ઓખાહરણ/કડવું ૬

કડવું ૬

[લગ્ન માટે અધીર બનેલી ઓખાને સખી ચિત્રલેખા સંયમ રાખવા સમજાવી, પાર્વતીએ જણાવેલા અલૂણા વ્રતનું સ્મરણ કરાવે છે. ઓખા સંયમ રાખી પાર્વતીની ઉપાસના કરે છે.]

રાગ મેવાડો
શિખામણ દે છે ચિત્રલેહા જો, ‘તું તો સાંભળ બાળસ્નેહા જો,
એમ છોકરવાદી નવ કીજે જો, બાઈ! બળિયા બાપથી બીહીજે જો. ૧

એવું નીચ મન કાં તારું જો? આપણ મોટા બાપનાં છોરુ જો;
એમ લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો. ૨

કીજીએ કહ્યું હોય જે તાતે જો, બાઈ! નવ જઈએ બીજી વાટે જો;
હું તો રહી છું તુજ રક્ષણ સારુ જો, બાઈ! તું માણસ નહિ વારુ જો. ૩

મેં તો ન થાય તારું રક્ષણ જો, બાઈ! તુજમાં મોટું અપલક્ષણ જો;
તુજમાં કામ-કટક-દલ[1] પ્રગટ્યું જો, હવે મને રહેવું નવ ઘટતું જો. ૪

જો રાય બાણાસુર જાણે જો, તો અંત આપણો આણે જો
મંત્રી દુખદાયક વરતી જો, ભૂંડી કહેવાઉં તુજ મળતી જો. ૫

મારા સમ, જો મન કરો વિગ્રે જો, એમ સ્વામી ન મળે શીઘે્ર જો;
થાક્યાં ડગલાં ન ભરીએ લાંબાં જો, ઉતાવળે કેમ પાકે આંબા જો? ૬

હું તો પ્રીછી[2]કામનું કારણ જો, બહેની! રાખો હૈયે ધારણ જો,
પિયુને મળવું સહુને ગમતું જો, સહુને જોબિનયું હશે દમતું જો. ૭

તુજમાં જ્ઞાન-બુદ્ધ નથી અંથ જો, કારાગૃહમાં ક્યહાંથી કંથ જો?
મારી ઓખાબાઈ! સલૂણાં જો, તમો વ્રત કરોને અલૂણાં જો.’ ૮

આવ્યો ચૈત્ર માસ એમ કરતાં જો, ઓખાબાઈ તે વ્રત આચરતાં જો;
અ-લવણ જમે, અવની સુએ જો, દીપક બાળે ને દિન ખુએ જો. ૯

નિત ઉમિયાજીને આરાધે જો, દેહ દમન કરે મન વાધે જો,
થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ ના જાણે એકાંત આવાસે જો. ૧૦


વલણ
આવાસે એકસ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે,
થયો સ્વપ્નસંજોગ સ્વામી તણો, તે ભટ પ્રેમાનંદ ગાય રે.



  1. કામ-કટક-દલ – કામવાસનાનો ઉન્માદ
  2. પ્રીછી-સમજી