ઓખાહરણ/કડવું ૨૫

From Ekatra Wiki
Revision as of 11:56, 1 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૫|}} <poem> {{Color|Blue|[મુંઝાયેલો બાણાસુર શિવજીને અનિરૂધ્ધ અન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૨૫

[મુંઝાયેલો બાણાસુર શિવજીને અનિરૂધ્ધ અને કૃષ્ણ વિશે ફરિયાદ કરતાં હરિ-હરની સેના વચ્ચે ધમાસાણ યુધ્ધ થાય છે. અહીં યુધ્ધની ભીષણતાનું વર્ણન બીભત્સતાનો અનુભવ પણ કરાવે છે.]

રાગ સામેરી
આવ્યા જુદ્ધે તે શંકરરાય, સેવકની કરવા સહાય;
ટોળે ભોળો ને ભગવાન, દેખી રીઝ્યા દૈત્ય-રાજાન. ૧
ઢાળ
રાજન રીઝ્યો દૈત્યનો, તે શરણ શંકરને ગયો,
પાયે લાગી પંચવદનને સમાચાર સઘળો કહ્યો : ૨

‘પુત્ર જે પ્રદ્યુમન તો, તેણે કુળને લગાડ્યું લાંછન,
જામાત્ર-પદવી ભોગવી, ચોરી સેવ્યું ઓખા-ભવન. ૩

મેં બંધને અનિરુદ્ધ રાખ્યો, હણતાં મુજને દયા આવી;
એવા અપરાધ ઉપર આવ્યા કૃષ્ણ કટક ચડાવી.’ ૪

વાત વિરોધની સાંભળી, શંકરને ચડિયો ક્રોધ.
‘જાઓ જાદવને સંહારો’’ શિવે હકાર્યા જોદ્ધ. ૫

જુદ્ધે તે આવ્યા ભૂત ભૈરવ, પ્રેત બહુ પિશાચ,
શાકિણી શિકોતરી સંચરી, ‘ભક્ષ ભક્ષ’ કરતી વાત. ૬

પંચદૂત સાથે પરવર્યા, કાશી તણા કોટવાળ,
વીર વૈતાળ ને કોઈલા, આગળ કર્યો પશુપાળ; ૭

બાણાસુર બલિભદ્ર સામો, શંકર ને શ્રીકૃષ્ણ,
સાત્યકિ ને સ્વામી કાર્તિક, નંદી ને ચારુણ. ૮

કૃતવર્મા કૌભાંડ સામો, સાંબ ને ધૂમ્રલોચન;
શોણિતાક્ષ ને સોમકેતુ, ગણપતિને પ્રદ્યુમન; ૯

રથી સામા ૨થી આવ્યા, હસ્તી સામા હસ્તી,
જાદવને શ્રીહરિ હકારે, અસુરને શિવ ઉપસ્તી. ૧૦


ભોગળે ભોગળ પડે, ને થાય ગદાના કટકા,
ગગનમાં જેમ વીજ ચમકે, થાય ખડગના ઝટકા; ૧૧

પટ્ટી, ફરસી, પરિઘ, ભાલા, ભોગળ ને ભીંડીમાળ,
ખાંડાં, ખપુવા, ત્રિશૂલ શક્તિ, વઢે વીર વિકરાળ. ૧૨

ગિરિ તરુવર અસ્થિ ચર્મ વરસે દાનવ દુષ્ટ,
સાંગ ભાલા મલ્લ બાઝે, પડે પાટુ ને મુષ્ટ; ૧૩

પ્રબળ માયા આસુરી, તેણે થઈ રહ્યો અંધકાર,
બહુ વીર વાહન ચકચૂર થયાં, વહે શોણિતની ધાર. ૧૪

અસ્થિ-ચર્મ ને મેદ-કર્દમ, જાદવ-દૈત્ય દળાય.
ધર્મ ચૂકી, મામ મૂકી, કાયર પુરુષ પળાય. ૧૫

શ્રોણિતની ત્યાં સરિતા વહે, ભયાનક ભાસે ભોમ,
પદપ્રહારે રુધિર ઊડે, સૂરજ ઢંકાયો વ્યોમ! ૧૩


કુતૂહલ દેખી દેવ કંપ્યા, હવો તે હાહાકાર,
બલિભદ્ર ને બાણાસુર વઢે, કેમ સહે ભૂમિ ભાર? ૧૭

જોગણીનું ભક્ષ ચાલ્યું, શિવસેનાની વૃત્ત્ય,
સંતોષ પામી શાકિણી, કલ્લોલ કરતી નૃત્ય. ૧૮

કોઈ કાયર થઈને નાઠા, આફણિયે ઓસરિયા,
શૂરા વાઢિયા શૂર પ્રખ્યાતે, આવી અપ્સરાએ વરિયા. ૧૯
ઓખા-અનિરુદ્ધ કારણે રોળાયા રાણા રાય,
કુસુમસેજ્યાએ પોઢતા તે રુધિર માંહ્ય તણાય. ૨૦

સાગર-શું સંગમ હવો, શોણિતની સરિતા વહી,
અસ્થિ ચર્મની, મેદની બે પાળી બંધાઈ રહી. ૨૧

માતંગ-અંગ મસ્તકવિહોણાં, તે બિહામણાં વિકરાળ,
કુંભસ્થળ શું કાચલાં! શીશ-કેશ શેવાળ! ૨૨

નર-કર શું ભુજંગ ભાસે! મુખકમળ શું કમળ!
નેત્ર મચ્છ, ને મુગટ બગલાં, નરનાભિ તે વમળ, ૨૩

દુંદુભિ તણાયાં રથ ભાંગિયા, શોભીતા શું વહાણ!
નીરખીને આ નદી દારુણ, કોપે ચડ્યા શૂલપાણ. ૨૪

વલણ
શૂલપાણિજી સૂંઢિયા, વૃષભ હાંક્યો ભૂધર ભણી,
વિપ્ર પ્રેમાનંદ કહે કથા, રાડ વાધી હરિ-હર તણી. ૨૫