી
બાણે બંને જણને બાંધિયાં, નૌતમ નર ને નાર;
અનિરુદ્ધ રાખ્યો આગળ કરી, ગુપ્ત રાખી કુમાર. – બાણે ૧
ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો તે વ્યભિચાર,
છાની ઓખા મંદિર મોકલી, રાખ્યો કુળનો ભાર. – બાણે ૨

લક્ષણવંતો ચાલે લહેકતો, મહેકતો બહુ વાસ,
દૈત્યદળ પૂંઠે પળે, દોરી હીડે છે દાસ. – બાણે ૩

પેચ છૂટો પાઘડી તણો, આવ્યો પગ-પરમાણ,
‘ચોરે તે મોર જ મારિયો,’ લોક કરે વખાણ. – બાણે ૪

કો કહે, ‘એનામાં દૈવત ઘણું, રૂપવંત રસાળ;
એના કટાક્ષમાં કામિની, જોતાંમાં પડે તત્કાળ; – બાણે ૫

ભુલવણી ભ્રકુટિ તણી જોઈ ભલી ભૂલે નાર,
કુંવારી કન્યાને કામણ કરે, મોહે બાંધે કુમાર.. – બાણે ૬

સખી પ્રત્યે સખી કહે, દેખી અંગ-અવેવ,
‘બાંધ્યો તોયે જુએ આપણ ભણી, એવી એની શી ટેવ? – બાણે ૭

હવે ઓખા જે વર પરણશે, પામશે ભવ ભરથાર,
તે સ્વામી શું સુખ પામશે, લીધો એણે સાર. – બાણે ૮

ચાર દિવસનું ચાંદરણું, લીધો એણે સ્નેહનો સ્વાદ;
હવે ભ્રમ ભાંગ્યો ઘણો, લાગ્યો લોક-અપવાદ. – બાણે ૯
વલણ
લાગ્યો લોક-અપવાદ પણ પામ્યો દેવ-કન્યાય રે;
પછે બાણાસુરે ઓખા-અનિરુદ્ધ રાખ્યાં કારાગૃહ માંહ્ય રે. – બાણે ૧૦