ઓખાહરણ/કડવું ૨૬


કડવું ૨૬

[ભયાનક સંગ્રામ બાદ શ્રીકૃષ્ણ બાણાસુરના હાથ માંડતાં બાણસસુરની માતા તેની મદદે આવે છે પણ, શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર છોડતાં બંને નાસી જાય છે. અંતે યુધ્ધમેદાનમાં નિઃસહાય સ્થિતિમાં પડેલો બાણાસુર શ્રીકૃષ્ણની શરણે આવે છે.]

રાગ સોરઠી
ધાઈ આવ્યા શંકર સંગ્રામે, ધાર્યું ચક્ર સુદર્શન શ્યામે,
ગાજે ગરુડે તે છેલછબીલો, હાક્યો પોઠિયો હરે હઠીલો. ૧

હરિએ ચક્ર ચડાવ્યું ચાક, શિવે સામું કીધું પિનાક,
આવી ભડિયા બેહુ ભગવાન, થયો સંસાર આંદોલમાન. ૨

વાગી હરિ-હર તણી ત્યાં હાક, પુરમાં રાંધ્યા રહ્યા છે પાક,
ભૂલી વિધાત્રી લખતાં લેખ, ધ્રૂજી ધરણી ને સરક્યો શેષ. ૩

ફાટ્યું આકાશ ત્રૂટ્યાં અભ્ર, પડ્યા ગર્ભવતીના ગર્ભ,
ફરે ચાપ તે મંડલાકાર[1]શિવે બાણ મૂક્યાં છે બાર. ૪

તે પૂંઠે મૂક્યાં પંચવીશ, છેદ્યાં આવતાં શ્રીજગદીશ,
શત સહસ્ર, લક્ષ ને કોટ, વરસે બાણ તે કોટાકોટ. ૫

વાળ્યો જાદવનો સંહાર, પ્રગટ્યો દેવમાં હાહાકાર,
કૃષ્ણે મૂક્યું મોહાસ્ત્ર બાણ, મૂર્છા પામ્યા તે પિનાકપાણ[2]; ૬

કીધું પોઠિયા ઉપર શયન, ધાયો બાણાસુર રાજન;
આવ્યા શુક્રાચાર્ય જ સાર, ટાળવા શિવજીનો વકાર[3]. ૭

બાણે કીધી તે બહુ વાન, કીધી ગણપતિને સાન;
ધાયા દૈત્ય ને જમના દૂત, તૂટી પડ્યા તે ભૈરવ ભૂત. ૮

જુદ્ધ પ્રબળ કર્યું રણછોડ, આવી અસુરની કન્યા ક્રોડ;
આસુરી માયા કરતી નાર, કોઈ નમી છે ઉરજ-ભાર. ૯

કોની આંખ જ ઉગ્ર કપોલ, કોનું મુખ તે મોટી પોળ;
કોનાં મસ્તક ગિરિ સમાન, કોના ભરાયે ભૂમિએ કાન. ૧૦

વનિતા વારુણીમાં થઈ મગ્ન, વસ્ત્રવિહોણી ફરે નગ્ન;
ગ્રહી ભમાવે જોદ્ધ ગગન, જાદવ સેન્યા કીધી ભગન. ૧૧

હરખી શાકિણી ડાકિણી સર્વ, આવ્યું આજ ઉજાણીનું પર્વ;
ભૂંડી ભાષા, વરુવો[4] વર્ણ, ચુડેલ ચાલે અવળે ચર્ણ. ૧૨

વરસે શોણિત, શિલા ને સર્પ, કોપ્યા શ્યામ-રામ-કંદર્પ;
કૃષ્ણે આંખ કીધી ઘણી વક્ર, મૂક્યું કોપ કરીને ચક્ર, ૧૩

છેદ્યાં ડાકિણી-શાકિણીનાં શીશ, રંડા નાસે, પાડે ચીસ;
છેદ્યાં શ્રવણ, નાસિકા ને નેણ, ત્યાં તો ઊડી રુધિરની ઝેણ. ૧૪

કોઈને ભાલા વાગ્યા ભચ, કોઈનાં નાક કપાયાં ટચ
છેદ્યાં આયુધ કવચ અનેક, નાઠા અસુર મૂકીને ટેક; ૧૫

ગાજ્યો બાણાસુર ઉન્મત્ત, ધનુષ ધરિયાં છે પંચશત;
વરસે બાણ તે દાનવ દક્ષ, શત સહસ્ર આયુધ ને લક્ષ. ૧૯

નાઠી સેન્યા ભલી ભડેડાટ, હસ્તી ચીસ પાડે ચડેડાટ;
પડ્યો જાદવ-જોધમાં ભંગ, આકર્ષ્યું શ્યામે સારંગ; ૧૭

કૃષ્ણે છેદ્યાં ધજા ને દંડ, ક્રોધે રથ કીધો શતખંડ,
છેદ્યું છત્ર એક અનોપ, કાપ્યાં કવચ, આયુધ ને ટોપ. ૧૮

બાણાસુર કહે કરી કોપ, ‘હવે શું જાય જીવતા ગોપ?’
ચતુર્ભુજે કીધો ચોંપ, માયા મૂકી થયા અલોપ. ૧૯

સોંઢ્યા શ્યામ-રામ થઈ સજ્જ, ગાજે બાણ તે કકડધજ;
પ્રગટી માયા તેણી વાર, મંત્રે નિવારી તે મોરાર; ૨૦

વરસે ગિરિ-રુધિરની ધાર, જાદવ સેન્યા પામી હાર.
કીધા વાહન-વિહોણા વીર, ગતિભંગ તે સર્વ શરીર; ૨૧

હળધરે મૂકી હવે મામ, દેખી દારુણ દૈત્ય-સંગ્રામ.
જાદવનું દેખીને કષ્ટ, કૃષ્ણે કીધી ક્રોધની દૃષ્ટ, ૨૨

દિવ્યાસ્ત્ર મૂક્યું છે બાણ, છેદી માયા પુરુષ-પુરાણ.
કીધાં મુગટ-વિહોણાં શીશ, લીધું ચક્ર તે શ્રી જગદીશ, ૨૩

છેદવા માંડ્યા જ્યારે હાથ, આવી બાણાસુરની માત;
કાળી કોટરા એવું છે નામ, દેખી નગ્ન ને લાજ્યા શ્યામ; ૨૪

નવ મૂક્યું તે સુદર્શન, નાસી છૂટ્યો બાણાસુર રાજન.
ચક્ર ચડાવ્યું બીજી વાર, હવો દૈત્યમાં હાહાકાર, ૨૫

નાઠી કોટરા પાડી ચીસ, હવે હાથ હણે જગદીશ;
અકળાવ્યો બાણ રાજન, આવી પડિયું તે સુદર્શન, ૨૬

જેમ છંદે કો વડની ડાળ, તેમ કર કાપ્યા તત્કાળ
પછે રાખ્યા છે ભુજ ચાર, બાણ પડ્યો પૃથ્વી મોઝાર[5] ૨૮
વલણ
બાણાસુર પૃથ્વી પડ્યો, પીડા પામ્યો ખંડ ૨ે,
સદાશિવ કોપે ચડ્યા, ત્યારે ખળભળ્યું બ્રહ્માંડ રે. ૨૯



  1. મંડલાકાર-ગોળાકાર
  2. પિનાકપાણ-પિનાક નામનું ધનુષ્ય ધારણ કરનાર શિવ, (પિનાકીન)
  3. વકાર-વિકાર
  4. વરૂવો-કદરૂપો
  5. મોઝાર-ઉપર