ઓખાહરણ/કડવું ૨૭

Revision as of 05:36, 2 November 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૭|}} <poem> {{Color|Blue|[બાણાસુરની સ્થિતિ જોઈ ક્રોધિત શિવની સેન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૨૭

[બાણાસુરની સ્થિતિ જોઈ ક્રોધિત શિવની સેના ભીષણ યુધ્ધ કરે છે. છેવટે દેવોની વિનંતિ અને બ્રહ્માજીની મધ્યસ્થીથી યુધ્ધનું સમાપન થાય છે. અને ઓખા-અનિરૂધ્ધનાં લગ્ન માટે પીઠી ચોળાય છે.]

રાગ મારુ
ઘણું કોપ્પા દેવ રુંઢ માલી, અકળાવ્યા શ્રી વનમાલી,
મૂક્યો પિત્તજ્વર મહાદેવ, હરિએ જ્વર પ્રગટ્યો તત્ખેવ. ૧

વાતજ્વર તેહનું નામ, પિત્તજ્વર-શું માંડ્યો સંગ્રામ,
તરિયો મૂક્યો તે ત્રિપુરારિ, એકાંતરિયો મૂક્યો દેવ મુરારિ. ૨

શિવે ટાઢિયો તાવ હકાર્યો, કાળજ્વર શ્રીકૃષ્ણે વકાર્યો,
ભૂતજ્વર મૂક્યો ઉમિયાનાથ, એમ જ્વર પ્રગટ્યા છે સાત; ૩

ઓખાહરણ સુણે ધરી ભાવ, તેના જીરણ જાયે તાવ,
શુકદેવ કહે : સુણો રાય! હરિ-હર તણો મહિમાય; ૪

મહાદેવ અગ્નિ ઉપજાવે, વિઠ્ઠલો વરસાદ વરસાવે,
થયો ક્રોધ જેહ કપાળી, ઠામઠામથી સૃષ્ટિ પ્રજાળી; પ

હરિ-હર બંને હઠે ભરાયા, ત્યાં તો બ્રહ્માજી વહારે ધાયા,
આવી. જોડ્યા બંનેને હાથ, ‘તમે જુદ્ધ મુકો, દીનનાય!’ ૬

સ્તુતિ કરીને સામા રહી, કમળાકંથે વારતા કરી.
‘નમું ગંગાધર પશુપાળ, નમું ગિરિધર દેવ દયાળ; ૭

નમું જટાઘર ભસ્મભાર, નમું મોરપિચ્છ ધરનાર;
નમું દેવદુખ હરનાર, નમું જગત-જીવણહાર; ૮

નમું નીલકંઠ રુંઢમાળ, નમું ગુંજાધર ગોવાળ;
નમું ઉમિયાવર જોગેશ, નમું શ્રીધર શ્રીહૃષીકેશ, ૯

નમું શંકર બ્રહ્મકપાલી, નમું શ્રીકૃષ્ણ કરુણાવલિ;
નમું ત્રિવદન ત્રિપુરઠામ, નમું ભક્તવત્સલ ભૂધર નામ. ૧૦

નમું દાવાનલ પર્જન્ય, નમું દુંદુભિનાદ ગર્જન;
નમું પિનાક-ત્રિશુલપાણિ, નમું સારંગધર પુરુષપુરાણી. ૧૧

નમું વૃષભ જેનું વાહન, નમું કૃષ્ણદેવ પાવન,
તમે જગતના પિતા કહાવો, કાં જીતવાને મૃત્યુ ઉપજાવો?’ ૧૨

દીન વચન બ્રહ્માએ ભાખ્યાં, શિવ-કૃષ્ણે આયુધ નાખ્યાં,
હેતે હરિ-હર બન્યો ભેટાડ્યા, પડ્યા જોદ્ધ સર્વે ઉઠાડ્યા. ૧૩

બાણ શ્રીકૃષ્ણ-ચરણ નમિયો, સંતાપ તેનો સહુ શમિયો,
પછે જ્વર પ્રગટ્યા જે સાત, બ્રહ્માને કહે છે વાત : ૧૪


હવે અમો તે ક્યાં જઈ રહું? તમ વિના કોને દુખ કહું?’
ચતુર્મુખ બોલ્યા મુખ વાણી, ‘તમો રહો પૃથ્વી પર જાણી; ૧૫

અધર્મ કરે જે નરનાર, પશુ-વનસ્પતિ તણો જે કાળ,
ત્યાં તમારો નિવાસ,’ એમ જ્વરની પૂરી આશ. ૧૬

‘ઓખાહરણ સાંભળે સંતોષ, ના પ્રગટે જનને જ્વરના દોષ,
જે સાંભળે ધરીને ભાવ, તેના જાયે સાતે તાવ.’ ૧૭

એવું કહી હવા અંતર્ધાન, સંતોષ્યા શ્રીભગવાન;
અનિરૂદ્ધ શ્રીકૃષ્ણને મળિયો, છૂટ્યાં બંધન, વિજોગ ટળિયો; ૧૮

નાણું મોકલે બાણાસુર રાય, વરકન્યાને પીઠી ચોળાય,
વર ઘોડે ચડ્યો, ગીત ગાય, અનિરૂદ્ધ આવ્યો માંહ્યરા માંહ્ય. ૧૯

શુકજી કહે : પરિક્ષિત રાજાન! બાણાસુર આપે છે કન્યાદાન. ૨૦