ઓખાહરણ/કડવું ૨૩

Revision as of 11:39, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૩|}} <poem> {{Color|Blue|[અનિરૂધ્ધના અપહરણથી દ્વારિકામાં હાહાક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૨૩

[અનિરૂધ્ધના અપહરણથી દ્વારિકામાં હાહાકાર મચી ગયો છે પણ શ્રીકૃષ્ણ સર્વજ્ઞ હોવાથી નિશ્ચિંત છે. એવામાં નારદમુનિ દ્વારિકા આવી રાજકુંવર બાણાસુરની કેદમાં હોવાના સમાચાર આપે છે. જાદવ-સેના અનિરૂધ્ધને મુક્ત કરાવવાની તૈયારી કરે છે.]

રાગ વેરાડી
શુકદેવ કુહે પરીક્ષિતને : બાંધિયો જાદવ જોદ્ધ;
હવે દ્વારકાની કહું કથા, જાદવ કરે પરિશોધ. ૧

હિંદોળા સહિત કુંવર કરાયા, હાહાકાર પુર મધ્ય,
અનિરુદ્ધની ચોરી હવી, ને હરી ગયું કોઈ સદ્ય. ૨

સહુ અતિ આક્રંદ કરે, મળ્યું વિનતાનું વૃંદ,
રુક્મિણી, રોહિણી, રેવતી, તે સર્વ કરે આક્રંદ. ૩

જાદવ-જોધ કરે માધવને, ‘શું બેઠા છો, સ્વામી?
એ વહારનો વિલંબ ન કીજે, કુળને લાગે ખામી.’ ૪

વસુદેવ કહે છે શ્યામ-રામને, ‘શું બેઠા છો, ભૂપ?
કુંવરની કેડે, કૃષ્ણજી! શેં ન કરો ધાધૂપ?’ ૫

ઉગ્રસેન કહે, ‘આશ્ચર્ય મોટું, કેમ હરાયો હિંદોળો?
દેવ! દૈત્ય દાનવનું કારણ, ખપ કરીને ખોળો.’ ૬

સાત્યકિ ને શિરોમણિ પૂછે, ‘હવે શી કરવી પેર?
પુત્ર વિના પરિવાર સૂનો, શું બેઠા છો ઘેર?’ ૭

સાથ સકળને જદુનાથ કહે છે, ‘શાને કરીએ શ્રમ?
ગોત્રદેવીને ગમતું હશે કુંવર હર્યાનું કર્મ. ૮

અગિયાર વરસ અમે ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસે,
પ્રદ્યુમ્નને શંબરે હર્યો તે આવ્યો સોળમે વર્ષે; ૯

તેમ અનિરુદ્ધ આવશે, તે સાચવશે કુળદેવી;’
કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવી. ૧૦

પાંચ માસ એમ વહી ગયા, જાદવ થયા અતિ દુઃખી,
શોણિતપુરથી કૃષ્ણાસભામાં આવ્યા નારદ ઋખિ. ૧૧

હરિ–આદે જાદવ થયા ઊભા, માન મુનિને દીધું,
અતિ આદર-શું માન આપ્યું, પ્રેમે પૂજન કીધું. ૧૨

સમાચાર પૂછે શ્રીકૃષ્ણજી, નારદ વળતું ભાખે :
‘ઉત્પાત-વાત એક છે, બાણ કુંવરને બાંધી રાખે. ૧૩


ઈશ્વરી ઇચ્છાએ ઓખા પરણ્યો, સંબંધ એવો સાધ્યો,
એવા અપરાધને માટે એને બાણાસુરે બાંધ્યો. ૧૪

વાત સાંભળી વધામણીની, વજડાવ્યાં નિસાણ;
શ્યામ-રામ તત્પર થયા, હવે જીતવો છે બાણ. ૧૫

સ્વજન સુખ અતિશે પામ્યાં, છે કુંવરને કુશળ,
ગરુડ લીધો ગોવિંદજીએ, પૂંઠે સેના સકળ. ૧૬

સંકર્ષણને સાત્યકિ જાદવ, ત્રીજો પ્રદ્યુમન,
એ ત્રણે પાસે બેસાડી કૃષ્ણે ખેડ્યો ખગજન. ૧૭

એક પહોરમાં પંખી પોહોત્યો, સુણી અસુરે પંખ,
રિપુ-હૃદયને વિડારવાને શ્યામે પૂર્યો શંખ. ૧૮
વલણ
શંખ પૂર્યો શ્યામ-રામે, ઉધ્રક્યો સહસ્ર-પાણ રે,
ત્રાસે નાસે લોક, પુરમાં પડિયું છે બુંબાણ રે. ૧૯