કંદમૂળ/કમાટીબાગના સિંહ

કમાટીબાગના સિંહ

યાદ છે, ક્યારેક, બપોરની વેળાએ,
વડોદરાના એ ઘરની નજીક આવેલા
કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાંથી
સિંહોની ત્રાડ સંભળાતી
અને હું પૂછતી,
આ સિંહ, આપણાથી કેટલે દૂર છે?
આપણે ક્યારેય ન લખેલી
કેટલીક કવિતાઓની જેમ
ક્ષીણ થઈ રહી છે સિંહોની ત્રાડો પણ હવે.
અને એમ શમી જશે
આપણી સ્મૃતિ પણ.
અને એમ વધતું જશે અંતર
અંગત અને આગંતુક વચ્ચેનું.
સમયનો એક ટુકડો
ઘર અને બાગ વચ્ચેના રસ્તા જેવો
પહોળો થઈને ધોરીમાર્ગ બનશે કદાચ.
અંતર જ્યારે સીમા અતિક્રમી જાય ત્યારે
નજીક આવી જાય,
કમાટીબાગના સિંહોની જેમ.
આજે, વડોદરાની એક વૈશાખી બપોરે
હું ફરી રહી છું કમાટીબાગમાં.
જોઈ રહી છું,
પાંજરામાં પુરાયેલા
આપણા પ્રિય સિંહ,
હવે નિઃશક્ત, તરસ્યા,
સૂતા પડ્યા છે, મડદાની જેમ.

(અર્પણઃ તાળું વાસી દીધેલા કોઈ ઘરમાં રહેતા સાવજથીયે સશક્ત એક કવિને.)